ભગવાન શિવ એટલે તો સદૈવ ભક્તોનું કલ્યાણ કરનારા દેવ. કહે છે કે તમે શિવજી પાસે આસ્થા કંઈક માંગો અને તે એ ન આપે, એવું ક્યારેય નથી બનતું. બસ, શ્રદ્ધા સાચી હોવી જોઈએ. મહાદેવ એટલા કરુણામય છે કે તેમના ભક્તોની પીડા ક્યારેય સહન નથી કરતા. ઘણીવાર એવું બને છે કે, વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારના સુખ હોય છે, પરંતુ, તે સંતાન સુખથી વંચિત હોય છે.
જો, ઘરમાં કોઈની કિલકારી ન ગુંજી રહી હોય તો બીજા તમામ સુખનો કોઈ અર્થ નથી રહેતો. તો, વળી ઘણીવાર એવું પણ બને છે કે મહિલાને સારા સમાચાર તો રહેતા હોય છે, પણ વારંવાર ગર્ભપાત થઈ જતો હોય છે. કહે છે કે, આ સંજોગોમાં મહાદેવની ઉપાસના આ મુશ્કેલીથી મુક્તિની પ્રાપ્તિ કરાવી શકે છે. આવો, જાણીએ કે તે માટે કઈ વિધિથી શિવજીની ઉપાસના કરવી જોઈએ.
શિવજી દેશે સંતાનના આશીર્વાદ !
⦁ જેમને ત્યાં શેર માટીની ખોટ છે, તે દંપતીએ એકસાથે જ આ પ્રયોગ કરવો. પતિ-પત્નીએ એકસાથે જ શિવ મંદિરમાં દર્શનાર્થે જવું.
⦁ “ૐ નમઃ શિવાય” બોલતા બોલતા એકસાથે જ શિવલિંગ પર જળાભિષેક કરવો.
⦁ મહાદેવને ધતૂરાના પુષ્પ અર્પણ કરવા.
⦁ પૂજાવિધિ સમાપ્ત થાય પછી પતિ-પત્ની બંન્નેવે શિવલિંગ સન્મુખ બેસીને જ શિવાષ્ટકનું પઠન કરવું.
⦁ શિવાલયમાં આઠ દિશાઓમાં ગાયના શુદ્ધ ઘીના 8 દીવા પ્રજવલિત કરો.
⦁ દીવા પ્રજ્વલિત કર્યા બાદ નંદીનો જળ અને દૂર્વાથી અભિષેક કરો.
⦁ આ સાથે જ સંતાન વાંચ્છુક દંપતીએ તેમના ઘરમાં પારાના શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. અને તેના પર નિયમિતપણે દૂધથી અભિષેક કરવો જોઈએ.
⦁ માન્યતા અનુસાર આ પૂજાવિધિથી પ્રસન્ન થઈને મહાદેવ દંપતીને સંતાનના આશીર્વાદ પ્રદાન કરે છે.
બાળક અસાધ્ય રોગથી પીડાતા હોય તો શું કરવું ?
⦁ ઘણીવાર એવું બને છે કે સંતાનના આગમનના સમાચાર તો મળે છે, પરંતુ, તે જન્મ લે તે પહેલાં જ કોઈને કોઈ કારણસર મહિલાને ગર્ભપાત થઈ જતો હોય છે. તો, ક્યારેક એવું પણ બને છે, કે સંતતિ જન્મે છે તો ખરી પણ તે અસાધ્ય રોગથી પીડિત હોય તેવું બને છે.
⦁ એક માન્યતા અનુસાર ભયંકર સર્પદોષના લીધે આવું બનતું હોય છે. આ માટે ખાસ ઉપાય અજમાવવો જરૂરી બની જાય છે.
⦁ 5 ગ્રામનો સોનાનો નાગ બનાવી નાગપંચમીના દિવસે તેની સ્થાપના કરો.
⦁ આ સાપને દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી કોઈપણ એક સ્થાન પર, જ્યાં પણ શક્ય હોય ત્યાં લઈ જાવ.
⦁ જ્યોતિર્લિંગ સ્થાન પર તે સર્પની વિધિવત પૂજા કરો. અને ત્યારબાદ તેનું દાન કરી દો.
⦁ માન્યતા અનુસાર આ પૂજાથી કુંડળીમાં રહેલા દોષો દૂર થાય છે અને શ્રેષ્ઠ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)