મીઠાનું એક નામ છે સબરસ. એટલે કે, એ વસ્તુ કે જેમાં તમામ રસ સમાયેલા છે ! કોઈપણ રસોઈ ત્યારે જ સ્વાદિષ્ટ બને છે કે જ્યારે તેમાં સપ્રમાણ મસાલા પડ્યા હોય. એમાં પણ તેમાં સૌથી મહત્વનું તો મનાય છે મીઠું ! જો કોઈ રસોઈમાં મીઠું સપ્રમાણમાં ન હોય તો તે સ્વાદિષ્ટ નથી લાગતી અને મીઠા વિના તો રસોઈ ભાવતી પણ નથી. પણ, શું તમે એ જાણો છો કે આ મીઠું તો આપણાં ભાગ્ય સાથે પણ જોડાયેલું છે !
લૌકિક માન્યતા અનુસાર જીવનની સૌથી મોટી જરૂરિયાત મનાતું મીઠું તમારા નસીબ સાથે ગાઢપણે સંકળાયેલું છે. અને એટલે જ આ મીઠા સંબંધી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ! આવો, આ વાતને વિગતે સમજીએ.
શું રાખશો ધ્યાન ?
⦁ મીઠું આપણી રસોઈમાં, આપણાં જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ, સર્વ પ્રથમ તો એ જ જાણવું જરૂરી છે કે ઘરમાં મીઠું ખાલી થઈ ગયું હોય તો પણ, શનિવારના દિવસે ક્યારેય મીઠું ન ખરીદવું જોઈએ. લૌકિક માન્યતા અનુસાર શનિવારે મીઠું ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
⦁ મીઠાને ચંદ્ર અને શુક્રના પ્રતિનિધિ અને રાહુનું પ્રતિક માનવામાં આવે છે. એટલે સૌથી મહત્વનું એ છે કે તેને હંમેશા કાચની જ બરણીમાં કે કાચના જ અન્ય કોઈ પાત્રમાં રાખવામાં આવે. મીઠું રાખવા માટે સ્ટીલ કે એલ્યુમિનિયમના પાત્રનો ઉપયોગ ન કરવો. તેમજ પ્લાસ્ટિકના પાત્રનો ઉપયોગ તો બિલ્કુલ જ ન કરવો.
⦁ યાદ રાખો, કે ભોજનમાં જો મીઠું ઓછું હોય તો પણ ઉપરથી ક્યારેય પણ મીઠું ન લેવું જોઈએ. તે સ્વાસ્થ્ય અને ભાગ્ય બંન્ને માટે શુભ નથી મનાતું !
⦁ હંમેશા એ ધ્યાન રાખો કે મીઠું ક્યારેય હાથમાંથી નીચે ન પડી જાય. તેનાથી ઘરમાં લડાઇ ઝઘડા થાય છે તેમજ ચંદ્ર અને શુક્ર પણ કમજોર થાય છે !
⦁ જો ભૂલથી મીઠું ઢોળાઈ પણ જાય તો તેને ભીના પોતાથી જ સાફ કરવું જોઈએ. હાથેથી કે સાવરણીથી સાફ ન કરવું જોઈએ.
⦁ જે ઘરમાં સુખશાંતિ ન હોય, કોઈને તે ઘરમાં જવુ પસંદ ન હોય તો તેવા ઘરનું જમણ ક્યારેય ન ખાવું જોઈએ. આવા ઘરનું મીઠું ખાવું શુભ નથી મનાતું.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)