બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માતા ભગવતીને પ્રસન્ન કરવા પૂજા-પાઠ કરે છે. મંત્રનું અનુષ્ઠાન કરે છે. તો કેટલાંક દુર્ગા સપ્તશતીનું પઠન પણ કરે છે. પણ, ઘણીવાર શ્રદ્ધાળુઓને ઇચ્છા હોવા છતાં તે દુર્ગા સપ્તશતીનું પઠન કરવા અસમર્થ રહે છે. કારણ કે, તે ખૂબ જ વિસ્તૃત છે.
આ સંજોગોમાં અમે આપને એ જણાવીએ કે ઓછા સમયમાં કેવી રીતે દુર્ગા સપ્તશતીના પૂર્ણ ફળની પ્રાપ્તિ કરી શકાય ? આ એ રહસ્ય છે કે જે સ્વયં મહાદેવે દેવી પાર્વતીને જણાવ્યું હોવાની માન્યતા પ્રચલિત છે. આવો, આજે તે અંગે વિગતે જાણીએ.
દુર્ગા સપ્તશતીનો મહિમા
⦁ દુર્ગા સપ્તશતીના 13 અધ્યાયમાં 700 શ્લોકો દ્વારા મા દુર્ગાની આરાધના કરવામાં આવી છે.
⦁ આ 13 અધ્યાયમાં દેવીના 3 ચરિત્ર વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ ચરિત્રને પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર એવાં નામોથી ઓળખવામાં આવે છે.
⦁ દુર્ગા સપ્તશતીના પહેલા અધ્યાયમાં પ્રથમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મા કાલીની આરાધના કરવામાં આવી છે.
⦁ દુર્ગા સપ્તશતીના બીજાથી લઇને ચોથા અધ્યાયમાં માના મધ્યમ ચરિત્ર વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં મહાલક્ષ્મીની આરાધના કરવામાં આવી છે.
⦁ પાંચથી લઇને તેરમા અધ્યાય સુધી ઉત્તમ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં મા સરસ્વતીની આરાધના કરવામાં આવી છે.
⦁ કહે છે કે આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.
ઓછા સમયમાં દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ લાભ !
⦁ જો આપ ઓછા સમયમાં દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ લાભ મેળવવા ઇચ્છતા હોવ તો તેના માટે આપે સૌપ્રથમ કવચ, કીલક અને અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો જોઇએ. અને ત્યારબાદ સિદ્ધકુંજિકા સ્તોત્રનું પઠન કરવું જોઈએ.
⦁ કહે છે કે ઉપરોક્ત રીતે પઠન કરવાથી આપને દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠનું ફળ પ્રાપ્ત થાય છે !
⦁ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવે સ્વયં માતા પાર્વતીને આ ઉપાય જણાવ્યો હતો !
⦁ માન્યતા અનુસાર જે વ્યક્તિ ઉપરોક્ત રીતથી પાઠ કરે છે, તેને મા દુર્ગાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. અને તેની તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
⦁ દુર્ગા સપ્તશતીનું પઠન વ્યક્તિને શત્રુઓથી પણ મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.
⦁ જે લોકો કોર્ટ કેસમાં ફસાયેલા હોય, તેમણે ખાસ કરીને આ દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઇએ. જો આપ સત્યની સાથે હશો તો આ પાઠ કરવાથી આપના પક્ષમાં ઉકેલ જરૂરથી આવશે.
⦁ ખાસ ધ્યાન એ વાતનું રાખો કે દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા બાદ દાન જરૂરથી કરવું જોઈએ. આ રીતે દાન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થઇને આપને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરે છે અને આપના માર્ગમાં આવનાર તમામ પરેશાનીઓને દૂર કરે છે !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)