હોળી બાદ ઉજવાતો ધુળેટીનો પર્વ એ જીવનમાં નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. તો આ દિવસે દેવી-દેવતાઓ સાથે પણ ધુળેટી ઉજવવાનો મહિમા રહેલો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે અનુસાર દરેક દેવી-દેવતાને એક ખાસ રંગ અત્યંત પ્રિય હોય છે. અને એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે ધુળેટીના અવસર પર જો તમે દેવી-દેવતાને તેમના પ્રિય રંગની વસ્તુઓ અર્પણ કરો છો, અથવા તો જે-તે પ્રિય રંગનો ગુલાલ અર્પણ કરો છો, તો તે અત્યંત પ્રસન્ન થાય છે.
સાથે જ તમારી વિવિધ કામનાઓની પૂર્તિ પણ કરે છે. કહે છે કે આવું કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તેમજ આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. ત્યારે આવો, આપણે એ જાણીએ કે ધુળેટીમાં વિવિધ દેવી-દેવતાને કયો રંગ અર્પણ કરવો જોઈએ.
શ્રીગણેશ
ધુળેટીના શુભ અવસર પર મંગળકર્તા દેવ શ્રીગણેશને લાલ રંગનું સિંદૂર અર્પણ કરવું જોઈએ. આ દિવસે શ્રીગણેશને લાલ રંગના સિંદૂરથી સજાવવા જોઈએ. માન્યતા અનુસાર તેનાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે જ તેમને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ.
દેવી લક્ષ્મી
દેવી લક્ષ્મીને ધનના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. અને કહે છે કે તેમને લાલ રંગ અત્યંત પ્રિય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તેમ દેવી લક્ષ્મીને ધુળેટીના અવસર પર લાલ રંગ અર્પણ કરવાથી તે અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તને સમૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે. એટલે ધુળેટીના દિવસે માતા લક્ષ્મીને લાલ રંગના વસ્ત્ર અર્પણ કરવા. સાથે જ તેમને લાલ રંગનો ગુલાલ અર્પણ કરીને ધુળેટી રમવી.
શ્રીવિષ્ણુ
ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર સ્વરૂપો, એટલે કે શ્રીરામ કે શ્રીકૃષ્ણને ધુળેટીના અવસર પર પીળા રંગનું ગુલાલ કે વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. માન્યતા અનુસાર શ્રીહરિને પીળો રંગ અત્યંત પ્રિય છે. અને આ રંગની વસ્તુઓથી તે અત્યંત પ્રસન્ન થાય છે. કહે છે કે પ્રભુને આ રીતે પીળા રંગનો ગુલાલ અર્પણ કરવાથી જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે.
મહાદેવ
દેવાધિદેવ મહાદેવ વૈરાગ્યના દેવતા છે. અને એટલે જ ધુળેટીના અવસર પર તેમને ભસ્મ કે રાખ અર્પણ કરવામાં આવે છે. અલબત્, તમે તેમને વાદળી રંગનો ગુલાલ પણ અર્પણ કરી શકો છો. વિષ ગ્રહણ કરવાને લીધે શિવજીના કંઠનો રંગ નીલો એટલે કે વાદળી થઈ ગયો છે. અને એટલે જ તે નીલકંઠના નામે ઓળખાય છે. ત્યારે આ જ નીલકંઠને નીલો (વાદળી) રંગ અર્પણ કરવો અત્યંત શુભ મનાય છે. કહે છે કે આવું કરવાથી શિવજીની કૃપા સદૈવ તેમના ભક્તો પર અકબંધ રહે છે.
પવનસુત હનુમાન
લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગૂર ।
બજ્ર દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર ।।
એટલે કે, જે લાલ રંગનું સિંદૂર લગાવે છે, જેના તો દેહનો રંગ પણ લાલ છે અને જેને લાંબી પૂંછ છે. જેનું શરીર વજ્રની સમાન બળવાન છે અને જે રાક્ષસોનો સંહાર કરે છે, એવાં શ્રી કપિરાજને મારા વારંવાર નમસ્કાર. શ્રીહનુમાનજી સંબંધી આ વર્ણન અને વિવિધ સ્થાનકમાં દર્શન દેતી તેમની સિંદૂરી પ્રતિમાઓ સાક્ષી પૂરે છે એ વાતની કે મૂળે તો પવનસુત સિંદૂર જેવો જ લાલ રંગ ધારણ કરનારા છે. અને તે જ રીતે તે ધુળેટીના અવસર પર લાલ રંગથી પ્રસન્ન થનારા છે. એટલે ધુળેટીના અવસર પર હનુમાનજીને ખાસ એવી વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ કે જેનો રંગ લાલ હોય. એ જ રીતે તેમને આ દિવસે લાલ રંગનો ગુલાલ કે સિંદૂર જરૂરથી અર્પણ કરવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)