ઘરમાં ગાર્ડનિંગ કરવાનું મોટાભાગે દરેકને ખૂબ ગમતું હોય છે. જો આંગણું ન હોય તો પણ ઘરની બાલ્કનીમાં વિવિધ કુંડાઓમાં છોડ રોપીને લોકો ઘરને સજાવતા હોય છે. કહે છે કે ઘરમાં આ રીતે છોડ લગાડવાથી ઘર અને તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરની શોભા પણ વધે છે.
એ જ રીતે વાસ્તુના હિસાબે પણ ઘરમાં ફૂલ-છોડ લગાવવાથી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં પણ સારી અસર જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં કેટલાક ફૂલ-છોડ ઘરમાં લગાવવા ખૂબ શુભ માનવામાં આવે છે. એવો જ એક છોડ છે લક્ષ્મણાનો છોડ. કહે છે કે આ છોડ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. અને તેને ઘરમાં લગાવવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી સર્જાતી. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
લક્ષ્મણા છોડ
લક્ષ્મણાનો છોડ વાસ્તવમાં એક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. અને એટલે વૈદ્યો તેને લક્ષ્મણ બુટી કે લક્ષ્મણ બુટાના નામે સંબોધે છે. કહે છે કે તેનું સેવન કરવાથી કેટલાય પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે. આ છોડના પત્તા ઘણે અંશે પીપળના પાન જેવા દેખાય છે. માન્યતા અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપની ઉપર રહે છે અને સદાય માતા લક્ષ્મી આપના ઘરમાં બિરાજમાન રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ અને ધન-વૈભવની પ્રાપ્તિ થાય છે.
સકારાત્મક ઊર્જાનો સંચાર
ઘરમાં લક્ષ્મણાનો છોડ લગાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ છોડ લગાવવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મણા માતા લક્ષ્મીને પ્રિય છોડમાંથી એક માનવામાં આવે છે. કહે છે કે જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને ઘરમાં સમૃદ્ધિ સતત વધતી રહે છે.
લક્ષ્મી પ્રાપ્તિના અવસર મળે
એવું માનવામાં આવે છે કે આ છોડ માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. એટલે કે, આ છોડ જે ઘરમાં હોય તે ઘરની આર્થિક સ્થિતિમાં સતત સુધારો આવે છે. એટલું જ નહીં, ધન પ્રાપ્તિના અવસરો પણ પ્રાપ્ત થાય છે.
અટકેલા કાર્યોમાં સફળતા
એક માન્યતા અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી રોકાયેલા કાર્યોમાં સફળતા મળે છે. એટલું જ નહીં, આપના માટે દરેક ક્ષેત્રમાં સફળતાના દ્વાર પણ ખુલી જાય છે.
કઈ દિશામાં લગાવશો છોડ ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મણાના છોડને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઇએ. કારણ કે આ દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. તેના સિવાય પૂર્વ દિશા તરફ પણ આ છોડ લગાવી શકાય છે. આ છોડનું ઘરમાં આગમન ખુશીઓનું આગમન બની રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)