ફેબ્રુઆરી મહિનો પ્રેમી પંખીડાઓને સમર્પિત છે. 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડેના દિવસે લોકો પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. પણ, જીવનમાં સાચો પ્રેમ એ જ વ્યક્તિને મળે છે કે જેની કુંડળીમાં પ્રેમના પ્રબળ યોગ હોય.
કેટલાક લોકોની કુંડળીમાં પ્રેમભાવની સ્થિતિ નબળી હોય છે તેના કારણે તેમને પ્રેમમાં વારંવાર અસફળતાનો સામનો કરવો પડે છે !
એટલે જ વેલેન્ટાઇન ડેના દિવસે સાચા પ્રેમને મેળવવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો અજમાવવા જોઇએ. માન્યતા અનુસાર તેનાથી વ્યક્તિને તેનો સાચો પ્રેમ મળી જાય છે. ચાલો, આજે તેના વિશે જ જાણીએ.
પ્રેમમાં ક્યારે સમસ્યાનો કરવો પડે છે સામનો ?
કુંડળીમાં રહેલ પંચમ ભાવ પ્રેમ સાથે સંબંધિત હોય છે. જો આ ભાવ કોઇ ક્રૂર ગ્રહથી પીડિત હોય અથવા તો તે નબળો હોય તો જાતકને પ્રેમમાં ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પ્રેમનો નૈસર્ગિક કારક ગ્રહ શુક્ર છે. સાચો પ્રેમ મેળવવા માટે કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત કરવો જોઇએ. કુંડળીમાં પાંચમા ભાવ અને તેના સ્વામીને અધિક બળવાન બનાવવાના પ્રયાસ કરવા જોઇએ. સપ્તમ ભાવ અને સપ્તમેશમાં સ્થિત ગ્રહની શાંતિ કરાવવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે !
શું રાખશો ધ્યાન ?
વેલેન્ટાઇન ડેના દિવસે એક બીજાને કાળા રંગની ભેટ ક્યારેય ન આપવી જોઈએ. તેનાથી સમસ્યા સર્જાઈ શકે છે. તમે જેને પસંદ કરો છો તેને આજના દિવસે લાલ, ગુલાબી અને પીળા રંગની વસ્તુઓ ભેટમાં આપવી જોઇએ.
સરળ ઉપાય જીવનમાં ભરશે પ્રેમરંગ !
⦁ છોકરીઓએ આ દિવસે હાથમાં લીલા રંગની બંગડીઓ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.
⦁ જો આપની કુંડળીમાં કાલસર્પ દોષ છે તો સમયસર તેની શાંતિના ઉપાયો કરી લેવા જોઇએ.
⦁ જન્મપત્રીમાં મંગળદોષ હોય તો તેમાંથી મુક્તિની વિધિ કરાવી લેવી જોઇએ.
⦁ આ દિવસે પૂરા વિધિ વિધાન સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઇએ. પૂજન બાદ “ૐ લક્ષ્મી નારાયણ નમઃ” મંત્રની 3 માળાનો જાપ કરવો જોઇએ. માન્યતા અનુસાર તેનાથી તમને સાચા પ્રેમની પ્રાપ્તિ થશે.
⦁ આજે માતા દુર્ગાની પૂજા કરો અને તેમની પ્રતિમાને લાલ રંગની ધજા કે ચુંદડી અર્પણ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને તેના પ્રિય પાત્રની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે !
⦁ આ દિવસે પૂર્ણ વિધિ વિધાન સાથે ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાથી પણ જીવનમાં પ્રેમરંગ ઉમેરાય છે.
⦁ સાચા પ્રેમની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણની સાથે રાધાજીનું પ્રેમમય ચિત્ર ઘરમાં રાખીને તેનું ધ્યાન કરવું જોઇએ. આ દિવસે “ૐ હું હ્રીં સઃ કૃષ્ણાય નમઃ ।” મંત્રના જાપ કરવા જોઇએ. આ મંત્રના જાપ બાદ ભગવાન શ્રીકૃષ્ણની ઉપર મધનો છંટકાવ કરીને “ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ।” મંત્રનો વિધિ અનુસાર જાપ કરવો જોઇએ. કહે છે કે તેનાથી ખોવાયેલ પ્રેમ પાછો મળી જાય છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)