fbpx
Monday, December 23, 2024

કયું શિવલિંગ પૂજા માટે શ્રેષ્ઠ છે? જાણો શિવલિંગનું અદ્ભુત રહસ્ય જેનાથી મળે છે શિવની કૃપા!

શિવજીનું એક નામ છે ભોળાનાથ. કારણ કે, તે ઝડપથી રિઝનારા, પ્રસન્ન થનારા દેવતા મનાય છે. એ જ કારણ છે ભક્તો મુશ્કેલ સમયમાં ભોળાનાથનું શરણું લે છે. અને આસ્થા સાથે તેમની પૂજા કરે છે. તો, ઘરના પૂજાઘરમાં પણ શિવલિંગની સ્થાપના કરી પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જે શ્રદ્ધાળુઓ તેમના ઘરમાં આવાં શિવલિંગની સ્થાપના કરવા માંગતા હોય, અથવા તો ખંડિત થયેલાં શિવલિંગને સ્થાને નવું શિવલિંગ સ્થાપિત કરવા માંગતા હોય તો તેના માટે મહાશિવરાત્રીનો અવસર શ્રેષ્ઠ મનાય છે.

પણ, શું તમે એ જાણો છો કે કયા શિવલિંગની સ્થાપના કરવી સવિશેષ ફળદાયી મનાય છે ? કયું શિવલિંગ તમને મહાદેવની પરમકૃપાની પ્રાપ્તિ કરાવી શકે છે ? વાસ્તવમાં આ સવાલનો જવાબ રાવણ સંહિતામાંથી મળે છે.

શું છે રાવણ સંહિતા ?

લંકાધિપતિ રાવણ પ્રકાંડ વિદ્વાન હતા. તે શિવજીના પરમ ઉપાસક હતા. અને કહે છે કે રાવણ સંહિતાની રચના સ્વયં તેમણએ જ કરી છે. આ રાવણ સંહિતામાં જ્યોતિષ તેમજ તંત્રવિદ્યા સંબંધિત મંત્રોના સ્વરૂપમાં જ્ઞાનનો ખજાનો છૂપાયેલો છે. અને તેમાંથી જ શિવલિંગ સ્થાપના સંબંધી રહસ્ય પણ ઉજાગર થાય છે. રાવણ સંહિતામાં ઉલ્લેખ છે તેમ રાવણ તેમના ગુરુ શુક્રાચાર્યને શિવલિંગ પૂજાની વિધિનું વર્ણન કરવા પ્રાર્થના કરે છે. ત્યારે શુક્રાચાર્યજી તેને ત્રણેય લોકના સ્વામી અને દરેક વિદ્યાના જ્ઞાતા શિવજીની પૂજાની તેમજ શિવલિંગ સ્થાપનાની વિધિ જણાવે છે. આવો, આપણે પણ તેના વિશે વિગતે સમજીએ.

કયું શિવલિંગ શ્રેષ્ઠ ?

⦁ શુભ સમયમાં યોગ-નક્ષત્ર જોઇને કોઇ પવિત્ર સ્થાન કે નદીના કિનારા પર પોતાની રસ રુચિ અનુસાર શિવલિંગની સ્થાપના કરવી જોઇએ.

⦁ આ સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાં નિત્ય પૂજન થઇ શકે.

⦁ પાર્થિવ દ્રવ્યથી, જળયુક્ત દ્રવ્યથી અથવા કલ્પોક્ત (ઘણાં કાળ સુધી નષ્ટ ન થાય તેવું) પદાર્થથી ઉત્તમ લક્ષણોયુક્ત શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવાથી ઉપાસકને પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.

⦁ જો સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની પૂજા કરવામાં આવે તો તે તાત્કાલિક ફળની પ્રાપ્તિ કરવા છે.

⦁ જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો તેના માટે નાના શિવલિંગ કે વિગ્રહને (મૂર્તિને) શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અચલ શિવલિંગની પ્રતિષ્ઠા

⦁ જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય (સ્થાપના બાદ ચલિત ન કરી શકાય તેવી) તો તેના માટે સ્થૂળ શિવલિંગ (મોટા કદનું શિવલિંગ) અથવા તો વિગ્રહ સારો માનવામાં આવે છે.

⦁ ઉત્તમ લક્ષણોયુક્ત શિવલિંગની પીઠ સહિત (નીચેનો ભાગ) સ્થાપના કરવી જોઇએ.

⦁ શિવલિંગની પીઠ ગોળ, ચોરસ, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર-નીચેથી જાડી અને વચ્ચેથી પાતળી હોવી જોઈએ. આ પ્રકારનું શિવલિંગ મહાન ફળની પ્રાપ્તિ કરાવનાર ગણાય છે.

⦁ પહેલા માટીથી, પ્રસ્તરથી (પત્થરથી) અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થાય તેનાથી જ શિવલિંગ-પીઠ બનવી જોઇએ.

⦁ શિવલિંગની લંબાઈ નિર્માણકર્તા કે સ્થાપન કરનાર યજમાનના 12 અંગુલ બરાબર હોવી જોઈએ. આવું શિવલિંગ ઉત્તમ કહેવાય છે. (અંગુલને આંગળીની પહોળાઈ પ્રમાણે માપવામાં આવે છે.) જો તેનાથી ઓછી લંબાઇ હોય તો ફળ પણ ઓછું જ પ્રાપ્ત થાય છે. જો શિવલિંગ તેનાથી મોટું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

ચલિત શિવલિંગની પ્રતિષ્ઠા

⦁ ચલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગમાં શિવલિંગ અને પીઠ એક સમાન જ પદાર્થમાંથી બનેલા હોવા જોઈએ. અલબત્, બાણલિંગ માટે (નર્મદામાંથી પ્રાપ્ત શિવલિંગ) આ નિયમ અપવાદ છે.

⦁ ચલિત શિવલિંગની લંબાઈ નિર્માણ કર્તા કે સ્થાપના કરનારના એક અંગુલ બરાબર હોવી જોઈએ. જો શિવલિંગ તેનાથી નાનું હોય તો અલ્પ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ, તેનાથી વધુ લંબાઇ હોય તો ચિંતાની કોઈ જરૂર નથી હોતી.

એટલે કે ઘરમાં તમે જો શિવલિંગની પૂજા કરવા માંગતા હોવ તો તે ઓછામાં ઓછું તમારા એક અંગુલ જેટલું તો હોવું જ જોઈએ. વાયપુરાણમાં અંગુલને એક વ્યક્તિની આંગળીના એક વેઠા જેટલું માનવામાં આવે છે. અને એક માન્યતા અનુસાર તે અંગૂઠાની ટોચની જાડાઈ જેટલું હોવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles