મહાશિવરાત્રીનો પર્વ એ તો દેવાધિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર મનાય છે. તો તેની પૂર્વેના નવ દિવસ પણ એટલાં જ ફળદાયી છે. આ વખતે શિવ નવરાત્રી 10 ફેબ્રુઆરી શુક્રવારથી 17 ફેબ્રુઆરી શુક્રવાર સુધી ઉજવામાં આવશે. શિવ નવરાત્રી તરીકે ઓળખાતા આ નવ દિવસમાં તમે વિવિધ ઉપાયો અજમાવીને મહેશ્વરની કૃપાને પ્રાપ્ત કરી શકો છો.
તમે વિવિધ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો અને સાથે જ મનોવાંચ્છિત ફળની, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ પણ કરી શકો છો. ત્યારે આજે એક એવાં ઉપાયની વાત કરવી છે કે જે આપની ધન સંબંધી બધી જ ચિંતાઓનું શમન કરી દેશે. અને આપને આર્થિક સમૃદ્ધિ પણ પ્રદાન કરશે.
બિલ્વ વૃક્ષ કરાવશે આર્થિક લાભ !
ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર જરૂરથી અર્પણ કરવામાં આવે છે. કારણ કે, શિવજીની પૂજા બીલીપત્ર વિના અધૂરી ગણવામાં આવે છે. શિવપુરાણ અનુસાર બિલ્વ વૃક્ષના મૂળમાં ભગવાન શિવનો વાસ હોય છે. સાથે જ બિલ્વ વૃક્ષમાં ભગવાન કુબેરનો પણ નિવાસ મનાય છે. કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. પ્રચલિત કથા અનુસાર કુબેર શિવજીના પરમ સખા છે. અને તેમને દેવતાઓના ભંડારી બનવાનું સૌભાગ્ય શિવજીના આશીર્વાદથી જ પ્રાપ્ત થયું છે. ત્યારે, શિવ નવરાત્રી દરમિયાન આ બિલ્વ વૃક્ષ સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય આપને આર્થિક લાભની પ્રાપ્તિ કરાવી શકે છે !
વિશેષ ઉપાય
⦁ શિવ નવરાત્રી દરમ્યાન સાંજે સ્નાન કરીને બિલ્વ વૃક્ષ કે બીલીવૃક્ષને જળ અર્પણ કરવું જોઇએ.
⦁ જળ અર્પણ કર્યા બાદ વૃક્ષની નીચે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો. દીવો પ્રજવલિત કર્યા બાદ આપે ભગવાન શિવ અને ધનપતિ કુબેરને પોતાની ઇચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરવી જોઇએ.
⦁ માન્યતા અનુસાર શિવજીના સખા હોઈ શિવપૂજાથી કુબેરજી પણ પ્રસન્ન થાય છે. તો બિલ્વ વૃક્ષમાં તો બંન્નેનો નિવાસ હોઈ તે બંન્નેના આશિષની પ્રાપ્તિ થાય છે. કહે છે કે આ પૂજાથી પ્રસન્ન થઈ ધનપતિ કુબેર ભક્તોને અપાર સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે.
⦁ એક માન્યતા અનુસાર જે વ્યક્તિ નિત્ય બીલી વૃક્ષ નીચે આ રીતે દીપ પ્રાગટ્ય કરે છે, તેને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.
⦁ આમ તો આ કાર્ય નિત્ય જ કરવું વિશેષ ફળદાયી બની રહેશે. પરંતુ, જો દરરોજ ન થઈ શકે તો પણ શિવ નવરાત્રી દરમ્યાન તો જરૂરથી આ ઉપાય અજમાવવો જોઈએ.
શિવ પુરાણમાં બિલ્વ મહિમા
હિન્દુ ધર્મમાં બીલીવૃક્ષને અત્યંત પૂજનીય માનવામાં આવે છે. શિવપુરાણમાં તેની મહત્તાનું વર્ણન કરતા નીચે અનુસાર શ્લોકનું વર્ણન મળે છે.
બિલ્વમૂલે મહાદેવં લિંગરૂપિણમવ્યયમ્ ।
યહ પૂજયતિ પુણ્યાત્મા સ શિવં પ્રાપ્નુયાદ્ ।।
બિલ્વમૂલે જલૈર્યસ્તુ મૂર્ધાનમભિષિઝ્ચતિ ।
સ સર્વતીર્થસ્નાતઃ સ્યાત્સ એવં ભુવિ પાવનઃ ।।
અર્થાત્, બિલ્વના મૂળમાં લિંગરૂપી અવિનાશી મહાદેવનું પૂજન જે પુણ્યાત્મા કરશે તેનું કલ્યાણ થશે. બિલ્વ મૂળમાં શિવજી ઉપર જળ અર્પણ કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે ! આમ બીલીપત્ર સર્વ તીર્થોનું ફળ પ્રદાન કરે છે અને સાથે જ સમૃદ્ધિનું વરદાન પણ આપે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)