હિન્દુ પરંપરામાં અઠવાડિયાના વિવિધ વાર વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યા છે. જેમાં શુક્રવાર એ માતા લક્ષ્મીનો દિવસ મનાય છે. દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શુક્રવારના રોજ તેમની પૂજા-અર્ચના કરતા હોય છે. પરંતુ, આજે અમારે શુક્રવારે કરવાના કેટલાંક એવા ઉપાયોની વાત કરવી છે કે જે તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવશે.
એટલું જ નહીં, તમારી ખાલી ઝોળીને ખુશીઓથી ભરી દેશે. આજે માત્ર પાંચ પુષ્પનો પ્રયોગ અજમાવીને તમે તમારા ઘરની તિજોરી હંમેશા નાણાંથી ભરેલી રહે તેવા આશિષ પણ મેળવી શકશો. આવો, આજે તે વિશે જ વિગતે વાત કરીએ.
શુક્રવારની ફળદાયી લક્ષ્મીપૂજા
⦁ શુક્રવારના લક્ષ્મીપૂજનમાં દેવીને લાલ ચાંદલો, ચુંદડી, બંગડી સહિતની શણગાર સામગ્રી અર્પણ કરો. માન્યતા અનુસાર તેનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને પતિનું આયુષ્ય પણ વધે છે.
⦁ શુક્રવારે માતા લક્ષ્મીની સન્મુખ તમે જ્યારે દીપ પ્રાગટ્ય કરો ત્યારે તે દીવો રૂની વાટના બદલે નાડાછડીની વાટનો પ્રજ્વલિત કરવો જોઈએ. કહે છે કે તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
⦁ શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા લક્ષ્મીમંત્ર, કનકધારા સ્તોત્ર અથવા તો શ્રીસુક્તનો પાઠ કરવો જોઈએ. માન્યતા અનુસાર આવું દર શુક્રવારે કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા જીવનભર અકબંધ રહે છે.
⦁ આ દિવસે દેવી લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ. જો કમળ ન મળે તો તમે માતાને લાલ ગુલાબ પણ અર્પિત કરી શકો છો. આ બંન્ને ફૂલ દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય મનાય છે. અને કહે છે કે જ્યારે તમે આસ્થા સાથે આ પુષ્પ દેવીને અર્પણ કરો છો, ત્યારે તે આપને જીવનમાં સફળતા અને પ્રગતિના આશીર્વાદ પ્રદાન કરે છે.
⦁ શુક્રવારે કમલગટ્ટાની એટલે કે કમળકાકડીની માળાથી માતા લક્ષ્મીના ફળદાયી મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ. આ મંત્ર છે. “ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મી નમઃ”
⦁ કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ અર્થે શુક્રવારના રોજ દેવી લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરવો જોઈએ. માતાને આ પ્રસાદ ધરાવ્યા બાદ તેને કુંવારિકાઓમાં એટલે કે નાની બાળકીઓમાં વહેંચી દેવો જોઈએ. કહે છે કે તેનાથી તમારી મનોવાંચ્છિત ઈચ્છા પરિપૂર્ણ થાય છે.
ધનપ્રાપ્તિનો વિશેષ ઉપાય
દરેક વ્યક્તિની મનશા હોય છે કે તેની સંપત્તિમાં વૃદ્ધિ થાય. આ માટે શુક્રવારના રોજ એક વિશેષ ઉપાય અજમાવો. પાંચ લાલ રંગના પુષ્પ લો. તમે કોઈપણ પુષ્પ લઈ શકો છો. પણ, તે લાલ રંગનું હોય તે ધ્યાન રાખો. તે પાંચ પુષ્પને હાથમાં લઇ દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. અને પછી તે પુષ્પને ઘરની તિજોરીમાં અથવા તો ધન રાખવાની જગ્યા પર મૂકી દો. કહે છે કે તેનાથી માતા લક્ષ્મી સવિશેષ પ્રસન્ન થાય છે. અને ઘરની તિજોરી સદૈવ ધનથી ભરાયેલી જ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)