fbpx
Monday, December 23, 2024

હોળી પરિક્રમા કેવી રીતે કરશો? હોળી વખતે આ કામ કરવું જ જોઈએ!

હોળીનો પર્વ અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવવામાં આવે છે. આ એ રાત્રી મનાય છે કે જ્યારે સૃષ્ટિ પર નકારાત્મક ઊર્જાનું પ્રભુત્વ હોય છે. જેને દૂર કરવા જ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીની સકારાત્મક ઊર્જા વ્યક્તિને નવ ચેતના પ્રદાન કરે છે. તો, સાથે જ આ દિવસે કેટલાંક સરળ ઉપાય અજમાવીને વ્યક્તિ તેની મુસીબતોથી મુક્તિ મેળવી શકે છે.

એટલું જ નહીં, ધનની અધિષ્ઠાત્રી માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરી તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકે છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે હોળી પર કેવાં ઉપાયો અચૂક કરવા જોઈએ. તેમજ હોળીની કઈ રીતે પ્રદક્ષિણા કરવાથી વ્યક્તિના તમામ સંતાપોનું શમન થઈ જાય છે !

ઉબટન ચમકાવશે નસીબ !

હોળી પ્રાગટ્ય પૂર્વે ઘરના દરેક સભ્યએ હળદર અને સરસવનું ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ. આ માટે સરસવના તેલમાં હળદર ઉમેરીને ઉબટન તૈયાર કરવું જોઈએ. કહે છે કે, આ ઉબટન ન માત્ર તમારા સૌંદર્યને નિખારશે, પરંતુ, તમારા નસીબને પણ ચમકાવી દેશે.

વૈભવદાયી દીપ

હોળી પ્રાગટ્ય પૂર્વે સાંજના સમયે ઘરની ઉત્તર દિશામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. કહે છે કે, આ ઉપાય કરવાથી માતા લક્ષ્‍મી ધન-વૈભવ સાથે ઘરમાં આગમન કરે છે.

સહપરિવાર હોળીની પરિક્રમા !

હોળી પ્રાગટ્ય સમયે તેના પૂજનનો અને તેની પરિક્રમા કરવાનો મહિમા છે. તમે પણ હોળીની પરિક્રમા કરતા જ હશો. પણ, વાસ્તવમાં આ પરિક્રમા સહપરિવાર જ કરવી જોઈએ ! જો ઘરમાં 6 સભ્ય હોય, તો એ જરૂરી છે કે 6 સભ્ય એકસાથે જ હોળીની પરિક્રમા કરે. એવું ન બને કે એક વ્યક્તિ હાલ પરિક્રમા કરે અને બીજા પછી કરે. એક માન્યતા અનુસાર હોળીની પરિક્રમા કરવાથી રોગનો નાશ થાય છે. અને જો તમે સહપરિવાર હોળીની પરિક્રમા કરો છો, તો સમગ્ર પરિવાર પર રહેલા ઉપાધિના કે મુસીબતના વાદળ નાશ પામે છે. એટલે, આ હોળી પર આ વાત બરાબર યાદ રાખીને સહપરિવાર જરૂરથી આ કાર્ય કરજો.

અખૂટ ભંડારના આશિષ

હોળિકા દહન સમયે અગ્નિની પરિક્રમા કરતી વખતે તેમાં ઘઉં, વટાણા, ચણા, અળસીની સાથે સરસવના દાણા પણ અર્પિત કરવા. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના ઘરમાં ક્યારેય ધનની અછત નહીં વર્તાય. આપના ઘરના ભંડાર અખૂટ રહેશે અને માતા લક્ષ્‍મીના આશીર્વાદ વર્ષો વર્ષ મળતા જ રહેશે !

શેનું કરશો પઠન ?

હોલિકા દહનની રાત્રે તમારે ઘરમાં સુંદરકાંડ કે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. યાદ રાખો કે પાઠ કરતા સમયે વચ્ચે બીજા કોઇ કામ ન કરવા. જો કોઇ કારણવશ તમે આ પાઠ નથી કરી શકતા, તો તેને સાંભળવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે.

મહા ફળદાયી દાન

હોળીની રાત્રે પોતાના શરીરના વજન અનુસાર ખાદ્ય સામગ્રી અથવા તો કોઇ અનાજનું દાન કરવું જોઈએ. આ દાન જરૂરિયાતમંદને કરવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે જરૂરિયાતમંદને વસ્ત્ર, મીઠાઈ તેમજ ગુલાબનું દાન કરવાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. તેમજ સદૈવ માતા લક્ષ્‍મીની કૃપા અકબંધ રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles