લગ્નગાળો ચાલી રહ્યો છે, હિન્દુ ધર્મમાં ધાર્મિક રિવાજોનું ખુબ મહત્વ હોય છે. લગ્નમાં ધાર્મિક વિધિઓ અને રિવાજોનું લોકો ખૂબ જ ઉત્સાહથી પાલન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં થનારી દરેક વિધિની પાછળ એક માન્યતા હોય છે. શું તમે જાણો છો કે લગ્નમાં વર-કન્યાને પીઠી શા માટે લગાવવામાં આવે છે ?
અથવા દુલ્હનના હાથને મહેંદીથી કેમ શણગારવામાં આવે છે ? વરરાજાના જુતા કેમ ચોરાય છે ? માળા શા માટે પહેરવામાં આવે છે ? આ બધાનું પોતાનું મહત્વ છે. ચાલો જાણીએ લગ્નની આ વિધિઓ પાછળનું કારણ શું છે.
વર-કન્યાને હળદર અને ઉબટન શા માટે લગાવવામાં આવે છે?
વર-કન્યાના લગ્ન સમારોહની શરૂઆત પીઠીની વિધિથી થાય છે. હળદર અને ઉબટનના કાર્યક્રમમાં પરિણીત મહિલાઓને સામેલ કરવામાં આવે છે. ઘણા લોકો વિચારે છે કે હળદર અને ઉબટન લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે, તેથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે, પરંતુ તેની પાછળની માન્યતા એ છે કે લગ્નમાં ઘણા મહેમાનો આવે છે, તેમાંથી ઘણાને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે. આવી સ્થિતિમાં વર-કન્યાને ચેપ ન લાગે તે માટે હળદર અને ઉબટન લગાવવામાં આવે છે. વાસ્તવમાં હળદર એન્ટી બાયોટિક જેવું કામ કરે છે અને તેથી તેનો ઉપયોગ લગ્નની વિધિઓમાં થાય છે.
શા માટે લગ્નમાં મહેંદી લગાવવામાં આવે છે?
લગ્નમાં વર અને કન્યા બંને મહેંદી લગાવે છે. આટલું જ નહીં લગ્નમાં આવતી યુવતીઓ અને મહિલાઓ પણ મહેંદી લગાવે છે. મહેંદી લગાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહેંદી જેટલી ઘાટી હશે, ભવિષ્યમાં લગ્નજીવન એટલું જ સારું રહેશે. બીજી માન્યતા છે કે લગ્ન દરમિયાન ઘણા પ્રકારના તણાવ હોય છે, તે દરમિયાન મહેંદી માનસિક શાંતિ આપે છે.
શા માટે થાય છે મામેરાની વીધી ?
વર અને કન્યાના મામાના પોતાના ઘરેથી લોકો માટે કેટલીક ભેટો આવે છે, જેને મામેરૂ કહેવામાં આવે છે. સૌથી પહેલા શ્રી કૃષ્ણજીએ સુદામાની પુત્રીને ભાત આપ્યા હતા, ત્યારથી આ પ્રથા ચાલી આવે છે કે લગ્નમાં મામાના ઘરેથી ભાત આપવામાં આવે છે. આ ઉપરાંત મામેરાનો એક ઇતિહાસ નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલો છો, નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇને મામેરા ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા હોવાનું માનવામાં આવે છે.
ઘોડી પર બેસવાનું શું છે મહત્વ ?
વર ઘરની બહાર નીકળ્યા પછી ઘોડી પર બેસે છે. વાસ્તવમાં ઘોડીને તમામ પ્રાણીઓમાં રમતિયાળ અને વિષયાસક્ત માનવામાં આવે છે. તેથી જ વરને ઘોડીની પીઠ પર બેસાડીને લગ્નનો વરઘોડો કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વરરાજા આ બે વસ્તુઓને તેના પર હાવી ન થવા દે, તેથી તેને ઘોડીની પીઠ પર બેસાડવામાં આવે છે.
લગ્નમાં શા માટે થાય છે ગણેશ પૂજા ?
ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આથી જ ઘરના શુભ પ્રસંગ કોઇ જાતની મુશ્કેલી વગર પુરા થાય એ માટે ઘરમા ગણેશનું સ્થાપન કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે રીધ્ધી-સીધ્ધીના દાતા ગણેશની પૂજાથી નવ દંપતિનું લગ્નજીવન સારૂ રહે છે.
વરમાળા પહેરાવવાનું કારણ શું છે ?
વરમાળાની વિધિમાં વર-કન્યા એકબીજાને હાર પહેરાવે છે. એવું માનવામાં આવે છે કે વર અને કન્યા એકબીજાને માળા પહેરાવીને પરસ્પર સ્વીકાર કરે છે. વિષ્ણુ પુરાણ અનુસાર, જ્યારે સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયા, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને માળા પહેરાવીને તેમના પતિ તરીકે સ્વીકાર્યા.
સેંથામાં કેમ લગાવવા આવે છે સિંદૂર ?
લગ્નના મંડપમાં સાત ફેરા કર્યા પછી, વરરાજા તેની કન્યાની સેંથામાં લાલ રંગનું સિંદૂર ભરે છે જેથી તે હંમેશા સુંદર રહે અને સમાજમાં તેની પત્ની તરીકે ઓળખાય. સિંદૂર લગાવવાની પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે ત્યાં બ્રહ્મરંધ્ર હોય છે જે સિંદૂર લગાવવાથી મનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)