fbpx
Monday, December 23, 2024

સંકષ્ટિની ગણેશ પૂજામાં તમે આનું ધ્યાન રાખ્યું હતું કે નહીં? જાણો સંકષ્ટી વ્રતની ફળદાયી વિધિ!

હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં બે ચોથની તિથિ આવે છે. જેમાં સુદ પક્ષમાં આવતી ચોથ વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. જ્યારે વદ પક્ષમાં આવતી ચોથની તિથિ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ સંકષ્ટી ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશજીનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રત જીવમાત્રને અનેક ઉપાધિઓમાંથી ઉગારનારું અને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારું મનાય છે.

અને આજે એ જ રૂડો અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આવો, આપણે એ જાણીએ કે આજે કયા વિશેષ પૂજા-વિધાન દ્વારા આપણે એકદંતાની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકીશું.

સંકષ્ટી ચતુર્થી મહિમા

⦁ ગજાનન શ્રીગણેશના તમામ વ્રતમાં સંકષ્ટીનું વ્રત સૌથી વધુ ફળદાયી મનાય છે !

⦁ કહે છે કે સંકષ્ટીનું વ્રત કરવાથી ભક્તના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. કારણ કે ગણપતિનું એક નામ વિઘ્નહર્તા છે. અને તેમના નામની જેમ જ તે ભક્તના જીવનમાંથી તમામ વિઘ્નોને દૂર કરી દે છે.

⦁ આ વ્રત ભક્તની તમામ મનોકામનાઓની પૂર્તિ કરનારું મનાય છે.

⦁ જેમને ત્યાં શેર માટીની ખોટ છે, તેવું દંપતિ જો સજોડે આ વ્રત કરે છે તો તેમને શ્રીગણેશ સંતાનપ્રાપ્તિના આશીર્વાદ પ્રદાન કરે છે.

ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી

ગુજરાતી પંચાંગ અનુસાર ફાગણ માસના વદ પક્ષમાં આવતી સંકષ્ટી ચતુર્થીને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ તિથિનો પ્રારંભ 10 માર્ચે, રાત્રિએ 9:42 કલાકે થઈ ચૂક્યો છે. જે આજે 11 માર્ચે, રાત્રે 10:05 સુધી રહેશે. અલબત્, સંકષ્ટીનું વ્રત ચંદ્ર દર્શન બાદ જ ખોલવામાં આવતું હોય છે.

વ્રતની ફળદાયી પૂજા

⦁ આજે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. જો વસ્ત્ર લાલ રંગના હોય તો વધુ શુભ રહેશે. કારણ કે, લાલ વસ્ત્ર પહેરીને પૂજા કરવું સવિશેષ ફળદાયી મનાય છે.

⦁ તમારું મુખ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે પૂજા કરવા બેસો.

⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રીગણેશની પ્રતિમા કે તસવીરને સ્થાપિત કરો.

⦁ ઘણાં લોકોને ખ્યાલ નથી હોતો અને તેઓ સંકષ્ટી પર માત્ર ગણેશજીની જ પૂજા કરે છે. પરંતુ, વાસ્તવમાં ગણેશજીની સાથે તેમની પત્ની રિદ્ધિ અને સિદ્ધિની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે તેમનાથી જ ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થતું હોય છે !

⦁ જો તમારી પાસે રિદ્ધિ-સિદ્ધિની મૂર્તિ કે તસવીર ન હોય, તો તમે તેમના નામની સોપારી પૂજામાં મૂકી શકો છો. ગણેશ પ્રતિમાની પાસે જ આ સોપારીઓ મૂકવી.

⦁ હવે રિદ્ધિ-સિદ્ધિ સહિત ભગવાન ગણેશને ધૂપ-દીપ અર્પણ કરો.

⦁ પૂજા સમયે “ૐ ગણેશાય નમઃ” અથવા “ૐ ગં ગણપતે નમઃ” મંત્રનો જાપ કરો.

⦁ આજે ભગવાનને નૈવેદ્યમાં લાડુ અથવા તો તલમાંથી બનેલી કોઈ મીઠાઈનો ભોગ જરૂરથી લગાવો.

⦁ પૂજા પૂર્ણ થયા બાદ ઘરમાં વડીલના આશીર્વાદ પણ જરૂરથી લેવા જોઈએ. યાદ રાખો, માંગલિક કાર્ય કે શુભ પૂજાનું ફળ ત્યારે અનેકગણું વધી જાય છે કે જ્યારે તેમાં વડીલોના આશીર્વાદ ભળે છે.

⦁ તમારી યથાશક્તિ આજે કોઈ જરૂરિયાતમંદને જરૂરથી દાન કરવું જોઈએ.

⦁ સંકષ્ટીમાં સંધ્યા પૂજાનો સવિશેષ મહિમા છે. એટલે સાંજે ફરી ગજાનનની આરાધના કરો. અને આ પૂજામાં તેમને દૂર્વા જરૂરથી અર્પણ કરો.

⦁ રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રદેવતાને અર્ઘ્ય અર્પણ કરો. અને ત્યારબાદ જ વ્રત ખોલો.

⦁ યાદ રાખો, સંકષ્ટી પર ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ. નહીંતર મેળવેલું તમામ પુણ્ય નષ્ટ થઈ જતું હોય છે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles