સમગ્ર વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે. જેમાંથી આસો અને ચૈત્ર માસની નવરાત્રીને સાધનાની નવરાત્રી માનવામાં આવે છે. જ્યારે પોષ અને અષાઢ માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહે છે. તંત્ર સાધકોમાં આ નવરાત્રીનો સવિશેષ મહિમા રહેલો છે. ચૈત્ર માસની નવરાત્રી ચૈત્રી નવરાત્રી તરીકે પ્રસિદ્ધ છે.
આ નવરાત્રી ભક્તોને આદ્યશક્તિ જગદંબાની કૃપાને પ્રાપ્ત કરાવી વિધ વિધ મનોરથોને સિદ્ધ કરનારી છે. આ વખતે 22 માર્ચ, બુધવારથી આ નવરાત્રીનો પ્રારંભ થશે. કહે છે કે આ નવરાત્રી દરમિયાન વિધ વિધ ઉપાયો અજમાવીને સાધક માતા મહાલક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકે છે અને આર્થિક લાભ પણ મેળવી શકે છે. ત્યારે અમે આજે આપને કોડીનો એક એવો ઉપાય જણાવવા માંગીએ છીએ કે જેનો આ ચૈત્રી નવરાત્રીમાં પ્રયોગ કરીને તમે તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરી શકશો. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
7 કોડી તમને બનાવશે ધનવાન !
⦁ કોડીને ધન પ્રાપ્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. એટલે આ ચૈત્રી નવરાત્રીની પૂજા દરમિયાન તમારે આ કોડીનો વિશેષ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ.
⦁ તમે જો આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા હોવ, દેવામાં ફસાયા હોવ કે મહેનત કરવા છતાં નાણાંની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ આ ઉપાયનું અનુસરણ કરો.
⦁ નવરાત્રીના અવસર પર કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને આપણે ઘટસ્થાપન પણ કહીએ છીએ. તમે જ્યારે આ ઘટસ્થાપના કરો ત્યારે માતાજીની મૂર્તિ કે છબીની પાસે 7 કોડી મૂકો.
⦁ આ 7 કોડી પર સિંદૂરનો છંટકાવ કરો.
⦁ નવ દિવસ જ્યારે જ્યારે તમે દેવી ઉપાસના કરો ત્યારે ત્યારે આ કોડીને પણ સિંદૂર અર્પણ કરો.
⦁ નવરાત્રીનું અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ આ 7 કોડીઓને એક પીળા રંગના વસ્ત્રમાં બાંધી લો.
⦁ તે પીળી પોટલીને ઘરની તિજોરીમાં અથવા તો ધન રાખવાની જગ્યા પર મૂકી દો.
⦁ માન્યતા અનુસાર ચૈત્રી નવરાત્રી દરમિયાન કોડીનો આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી જાય છે. એટલું જ નહીં, જો તમારું ધન ક્યાંય અટવાઈ ગયું હોય, કોઈને ઉધાર આપેલા નાણાં પરત ન મળી રહ્યા હોય, તો તેની પણ પ્રાપ્તિ થઈ જાય છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)