સનાતન ધર્મમાં તુલસી પૂજાની આગવી જ મહત્તા રહેલી છે. કારણ કે, તુલસીનો છોડ અત્યંત કલ્યાણકારી મનાય છે. તેના પત્રમાં એવાં ઔષધિયો ગુણો છે કે જે વ્યક્તિને વિવિધ રોગોમાં રાહતની પ્રાપ્તિ કરાવે છે. એ જ કારણ છે કે તુલસીપત્ર વિના શ્રીહરિ વિષ્ણુને ભોગ નથી લાગતો. કહે છે કે, જ્યાં તુલસીનું પાન હોય ત્યાં નકારાત્મકતા પ્રવેશી પણ નથી શકતી.
પણ, શું તમે એ જાણો છો કે આ જ તુલસી પત્ર જ્યારે જળ સાથે એકરૂપ થાય છે, ત્યારે તે ચમત્કારિક પરિણામ આપે છે ! આજે અમે આપને તુલસી જળના કેટલાંક એવાં લાભ જણાવવા માંગીએ છીએ કે જે તમારા સૂતેલા ભાગ્યને પણ જગાવી શકે છે. અને સાથે જ આપને આર્થિક લાભની પ્રાપ્તિ કરાવી શકે છે.
નકારાત્મક ઊર્જાથી મુક્તિ અર્થે
જીવનમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે એક વિશેષ ઉપાય અજમાવો. રાત્રે તુલસીના પાનને સાફ કરીને પાણીમાં રાખી દો. સવારે સ્નાન કર્યા પછી તે તુલસી જળનો ઘરમાં છંટકાવ કરી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. અને પરિવારજનોને સકારાત્મક વાતાવરણની અનુભૂતિ થાય છે.
ધંધા-રોજગારમાં પ્રગતિ અર્થે
વ્યાપારમાં પ્રગતિ મેળવવા માટે એક કળશમાં પાણી ભરી તેમાં તુલસીપત્ર ઉમેરો. ત્યારબાદ તે તુલસી દળ અને પાણીને બે થી ત્રણ દિવસ માટે રાખી મૂકો. પછી, આ જળનો દુકાન, ફેક્ટરી અને ઓફિસમાં છંટકાવ કરી દો. કહે છે કે આ ઉપાય કરવાથી ધંધા-રોજગારના ક્ષેત્રમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અને પ્રગતિના માર્ગ ખુલી જાય છે. સાથે જ ઘરમાં સમૃદ્ધિનું આગમન થાય છે.
સારા સ્વાસ્થ્ય અર્થે
તુલસી જળ તમને સ્વાસ્થ્યનું સુખ પણ પ્રદાન કરશે ! આ માટે તાંબા કે પિત્તળના કળશમાં પાણી લઇને તેમાં તુલસીના પાનને ઉમેરો. આમ કરવાથી જળ પવિત્ર અને શુદ્ધ થઇ જાય છે. બીજા દિવસે આ જળને આપ ગ્રહણ કરી લો. કહે છે કે આ તુલસી જળથી આપનું સ્વાસ્થ્ય સારુ રહે છે. તેમજ આપનું મન પણ શાંત રહે છે.
તુલસી જળથી ખુશીઓનું આગમન !
હિન્દુ માન્યતાઓ અનુસાર માગશર મહિનામાં તેમજ શુભ અવસરો પર ભગવાન શ્રીકૃષ્ણને તુલસી પત્રવાળા જળથી સ્નાન કરાવવું જોઇએ. તેના માટે એક કળશમાં પાણી ઉમેરી તેમાં તુલસીના પાન ઉમેરો. હવે આ જળથી શ્રીકૃષ્ણને સ્નાન કરાવો. કહે છે કે આ ઉપાય કરવાથી શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે. તે જીવનના તમામ સંતાપ દૂર કરી દે છે. અને જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)