વિજ્યા એકાદશી માત્ર શ્રીહરિના જ નહીં, પણ, માતા લક્ષ્મીના આશીર્વાદની પણ પ્રાપ્તિ કરાવનારી છે. કહે છે કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો. એટલું જ નહીં, ધનલાભની પણ પ્રાપ્તિ કરી શકો છો. કહે છે કે જો હાથમાં પૈસા ટકતા જ ન હોય, તો આજના દિવસે પાનનો એક ઉપાય તો જરૂરથી અજમાવવો જોઈએ.
આવો, જાણીએ શું છે તે ઉપાય અને આજની પૂજાથી કેવાં-કેવાં આર્થિક સંકટો દૂર થશે.
દરિદ્રતાથી મુક્તિ અર્થે
જો આપ ખૂબ જ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવ તો આજે જરૂરથી આ ઉપાય અજમાવો. ભગવાન વિષ્ણુને આજે તમે જે ઈચ્છો તે નૈવેદ્ય અર્પણ કરો. પરંતુ, તેને કેળના પાન પર મૂકીને જ અર્પણ કરો. કહે છે કે તેનાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.
દેવામાંથી મુક્તિ અર્થે
પુરાણાનુસાર પીપળાના વૃક્ષમાં શ્રીવિષ્ણુનો વાસ મનાય છે. એટલે આજે વિજયા એકાદશીએ પીપળાના વૃક્ષની જરૂરથી પૂજા કરવી. કહે છે કે, તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે, શ્રીવિષ્ણુ પ્રસન્ન થાય છે અને સાથે જ આપની દેવા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.
શું હાથમાં નથી ટકતા પૈસા ?
જો તમે આર્થિક સમસ્યાથી ઘેરાયેલા હોવ અને કમાયેલું ધન જો હાથમાં ટકતું ન હોય તો વિજયા એકાદશીએ જરૂરથી આ ઉપાય અજમાવો. નાગરવેલના પાન પર કુમકુમથી ‘શ્રી’ લખીને તે ‘શ્રીહરિ’ને સમર્પિત કરવું. વિધિ વિધાન પૂર્વક શ્રીવિષ્ણુજીની પૂજા આરાધના કરવી. ત્યારબાદ તે પત્તાને લાલ રંગના કપડામાં લપેટીને ધન રાખવાના સ્થાન પર મૂકી દેવું. માન્યતા એવી છે કે તેનાથી આપને ક્યારેય ધનના અભાવનો સામનો નહીં કરવો પડે.
મનપસંદ નોકરીની પ્રાપ્તિ અર્થે
વિજયા એકાદશીનું વ્રત એ મનપસંદ નોકરીની પ્રાપ્તિ માટે ખૂબ જ ફળદાયી વ્રત મનાય છે. નોકરી સારી હોય તો જ સમૃદ્ધિની આશા કરી શકાય. ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ માટે આજે કળશ પર કેરીના પાન રાખો. સાથે જ જવથી ભરેલ એક પાત્ર રાખો અને દીવો પ્રજવલિત કરો. ત્યારબાદ લક્ષ્મી-નારાયણની એકસાથે પૂજા-અર્ચના કરો. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. એટલે, તેમના પૂજન સમયે સાથે તુલસીપત્ર જરૂરથી રાખવું. પૂજન બાદ “ૐ નારાયણાય લક્ષ્મ્યૈ નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.
ઘરમાં સુખ-શાંતિની પ્રાપ્તિ અર્થે
વિજયા એકાદશીએ સાંજના સમયે તુલસી ક્યારા પાસે ગાયના ઘીનો એક દીવો જરૂરથી પ્રજ્વલિત કરવો. માન્યતા અનુસાર આ નાનકડો ઉપાય કરવાથી આપના ઘરમાં સુખ-શાંતિ અકબંધ રહેશે.
સુદર્શન ચક્રથી સફળતા !
એક માન્યતા અનુસાર વિજયા એકાદશીએ ચાંદીના સુદર્શન ચક્રની સ્થાપના કરીને તેની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. કહે છે કે તેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને રાજનીતિના ક્ષેત્રમાં સફળતાના દ્વાર ખુલી જાય છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)