સનાતન ધર્મમાં ઓમકારને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. એ જ કારણ છે કે કોઈપણ મંત્રના પ્રારંભમાં તેના ઉચ્ચારણ પહેલાં ૐ જરૂરથી લગાવવામાં આવે છે. ૐનું ઉચ્ચારણ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારિક લાભ આપનાર મનાય છે. એક માન્યતા અનુસાર સતત ઓમકારનો જાપ કરવાથી આંતરિક અને બાહ્ય વિકારોનું નિદાન પણ થાય છે.
મન શાંત થાય છે અને ઘણી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.
કહે છે કે તેના નિયમિત જાપથી વ્યક્તિની આભા વધે છે. ત્યારે ચાલો જાણીએ કે ઓમકાર શા માટે આટલો પ્રભાવી છે અને કયા નિયમ તેમજ વિધિથી તેનો જાપ કરવાથી સાધકને વિવિધ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
‘ૐ’ માહાત્મ્ય
ઓમકારનું ઉચ્ચારણ કરતા સમયે 3 અક્ષરોના ધ્વનિ નીકળે છે. આ 3 અક્ષર ક્રમશઃ અ, ઉ, અને મ્ છે. તેમાં અ વર્ણ સૃષ્ટિની દ્યોતક દર્શાવે છે. ઉ વર્ણ સ્થિતિ દર્શાવે છે. જ્યારે મ્ લયનો સૂચક છે. આ 3 અક્ષરોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. માન્યતા અનુસાર ૐના જાપથી અનિષ્ટનો નાશ થાય છે. સાથે જ આપને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઓમકારને બ્રહ્મનાદ માનવામાં આવે છે અને કહે છે કે તેના ઉચ્ચારણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે.
‘ૐ’ જાપની વિધિ અને નિયમ
⦁ સૌપ્રથમ તો શાંત સ્થાન પસંદ કરો, કે જ્યાં તમે પૂર્ણ રીતે ધ્યાનમાં બેસી શકો.
⦁ જો તમે વહેલી સવારે જાપ કરી શકો તો બહુ સારું. પણ, જો તે શક્ય ન હોય તો રાત્રે સૂતા પહેલાં તેનો જાપ કરો.
⦁ ઓમકારનો જાપ કરવા માટે કોઈ મૂર્તિ, ચિત્ર કે ધૂપની જરૂર નથી.
⦁ જો તમે કોઈ એકાંત અને ખુલ્લા સ્થાન પર આ જાપ કરી શકો તો તે વિશેષ ફળદાયી બની રહે છે. પણ, જો તમારી પાસે ટેરેસ કે બગીચા જેવી ખુલ્લી જગ્યા ન હોય તો તમે ઓરડામાં જ તેનો જાપ કરો.
⦁ સ્વચ્છ જગ્યાએ જમીન પર આસન મૂકીને જ ઓમકારનો જાપ કરવો.
⦁ પલંગ અથવા સોફા પર બેસીને અથવા તો સૂતા સૂતા ક્યારે ઓમકારનો જાપ ન કરવો. હા, બીમાર લોકો કે પથારીવશ લોકો આ રીતે જાપ કરે તેમાં દોષ નથી લાગતો.
⦁ ઊંચા અવાજમાં ‘ૐ’નું ઉચ્ચારણ કરો અને તે દરમ્યાન મનમાં ઓમકારનું ચિત્ર વિચારો. તમે ઈચ્છો એટલા જાપ કરી શકો છો. પણ, આ જાપ એકી સંખ્યામાં કરવા. ઓછોમાં ઓછું 3 વાર તો જાપ કરવો જ.
⦁ પદ્માસનમાં સાફ આસન પર બેસો અને આંખો બંધ કરો અને પેટમાંથી અવાજ આવે ત્યારે મોટેથી ઓમનો ઉચ્ચાર કરો. જ્યાં સુધી તમે આ કરી શકો ત્યાં સુધી ખેંચો. જ્યારે શ્વાસ ભરાઈ જાય ત્યારે થોભાવો અને પછી તે જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. પદ્માસન ધારણ કરવા અસમર્થ હોવ તો માત્ર પલાંઠી વાળીને બેસવું.
⦁ ઉચ્ચારણ સમાપ્ત કર્યા પછી 2 મિનિટ માટે ધ્યાન જરૂરથી કરવું અને તે પછી જ ઉભા થવું.
⦁ માન્યતા અનુસાર આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તણાવથી સંપૂર્ણપણે મુક્તિ મળે છે.
⦁ યાદ રાખો કે જાપ દરમિયાન ટીવી, મ્યુઝિક સિસ્ટમ કંઈપણ ચાલુ ન હોય અને તે જ રીતે ઘરના તમામ લોકો શાંતિ જાળવે તે પણ એટલું જ જરૂરી છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)