ભારતીય સંસ્કૃતિ અને જ્યોતિષ શાસ્ત્રમાં જીવનની તમામ પરેશાનીઓથી મુક્તિ માટે પ્રભાવશાળી મંત્ર બતાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક મંત્રો એવા છે કે જેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ જીવનના તમામ અજાણ્યા શત્રુઓ પર સરળતાથી કાબૂ મેળવી શકે છે.
જ્યાં સુધી વ્યક્તિનું જીવન છે ત્યાં સુધી કોઇને કોઇ મિત્ર તો કોઇને કોઇ દુશ્મન જરૂર હોય છે.
જ્યારે દુશ્મન પરેશાનીનું કારણ બની જાય, સમસ્યાઓ સર્જવા લાગે તો આપણું જીવવું જ મુશ્કેલ થઇ જાય છે. તો આવી સમસ્યાથી બચવા માટે કેટલાક સરળ મંત્રોના જાપનો ઉલ્લેખ છે. જે સામાન્યપણે દરેક વ્યક્તિ કરી શકે છે. આવો, આજે તેવા મંત્રો વિશે જ માહિતી મેળવીએ.
જીવનમાં શત્રુની સમસ્યા !
એક વાત હંમેશા યાદ રાખવી કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મિત્ર અને દુશ્મન બનતા રહેશે. એટલે દુશ્મનને ખત્મ કરવાની નહીં, પરંતુ, તેની અંદર રહેલ દુશ્મનીના વિચારને ખત્મ કરવાની જરૂર છે ! દુશ્મનને મિત્ર બનાવી લઇએ તો તેનાથી સારી કોઇ વસ્તુ નથી. શત્રુ શક્તિશાળી હોય તો તેનું શમન કરવાના ઉપાયો કરવા ખૂબ જરૂરી બની જાય છે.
દુશ્મનને પોતાના વશમાં લેવા માટેના કેટલાક સરળ મંત્ર અને ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. તેનો પ્રયોગ કરવાથી દુશ્મન તમારાથી દૂર થઇ જશે. એટલું જ નહીં, તે અદ્રશ્ય દુશ્મનોથી પણ તમને છૂટકારો અપાવી દેશે. આ ઉપાયો કરતા સમયે તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. તેનાથી જ આપને આપના ઉપાયો પર વિજયની પ્રાપ્તિ થશે.
સ્તંભન મંત્ર
ૐ ક્રીં હું ક્રી સર્વ શત્રુ સ્તંભિની ઘોર કાલિકાયૈ ફટ ।
માન્યતા અનુસાર ઉપરોક્ત મંત્ર એ શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા માટેનો એક શક્તિશાળી મંત્ર છે. એટલે પોતાના શત્રુનું નામ લઇને 108 વાર પૂર્ણ શ્રદ્ધા સાથે આ મંત્રનો જાપ કરવો જોઇએ. કહે છે કે તેનાથી વ્યક્તિને ચોક્કસપણે શત્રુ સંબંધી સમસ્યાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
દુર્ગા મંત્ર
ૐ દમ દમનાય શત્રુ નાશાય ફટ ।
આ મંત્રના જાપનો પ્રારંભ કરતા પૂર્વે દુર્ગા માતાની સામે ઘીનો દીવો પ્રજવલિત કરવો. પહેલા દિવસે મંત્રની 11 માળાનો જાપ કરવો અને પછી પ્રતિદિન 1 માળાનો જાપ કરવો. કહે છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાંથી કાયમીપણે શત્રુનો નિકાલ થઇ જાય છે.
સૂર્ય મંત્ર
શત્રુ નાશય ૐ હ્રીં સૂર્યાય નમઃ ।
કહે છે કે શત્રુઓથી મુક્તિ મેળવવા માટે આ મંત્રનો પ્રતિદિન 108 વાર જાપ કરવો જોઇએ. તેનાથી આપના શત્રુનો નાશ થશે. એટલું જ નહીં, આ મંત્રનો જાપ કરવાથી આપ આપની ગુમેવાલી પ્રતિષ્ઠા પણ પાછી મેળવી શકશો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)