હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજાનું આગવું જ મહત્વ છે. માન્યતા અનુસાર આ છોડ જે ઘરમાં હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે ખુશહાલી પણ અકબંધ રહે છે. સાથે જ દેવી-દેવતાનો વાસ પણ રહે છે. પણ, શું તમે એ જાણો છો કે તુલસીનો છોડ જે કુંડામાં રાખવામાં આવે છે તેની પણ એક આવી જ મહત્તા છે ? એક પ્રચલિત માન્યતા અનુસાર તુલસીના કુંડાને બહારથી ક્યારેય ખાલી રાખવામાં નથી આવતો.
તેના પર શુભ આકૃતિઓ બનાવવામાં આવે છે. આવી પાંચ આકૃતિઓ પ્રચલિત છે. માન્યતા અનુસાર આ 5 આકૃતિઓ કે નિશાનને કુંડા પર કંડારવાથી આપના ઘરમાં સકારાત્મકતા રહે છે. તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. કહે છે કે આ પાંચે પાંચ નિશાન કુંડા પર બનાવવા શક્ય ન હોય તો એક આકૃતિ તો જરૂરથી બનાવવી જોઈએ. આવો જાણીએ કયા છે આ નિશાન અને તેની શું છે મહત્તા ?
સ્વસ્તિકની રચના
ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિન્હ કે નિશાન બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે સ્વસ્તિકનું નિશાન બનાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. એ જ રીતે તુલસીના કુંડા પર પણ સ્વસ્તિકનું નિશાન બનાવવું શુભ માનવામાં આવે છે. કારણ કે, તુલસી સ્વયં લક્ષ્મી સ્વરૂપા મનાય છે. કહે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. કારણ કે, સ્વસ્તિકનું નિશાન એ મંગળનું પ્રતિક છે. જેનો અર્થ છે શુભકાર્ય થવું.
‘શ્રી’ની રચના !
શ્રીને માતા લક્ષ્મીનું પ્રતિકાત્મક સ્વરૂપ માનવામાં આવે છે. શ્રી શબ્દના વાસ્તવમાં ત્રણ અર્થ મનાય છે. એક તો સ્વયં લક્ષ્મી, બીજી શોભા અને ત્રીજું કાંતિ ! એ જ કારણ છે કે તુલસીના કુંડા પર શ્રી શબ્દ લખવા માત્રથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા પ્રચલિત છે. એટલું જ નહીં, તેનાથી ઘરમાં ખુશીઓનું પણ આગમન થાય છે.
‘ૐ’ની આકૃતિ !
તુલસીના કુંડા પર ઓમકારનું ચિન્હ પણ બનાવી શકાય છે. ૐને સ્વયં ઇશ્વરનું પ્રતિક માનવામાં આવે છે. ઇશ્વરની સમીપે રહેવા માટે ઓમકારનું ઉચ્ચારણ પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ‘ૐ’નો જાપ અને ઉચ્ચારણ કરવાથી આત્મીય સુખ અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે આ જ નિશાન તુલસીના કુંડા પર અંકિત કરવામાં આવે છે, ત્યારે તે એટલું જ શુભદાયી બની રહે છે.
‘ચક્ર’નું નિશાન
શુભ કાર્યોમાં ચક્રનું નિશાન જોવા મળે છે. તેને શ્રીવિષ્ણુના સુદર્શન ચક્રના રૂપમાં જોવામાં આવે છે. જેમ સુદર્શન ચક્ર અસુરોનો સંહાર કરે છે, તે જ રીતે ચક્રનું નિશાન આવનારા દરેક સંકટોથી મુક્તિ અપાવે છે. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને વ્યક્તિને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. તે ઘરમાં પ્રગતિ અને ખુશહાલી લાવવાનું નિમિત બને છે. એ જ કારણ છે કે તુલસીના કુંડા પર ચક્રનું નિશાન બનાવવું ખૂબ જ શુભ મનાય છે.
શંખનું ચિન્હ
તુલસીના કુંડા પર શંખનું ચિન્હ બનાવવું પણ ફળદાયી સાબિત થઈ શકે છે. એક કથા અનુસાર શંખના નિશાનથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે. એટલું જ નહીં, મોટી મુસીબતો પણ આવતા પહેલાં જ અટકી જાય છે. શંખ એ શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજી બંન્નેને ખૂબ જ પ્રિય છે. આ સંજોગોમાં શંખના નિશાનથી તે બંન્નેવની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)