fbpx
Wednesday, December 25, 2024

આદિત્ય હૃદય સ્તોત્રથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે! જાણો, આ સ્તોત્રથી શ્રીરામનું કયું મનોરથ થયું હતું સિદ્ધ?

આદિત્ય હૃદયમ્ સ્તોત્ર એટલે તો આદિત્યનારાયણના હૃદયને ઝડપથી સ્પર્શતો સ્તોત્ર ! સૂર્ય નારાયણની પરમકૃપાને પ્રાપ્ત કરાવતો સ્તોત્ર ! આ સ્તોત્રને “આદિત્ય હૃદયમ્” કે “આદિત્ય હૃદય” તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા એવી છે કે જે વ્યક્તિ આસ્થા સાથે નિત્ય જ આ સ્તોત્રનું પઠન કરી દે છે, તે આ જગમાં બધું જ પ્રાપ્ત કરી શકે છે.

કારણ કે, આ સ્તોત્ર મંગળમાં પણ અત્યંત મંગળકારી મનાય છે. એટલું જ નહીં, તે દરેક કાર્યમાં વિજયની પ્રાપ્તિ કરાવનારો પણ છે. જીવનના અનેક પ્રકારના કષ્ટોનું તે એકમાત્ર નિવારણ મનાય છે ! શારીરિક અને માનસિક વ્યાધિને હરવાનું તેનામાં સામર્થ્ય છે. કહે છે કે તે તો અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી દે છે. ત્યારે આવો, આવો આજે એ જાણીએ કે આ સ્તોત્રનો સર્વ પ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ? અને તેની મદદથી સર્વ પ્રથમ કોણે પોતાના મનોરથને સિદ્ધ કર્યું હતું ?

આદિત્ય હૃદયમ્ સ્તોત્રનો મહિમા

આદિત્ય હૃદયમ્ સ્તોત્ર એ તો શત્રુઓ પર પણ વિજયની પ્રાપ્તિ કરાવનારો છે. વાસ્તવમાં આ સ્તોત્રનો સર્વ પ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં જોવા મળે છે. કહે છે કે આ સ્તોત્રની મદદથી જ સ્વયં શ્રીરામચંદ્રજીએ પણ તેમના શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ કરી હતી ! આખરે, કોણે શ્રીરામને સંભળાવ્યો હતો આ સ્તોત્ર ? અને આ સ્તોત્રની મદદથી શ્રીરામે તેમના કયા મનોરથની કરી હતી પૂર્તિ ? આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

વાલ્મીકિ રામાયણમાં વર્ણિત કથા

આદિત્ય હૃદયમ્ સ્તોત્રનો ઉલ્લેખ વાસ્તવમાં વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડમાં જોવા મળે છે. કહે છે કે તે આ જ સ્તોત્ર હતો કે જેની મદદથી શ્રીરામચંદ્રજીને રાવણનો વધ કરવામાં સફળતા મળી હતી. વાલ્મીકિ રામાયણમાં વર્ણીત કથા અનુસાર રાવણના વિવિધ યોદ્ધાઓ સાથે સતત લડતા લડતા શ્રીરામચંદ્રજી થોડાં થાકી ગયા હતા. પણ, રાવણ સામે યુદ્ધ કરવા તે એટલાં જ આતુર હતા. ત્યાં જ રાવણ યુદ્ધ માટે તેમની સામે આવીને ઊભો રહી ગયો.

કહે છે કે આ સમયે અગસ્ત્ય મુનિ દેવતાઓ સાથે યુદ્ધ નિહાળવા આવ્યા હતા. તે સીધાં જ શ્રીરામ પાસે પહોંચી ગયા. અને બોલ્યા, “સૌના હૃદયમાં રમણ કરવાવાળા મહાબાહો રામ ! જરાં આ સનાતન ગોપનીય સ્તોત્રને ધ્યાનથી સાંભળો ! હે વત્સ ! આના જાપથી તમે યુદ્ધમાં બધાં શત્રુઓ પર વિજય મેળવી લેશો. આ અત્યંત ગોપનીય સ્તોત્રનું નામ છે ‘આદિત્ય હૃદય’ !” કહે છે કે આમ બોલી અગસ્ત્યમુનિએ શ્રીરામને આદિત્ય હૃદયમ્ સ્તોત્રના પાઠનું મહત્વ જણાવ્યું. તેનાથી પ્રાપ્ત થનારા લાભની વાત કરી અને ત્યારબાદ સ્તોત્ર સંભળાવ્યો. પછી તે બોલ્યા, “હે વત્સ ! હવે તમે એકાગ્રચિત થઈને સૂર્યનારાયણની પૂજા કરો. આ આદિત્ય હૃદયનો ત્રણવાર જપ કરવાથી તમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થશે અને તમે આ જ ક્ષણે રાવણનો વધ કરી શકશો !”

વાલ્મીકિ રામાયણમાં વર્ણિત કથા અનુસાર આમ બોલી અગસ્ત્યમુનિ પાછા ચાલ્યા ગયા. શ્રીરામચંદ્રજીનો બધો જ શોક દૂર થઈ ગયો. તેમણે પ્રસન્નચિતે ભગવાન સૂર્યનારાયણની સન્મુખ જોતા “આદિત્ય હૃદય”નો ત્રણ વખત જાપ કર્યો. શ્રીરામને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ. તેઓ રાવણ વધ માટે આગળ વધ્યા. કહે છે કે આ સમયે દેવતાઓની વચ્ચે ઊભેલા સૂર્યદેવે ખૂબ પ્રસન્ન થઈ શ્રીરામને જોયા. અને રાવણના વિનાશનો સમય નજીક જાણીને પ્રસન્નતાથી કહ્યું કે, “હે રઘુનંદન ! હવે જલ્દી કરો.” અને પછી શ્રીરામે રાક્ષસરાજ રાવણનો વધ કરી દીધો !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles