fbpx
Monday, December 23, 2024

શ્રી રામે આ વ્રતના પ્રતાપે રાવણને હરાવ્યા! વિજયા એકાદશી આપશે શત્રુઓથી મુક્તિનું વરદાન!

ગુજરાતી પંચાંગ અનુસાર મહા માસના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિએ વિજયા એકાદશીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે વિજયા એકાદશીનો રૂડો અવસર 16 ફેબ્રુઆરી, ગુરવારના દિવસે છે. માન્યતા અનુસાર આ એકાદશીના વ્રતથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવાનું વરદાન મળે છે. અને એટલે જ તેને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

આવો, એ જાણીએ કે આ વ્રતની મહત્તા શું છે અને પૂજાના શુભ મુહૂર્ત કયા છે ? સાથે જ એ પણ જાણીએ કે જો તમે શત્રુઓથી પરેશાન હોવ તો આ વ્રત તમને તેમાંથી બહાર નીકળવામાં કેવી રીતે મદદ કરશે ?

વિજયા એકાદશી માહાત્મ્ય

પ્રચલિત કથા અનુસાર સ્વયં શ્રીહરિના શરીરમાંથી જ એકાદશીનો જન્મ થયો છે. એ જ કારણ છે કે એકાદશીના વ્રતને વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારો અને વ્રતોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એમાં પણ મહા માસના વદ પક્ષમાં આવતી એકાદશી એટલે કે વિજયા એકાદશીની આગવી જ મહત્તા છે. માન્યતા અનુસાર વિજયા એકાદશીનું વ્રત કરવાથી આપને શત્રુ પર વિજય મેળવવાના આશિષ પ્રાપ્ત થાય છે. આ દિવસે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સાચા મનથી વ્રત રાખે છે તેના દરેક પ્રકારના કાર્ય પૂર્ણ થાય છે. સાથે જ તેને તેના શત્રુઓથી મુક્તિ મળે છે અને શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે.

શ્રીરામે કર્યું હતું વ્રત !

કહે છે કે આ વ્રતના પ્રતાપે જ શ્રીરામચંદ્રજીને લંકાયુદ્ધમાં રાવણ પર વિજયની પ્રાપ્તિ થઈ હતી. એક કથા અનુસાર રાવણને પરાસ્તવ કરવા માટે શ્રીરામે સ્વંય વિજ્યા એકાદશીનું વ્રત કર્યું હતું. અને એટલે જ આ એકાદશી વિજયા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીનું વ્રત ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારું છે.

શત્રુઓથી મળશે મુક્તિ !

વિજયા એકાદશીનું વ્રત શત્રુ પર વિજયની પ્રાપ્તિ કરાવનારું છે. જો તમે શત્રુઓથી પરેશાન હોવ તો આ દિવસે એક ખાસ ઉપાય અજમાવો. શ્રીહરિની પૂજા બાદ એક નારિયેળને થોડું કાપીને તેમાં બૂરું ખાંડ અને ઘી મેળવીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને નારિયેળના કાપેલા ટુકડાંથી જ ફરી ઢાંકી લો અને પછી તેને જમીનમાં દાટી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles