જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુવારના દિવસે કેટલાંક વિશેષ પ્રકારના કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે. માન્યતા અનુસાર આ એવાં કાર્યો છે કે જે ગુરુવારના દિવસે કરવાથી આપને આર્થિક નુકસાન થઇ શકે છે ! અને ઘરમાં રહેલી સુખ-સંપત્તિનો નાશ થઇ શકે છે ! માન્યતા અનુસાર મહિલાઓ જો આ વર્જિત કાર્ય કરે છે તો તેમના પતિ અને સંતાનને કષ્ટ ભોગવવું પડે છે.
અને બીજી તરફ જો ગુરુવારના દિવસે આ વર્જિત કાર્યો પુરુષો કરે છે તો તેમને તેના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ.
ગુરુવાર અને ખુશીઓનો સંબંધ !
ગુરુવારનો દિવસ બૃહસ્પતિ દેવ, શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આજના દિવસે આ દેવી-દેવતાઓની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવી જોઇએ. પણ સાથે જ ગુરુવારના દિવસે વિશેષ પ્રકારના કાર્યો કરવાની મનાઇ જણાવવામાં આવી છે. કહે છે કે આ કાર્યો કરવાથી આપને આર્થિક નુકસાન થાય છે અને ઘરમાં રહેલી સુખ-સંપત્તિનો નાશ થાય છે ! આ એવાં કાર્યો છે કે જે ગુરુવારના દિવસે કરવાથી આપને તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે. એટલે કે, ખુશીઓ આવતા પહેલાં જ દૂર થઈ જાય છે !
ઘરનો ભંગાર ન વેચવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ઘરમાં રહેલો કોઇપણ પ્રકારનો ભંગાર વેચવો ન જોઇએ. એવી માન્યતા છે કે આજના દિવસે ઘરનો ભંગાર વેચવાથી આપના ઘરની સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે. તેમજ ગુરુ ગ્રહના ખરાબ પ્રભાવનો પરિવારને સામનો કરવો પડે છે. એક માન્યતા અનુસાર તો ગુરુવારે ઘરનો ભંગાર વેચવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તેમજ બાળકોના અભ્યાસ પર પણ તેની ખરાબ અસર પડે છે !
નાણાંની લેવડ-દેવડથી બચવું
ગુરુવારના દિવસે રૂપિયાની લેવડ-દેવડ કરવાથી બચવું જોઇએ. એટલે કે, આજના દિવસે ન તો કોઇને ઉધાર આપવું જોઈએ કે ન તો કોઇની પાસેથી ઉધાર લેવું જોઇએ. જો તમે આ દિવસે ઉધાર નાણાંની લેતી-દેતી કરો છો તો કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહની સ્થિતિ નબળી બને છે. જેના લીધે પરિવારજનોને નાણાં સાથે સંકળાયેલી બાબતોમાં પરેશાનીનો સામનો કરવો પડે છે.
દાઢી ન કરાવવી તેમજ નખ ન કાપવા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પુરુષોએ દાઢી ન કરાવવી જોઇએ. તો આ દિવસે નખ કાપવા પણ વર્જીત મનાય છે. માન્યતા છે કે ગુરુવારના દિવસે દાઢી કરવાથી તેમજ નખ કાપવાથી ગુરુ ગ્રહ નબળો થાય છે. તેનાથી આપના કાર્યોમાં અવરોધો આવે છે. તો, કેટલાક લોકોને સંતાન સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
ગુરુદોષમાંથી મુક્તિ અર્થે
જો કોઇની કુંડળીમાં ગુરુદોષ હોય તો ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરવું જોઇએ. ત્યારબાદ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ અને આરતી કરવાથી ગુરુદોષ દૂર થાય છે સાથે જ મોટા મોટા સંકટો પણ દૂર થઇ જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)