શંખને હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શુભ કાર્યોની શરૂઆત પૂર્વે અને હવનના પ્રારંભ પૂર્વે શંખ વગાડવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના આધારે શંખને દેવી લક્ષ્મીના ભાઇ માનવામાં આવે છે. કારણ કે, દેવી લક્ષ્મી અને શંખ બંન્નેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમ્યાન થઈ હોવાની માન્યતા પ્રચલિત છે.
એ જ કારણથી શંખ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય મનાય છે. ધાર્મિક પ્રસંગો અને પૂજા-પાઠમાં તો શંખનો ખાસ ઉપયોગ કરવામાં આવે જ છે, પણ, મહત્વની વાત એ છે કે વાર અનુસાર શંખના કેટલાક વિશેષ ઉપાયો અજમાવીને તમે તેનાથી વિધ-વિધ ફળની પ્રાપ્તિ કરી શકો છો. એટલું જ નહીં, લક્ષ્મીનારાયણની એકસાથે કૃપાની પ્રાપ્તિ પણ કરી શકો છો. આવો, તે વિશે વિગતે જાણીએ.
મંગળવારે શંખ વગાડો
ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતાની પૂજા પહેલા શંખ વગાડવો ખૂબ શુભ માનવામાં આવે છે. એમાં પણ, જે લોકોનો મંગળ ગ્રહ ભારે હોય તેમણે ખાસ કરીને મંગળવારની પૂજામાં શંખ જરૂરથી વગાડવો જોઈએ. એટલું જ નહીં, આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ અને તે દરમિયાન યાદ રાખીને શંખ વગાડવો જોઇએ. કહે છે કે તેનાથી જાતકને મંગળદોષમાં રાહતની પ્રાપ્તિ થાય છે.
બધવારે શંખમાં તુલસીદળ અને જળ રાખો
શંખ દ્વારા કરવામાં આવનાર એક ઉપાય એ છે કે પૂજા દરમ્યાન શંખમાં તુલસીના પાન અને જળ ભરીને રાખવું જોઇએ. જે જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ ભારે હોય, તેમણે બુધવારના દિવસે ખાસ આ ઉપાય અજમાવવો જોઇએ. તેના સિવાય ગુરુવારના દિવસે આ ઉપાય કરવામાં આવે ત્યારે પણ ભગવાન વિષ્ણુની કૃપાની પ્રાપ્તિ થાય છે. કારણ કે, તુલસીને ભગવાન વિષ્ણુ ખૂબ પ્રિય છે. એટલે, ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.
ગુરુવારે શંખ પર તિલક કરો
માન્યતા અનુસાર ગુરુવારના દિવસે શંખ પર જરૂરથી તિલક લગાવવું જોઈએ. કારણ કે, તેનાથી શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મી બંન્ને પ્રસન્ન થાય છે. શંખ પર કેસરનું તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરુવારે શંખ પર તિલક કર્યા બાદ શ્રીવિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા અને આરતી કરવામાં આવે છે. જે રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય, તે જાતકોએ જરૂરથી આ ઉપાય અજમાવવો જોઈએ. કારણ કે તેનાથી ગુરુ ગ્રહ મજબૂત બનતો હોવાની માન્યતા પ્રચલિત છે. સાથે દેવી લક્ષ્મી અને શ્રીહરિ આપને સુખ-સમૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે.
રવિવારે શંખથી સૂર્યનારાયણને અર્ઘ્ય !
આમ તો નિત્ય જ સૂર્ય ઉપાસના કરવી જોઈએ અને સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ. પરંતુ, નિત્ય ન થઈ શકે તો પણ, રવિવારે તો જરૂરથી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. કારણ કે, રવિવાર એ સૂર્ય દેવતાનો વાર મનાય છે. માન્યતા અનુસાર જો તમે શંખમાં જળ ભરીને સૂર્યદેવતાને અર્ઘ્ય અર્પણ કરો છો, તો, તેનાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. તમારા સૂર્યદોષનું નિવારણ થાય છે અને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)