વેલેન્ટાઈન ડે નજીક છે. લોકો તેમના પ્રિય પાત્રને સારી ભેટ આપવાનું વિચારી રહ્યા હશે. પણ, શું તમે એ જાણો છો કે જો આ ભેટ વાસ્તુ શાસ્ત્રને અનુરૂપ ન હોય તો તે જીવનમાં ખુશીઓ લાવવાને બદલે મુસીબતનું કારણ પણ બની શકે છે ! એવું નથી કે માત્ર પ્રિય પાત્રને જ, પરંતુ, મિત્રો, સંબંધીઓ કે સંતાનોને પણ આ પ્રકારની ભેટ આપવાથી બચવું જોઈએ !
જન્મદિવસથી લઈને લગ્ન સુધી, ચિલ્ડ્રન ડે થી લઈને વેલેન્ટાઈન ડે સુધી દુનિયાભરમાં વિવિધ અવસરો પર ભેટ આપવાની પરંપરા છે. ત્યારે આજે એ જાણીએ કે કયા પાંચ પ્રકારની ભેટ ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ.
તાજમહેલની પ્રતિકૃતિ
તાજમહેલને દુનિયાની અજાયબી માનવામાં આવે છે. તેને પ્રેમના પ્રતિકના રૂપમાં જોવામાં આવે છે. એ જ કારણ છે કે તાજમહેલની પ્રતિકૃતિને ભેટમાં આપવા પ્રેમીઓ હંમેશા ઉત્સાહિત રહ્યા છે. પરંતુ, એ ન ભૂલવું જોઈએ કે તાજમહેલ એ પ્રેમના પ્રતિકની સાથે સાથે એક સમાધિ સ્થાન પણ છે ! માનવામાં આવે છે કે આ તાજમહેલની પ્રતિકૃતિને ભેટમાં આપવાથી આપના સંબંધોમાં અને આપના ઘર પર દુર્ભાગ્યનો વાસ થાય છે ! એટલે, આ ભેટ આપવાથી બિલ્કુલ બચવું જોઈએ.
રેશમી હાથ રૂમાલ
રૂમાલને ખાસ કરીને પ્રેમિકાઓ માટેની ખૂબ જ સુંદર ભેટ માનવામાં આવે છે. પરંતુ, તમારા સંબંધ માટે આ બિલ્કુલ પણ સારી ભેટ નથી. માન્યતા અનુસાર જો કોઇ પુરુષ કોઇ સ્ત્રીને રેશમી રૂમાલ ભેટમાં આપે છે, તો તેમના સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા વધી જાય છે.
ઓપલ
ઓપલ એ એક બહુ જ સુંદર રત્ન છે. પરંતુ, તેને ભેટ માટે અશુભ રત્નમાંથી એક માનવામાં આવે છે ! કહે છે કે આ રત્નને ક્યારેય ભેટમાં ન આપવો જોઇએ. કારણ કે તે સંબંધોમાં નકારાત્મક ઊર્જા લાવવાનું કામ કરે છે.
સાબુ
સાબુને પણ એક અશુભ ભેટ માનવામાં આવે છે. કહેવાય છે કે સાબુ ભેટમાં આપવાથી આપની દોસ્તીમાં પણ દુશ્મની આવી જાય છે ! સંબંધમાં વિશ્વાસઘાત થવાની શક્યતા વધી જાય છે.
અણીદાર વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઇને કોઇપણ પ્રકારની અણીદાર વસ્તુ ભેટમાં ન આપો. કારણ કે, આવી વસ્તુઓ આપના માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે ! જેમ કે, કાતર, ચપ્પુ વગેરે. ઘણીવાર મિત્રોને તે વસ્તુ ખરીદવાની હોય અને તમને થાય કે હું જે ગિફ્ટ કરી દઉં, પણ તેવું ક્યારેય ન કરવું. કારણ કે આવી ભેટ તમારા સંબંધ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)