આધુનિક સમયમાં દરેક લોકો સફળતા ઇચ્છે છે. તેના માટે તેઓ ખૂબ જ મહેનત પણ કરે છે. પરંતુ, આકરી મહેનત બાદ પણ કેટલાક લોકોને જ તેમની મહેનતનું ફળ મળે છે. વાસ્તવમાં જીવનમાં સફળતા મેળવવા માટે મહેનતની સાથે-સાથે નસીબની પણ જરૂર પડે છે. મહત્વની વાત એ છે કે જો આપ આપના ઘરના વાસ્તુનું પણ ધ્યાન રાખો, તો પણ તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે !
આજે ઘરના મુખ્યદ્વારના સંદર્ભમાં આ બાબતને સમજીએ.
ઘરનો મુખ્યદ્વાર અને વાસ્તુશાસ્ત્ર !
કેટલીક વાર એવું બને છે કે, ઘરનું નિર્માણ તો વાસ્તુશાસ્ત્રના આધારે કરવામાં આવ્યું હોય છે, પરંતુ, ઘરના મુખ્યદ્વાર પર વધુ ધ્યાન નથી આપવામાં આવતું ! વાસ્તવમાં જ્યારે ઘરનો મુખ્યદ્વાર વાસ્તુશાસ્ત્રને અનુરૂપ ન હોય, તો તે ઘરમાં રહેનારા લોકોની પ્રગતિ અટકી જતી હોય છે ! એટલે આવો, આજે અમે આપને એ જણાવીએ કે ઘરના મુખ્યદ્વારના સંદર્ભમાં વાસ્તુશાસ્ત્રના શું નિયમો છે ? આખરે, કેવો હોવો જોઈએ ઘરનો મુખ્યદ્વાર ?
ઘરના મુખ્યદ્વારના સંદર્ભમાં શું રાખશો ધ્યાન ?
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્યદ્વાર પર કોઇપણ પ્રકારનો છાંયડો ન પડવો જોઇએ. એટલે જ્યારે પણ ઘરનું નિર્માણ કરાવો ત્યારે આ એક વાત ચોક્કસથી ધ્યાનમાં રાખવી જોઈએ. ઘરના મુખ્યદ્વારની આસપાસ કોઇ મોટું વૃક્ષ કે બિલ્ડીંગનો છાંયડો ન જ આવતો હોવો જોઈએ.
⦁ મુખ્યદ્વારમાંથી ઘરની અંદર પ્રવેશ માટેની જે સીડીઓ હોય તેની સંખ્યા વિષમ હોવી જોઇએ. એટલે કે તેની સંખ્યા 3, 5 કે 7 રાખવી જોઇએ.
⦁ ગૃહપ્રવેશ માટેના મુખ્યદ્વારની પહોળાઇ તેની લંબાઇથી અડધી હોવી જોઈએ. એટલે કે જો, મુખ્યદ્વારની લંબાઇ 10 ફૂટ હોય, તો તેની પહોળાઇ 5 ફૂટ રાખવી જોઈએ.
⦁ ઘરની જે દિશા હોય તે જ દિશામાં મુખ્યદ્વાર હોવો જોઇએ. એટલે કે, ક્યારેય ઘરની વિરુદ્ધ દિશામાં દરવાજો રાખવો જોઈએ નહીં. માન્યતા અનુસાર વિરુદ્ધ દિશામાં જો દરવાજો હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનું આગમન થાય છે.
⦁ વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે તે અનુસાર ઘરનો મુખ્યદ્વાર ઘરના દરેક રૂમના દરવાજા કરતાં ઊંચો હોવો જોઇએ. આ રીતની વાસ્તુરચના જ શુભ માનવામાં આવે છે.
⦁ કહે છે કે ઘરના મુખ્યદ્વારની દિશા ઉત્તરમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં ધનનું આગમન થાય છે. મુખ્યદ્વારની દિશા પૂર્વમાં હોય તો ઘરમાં શાંતિ જળવાયેલી રહે છે. જ્યારે પશ્ચિમ દિશાનો મુખ્યદ્વાર ઘરમાં રહેતા લોકોના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે !
⦁ એટલે, હવે જ્યારે પણ તમે નવા ઘરનું નિર્માણ કરાવી રહ્યા હોવ, અથવા તો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, ત્યારે ઘરના મુખ્યદ્વાર સંબંધિત આ માહિતીને જરૂરથી ધ્યાનમાં રાખજો. માન્યતા અનુસાર આ બાબતોને ધ્યાનમાં રાખવાથી જ તમારા જીવનમાં સુખ-શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)