fbpx
Sunday, December 22, 2024

તુલસીના છોડમાં છુપાયેલું છે તમારી બધી સમસ્યાઓનું સમાધાન! જાણો, તુલસીનો છોડ ક્યાં રાખવો જોઈએ?

સામાન્ય રીતે દરેક હિન્દુ ઘરમાં તુલસીજીનો છોડ હોય જ છે. કારણ કે, સનાતન સંસ્કૃતિમાં તુલસીની પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. પણ, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે આ જ તુલસીનો છોડ આપને વિવિધ સમસ્યાઓથી મુક્તિ અપાવવાનું સામર્થ્ય પણ ધરાવે છે. ઘરના વાસ્તુદોષનું શમન કરવાની વાત હોય, કે નોકરીમાં બઢતી મેળવવાની, આ દરેક પ્રશ્નના જવાબ એક તુલસીના છોડ પાસે છે !

આવો, તે વિશે વિગતે જાણીએ.

વાસ્તુદોષના નિવારણ

જે ઘરમાં વાસ્તુદોષ હોય તે ઘરમાં પરિવારના સભ્યોની તબિયત સતત ખરાબ રહે છે. ઘરના વડીલ હંમેશા જ પરેશાન રહે છે. તેના કામ અટકી પડે છે અને ઘરમાં આવતા જ તેને નકારાત્મકતા જકડી લે છે. આ સમસ્યાના નિવારણ અર્થે ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં તુલસીજીનો છોડ લગાવવો જોઈએ. આ સાથે જ “ૐ સુપ્રભાય નમઃ” મંત્રનો જાપ કરતા તુલસીજીને જળ અર્પણ કરવું. તેમજ નિત્ય સાંજે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો. માન્યતા અનુસાર નિત્ય આ કાર્ય કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે.

ઘર કંકાસથી મુક્તિ

કહે છે કે અભાવ જ કુભાવને જન્મ આપે છે ! ઘરમાં એકપણ સભ્ય બુદ્ધિશાળી હોય તો ઘરમાં કલેશ નથી થતો. પણ, જ્યાં બધાંની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય ત્યાં સતત કલેશ રહે છે. જો ઘરના સભ્યોની વચ્ચે સતત કકળાટ રહેતો હોય તો ઘરના રસોડા પાસે તુલસીનો છોડ રાખવો. અથવા તો ઘરના ઇશાન ખૂણામાં તેને મૂકવો. ત્યારબાદ “ૐ સુભદ્રાય નમઃ” મંત્રનો જાપ કરતા તુલસીજીને જળ અર્પણ કરવું. તેમજ નિત્ય સાંજે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો. કહે છે કે તેનાથી ચોક્કસપણે સમસ્યામાં રાહતની પ્રાપ્તિ થાય છે.

બાળકોને અભ્યાસમાં એકાગ્રતા

જો પરિવારના બાળકોનું મન અભ્યાસમાં ન લાગી હોય, બાળકોનો સ્વભાવ જીદ્દી થઈ ગયો હોય તો ઘરની પૂર્વ દિશામાં બારી પાસે તુલસીજીનો છોડ લગાવવો જોઈએ. ત્યારબાદ તેમાં નિત્ય બાળકો દ્વારા જ જળ અર્પણ કરાવવું જોઈએ. તુલસીના છોડ પાસે ઉભા રહી “ૐ હરિપ્રિયાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. માન્યતા અનુસાર નિત્ય આ કાર્ય કરવાથી તમને ચોક્કસપણે બાળકના સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે.

લગ્નના યોગ માટે

ઘણીવાર એવું બને છે કે દિકરા-દિકરી પરણવા લાયક થઈ ગયા હોવા છતાં ઘરમાં તેમના માટે કોઈ માંગું આવતું જ નથી. અને આવે તો પણ વાત નક્કી થાય તે પહેલાં જ બગડી જતી હોય છે. જો, તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં તુલસીજીનો છોડ રાખવો જોઈએ. અને દિવસમાં 108 વખત તુલસી ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાયથી દિકરા-દિકરીના જીવનમાં વિવાહના યોગ બનશે.

નોકરીમાં બઢતી માટે

નોકરીમાં જો મહેનત કરવા છતાં સારું પરિણામ ન મળી રહ્યું હોય કે બઢતીમાં સતત અવરોધો આવી રહ્યા હોય તો એક વિશેષ ઉપાય અજમાવો. સોમવારે તુલસીજીના 16 બીજ લો. તેને એક સફેદ વસ્ત્રમાં લઈ “ૐ તુલસી દેવ્યૈ નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો. ત્યારબાદ તુલસી બીજ સાથેના તે સફેદ વસ્ત્રને તમારા કાર્યક્ષેત્રની તિજોરીમાં મુકી દો. માન્યતા અનુસાર તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.

સંતાન પ્રાપ્તિ અર્થે

જો પતિ-પત્ની સંતાન સુખથી વંચિત હોય તો તેમણે નિત્ય જ તુલસીનામાષ્ટકનો જાપ કરવો જોઈએ. અથવા તો તુલસીનામાષ્ટક સાંભળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles