તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોવાની માન્યતા પ્રચલિત છે. એ જ કારણ છે કે ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવવામાં આવે છે. કહે છે કે તેનાથી સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એવી માન્યતા પ્રચલિત છે કે નિયમિત રીતે તુલસીના છોડની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. વ્યક્તિ સફળતાની સીડીઓ ચઢવા લાગે છે અને તેની ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગે છે. તુલસી સાથે જોડાયેલા ઘણાં ઉપાયો આપે જોયા તેમજ સાંભળ્યા હશે. પણ, આજે અમે આપને તુલસી સાથે જોડાયેલા કેટલાંક એવાં ઉપાયો જણાવીશું કે જે આપના સૂતેલા ભાગ્યને પણ જગાવી દેશે ! આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
નિયમિત પાણી ચઢાવો
સ્ત્રીઓએ નિયમિત સવારે સ્નાન કર્યા પછી તુલસીજીને જળ ચઢાવવું જોઈએ. કહે છે કે તેના લીધે ઘરમાં સુખ-શાંતિ અકબંધ રહે છે. પણ, ધ્યાન રાખો કે એકાદશી અને રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસોમાં દેવી તુલસી નિર્જલા વ્રતનું પાલન કરે છે. એટલે, જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે. અને તેના અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે.
તુલસીજી પર દોરો બાંધો
એક નાડાછડી લો અને તેને તુલસીજીના છોડ પર બાંધો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા આપના પર અકબંધ રહે છે. તેમજ દેવી આપની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે.
દૂધ અર્પિત કરો
જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના છોડ સંબંધી અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાંથી એક છે તુલસીના છોડને કાચું દૂધ અર્પણ કરવું. માન્યતા અનુસાર તુલસીજીને કાચું દૂધ ચઢાવવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહ પણ બળવાન બને છે.
શેરડીના રસનો વિશેષ ઉપાય
⦁ શિવપુરાણમાં તુલસીના છોડ સંબંધી એક સચોટ ઉપાય જણાવવામાં આવ્યો છે. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી ભાગ્યના બંધ દ્વાર પણ ખુલી જતા હોય છે.
⦁ શિવપુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિને વેપાર-ધંધામાં સમસ્યા આવી રહી હોય, સતત ધનના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય, કે પછી શત્રુઓ પરેશાન કરી રહ્યા હોય તો તુલસીના છોડમાં જરૂરથી શેરડીનો રસ અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને ચોક્કસપણે સમસ્યાથી મુક્તિ મળે છે અને લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ શેરડીના રસને તુલસીના છોડમાં અર્પણ કરવો ખુબ જ શુભદાયી માનવામાં આવે છે. ખાસ કરીને દરેક મહિનાની પાંચમની તિથિ આ માટે ઉત્તમ મનાય છે.
⦁ દરેક માસની પાંચમની તિથિએ એક કળશમાં થોડો શેરડીનો રસ લેવો. ત્યારબાદ 7 વાર પોતાનું નામ અને ગોત્રનું નામ લઇને તુલસીના છોડમાં શેરડીનો રસ અર્પણ કરવો.
⦁ કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની પ્રસન્નતા આપના પર રહે છે. તેમજ ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)