વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મંદિર સંબંધી અનેક ઉપાયો જોવા મળે છે. વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં એટલે કે પૂજાઘરમાં માતા લક્ષ્મીની પ્રતિમા કે ચિત્ર હોવું જરૂરી છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. માન્યતા એવી છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો અજમાવે છે, તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે.
એ જ કારણ છે કે ભક્તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના પ્રયત્નોમાં લાગેલા જ રહે છે. ત્યારે આજે એ જાણીશું કે વાસ્તુ અનુસાર ઘરમાં માતા લક્ષ્મીનું કેવું ચિત્ર કે મૂર્તિ લગાવવી જોઈએ ? આ ચિત્ર કઈ દિશામાં લગાવવું જોઈએ, અને સાથે જ કઈ ખાસ વસ્તુથી માતાની સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે ? આવો, તે વિશે જાણીએ.
ક્યાં રાખવું ચિત્ર ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં માતા લક્ષ્મીનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. ઘરના ઉત્તર-પૂર્વીય ખૂણાને ઇશાન ખૂણો કહે છે. આ ખૂણાને ઘરનો સૌથી પવિત્ર ખૂણો માનવામાં આવે છે. અહીં જ મંદિરની સ્થાપના કરી પોતાના આરાધ્ય દેવની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરવામાં આવે છે. શક્ય હોય તો અહીં જ એક મંદિરમાં માતા લક્ષ્મીની પ્રતિમા કે તસવીરની સ્થાપના કરવી. આ ચિત્ર એ રીતે લગાવવું કે જ્યારે તમે પૂજા કરો ત્યારે તમારું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં હોય. સૌથી મહત્વની વાત એ કે દક્ષિણ દિશામાં માતા લક્ષ્મીનું ચિત્ર ક્યારેય ન લગાવવું જોઈએ.
ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખો
ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની પ્રતિમા એકલી રાખવાને બદલે તેની સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવી જરૂરી છે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના પતિ છે. તો, લક્ષ્મીજી પણ વિષ્ણુપ્રિયા તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર લક્ષ્મીનારાયણની મૂર્તિને કે તસવીરને એકસાથે રાખવાથી ઘરમાં ધન વૈભવની સાથે સાથે ખુશહાલીનું પણ આગમન થાય છે.
વધારે મૂર્તિ ન રાખો !
પૂજાઘરમાં માતા લક્ષ્મીની એક જ પ્રતિમા કે તસવીર રાખવી. જો, કોઈ કારણસર બીજી પ્રતિમા કે તસવીર સ્થાપિત કરી હોય તો પણ એક વાતનું ધ્યાન રાખવું કે પૂજાઘરમાં ક્યારેય માતા લક્ષ્મીની બેથી વધારે મૂર્તિ કે ચિત્ર તો ક્યારેય ન રાખવું જોઈએ. તે શુભ નથી મનાતું !
શ્રીયંત્ર
ઘરમાં મહાલક્ષ્મી શ્રીયંત્રની પણ સ્થાપના કરી શકાય છે. આ શ્રીયંત્ર માતા લક્ષ્મીની પૂજામાં ખાસ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલે, ઘરના પૂજાઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી ધનદાયી બની રહે છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)