ભગવાન શિવ અને માતા પાર્વતીનો તહેવાર છે ગણગૌર.ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. કુંવારીકાઓ આ વ્રત રાખે છે તો તેઓને મનપસંદ જીવનસાથીની કામના પૂર્ણ થાય છે. પરિણીત મહિલાઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે છે.
આ દિવસે નિયમ પ્રમાણે શિવ ગૌરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ પણ અખંડ સૌભાગ્યની ઈચ્છા સાથે તપસ્યા કરી હતી. આ તપના કારણે ભગવાન શિવ તેમને પતિ તરીકે મળ્યા. આ દિવસે ભગવાન શિવે દેવી પાર્વતીને આશીર્વાદ આપ્યા હતા અને દેવી પાર્વતીએ મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું હતું. તેથી જ આ દિવસથી ઉપવાસની પ્રથા ચાલુ થઇ હતી. આ તહેવારમાં કેટલાક ઉપાયો અજમાવવાથી આપના દાંપત્યજીવનમાં મિઠાસ જળવાઇ રહે છે.
હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસમાં સુદ પક્ષની ત્રીજને ગણગૌર ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ વ્રત 24 માર્ચે ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં ગણગૌર પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે વિવાહિત દંપતી એવી કામના કરે છે કે તેમનું દાંપત્યજીવન ભગવાન શિવ અને માતા પાર્વતીની જેમ શુભ અને ખુશહાલ રહે. માન્યતા છે કે આ પર્વમાં મહિલાઓ માટીથી બનેલ ગણગૌર એટલે કે શિવ-પાર્વતીની પૂજા કરે છે અને આ પ્રતિમાને પૂજા બાદ પવિત્ર સ્થાન કે નદીમાં વિસર્જિત કરવામાં આવે છે.
ગણગૌરનું મહત્વ
ગણગૌર ત્રીજ કુંવારી અને વિવાહિત મહિલાઓ પોતાના સૌભાગ્ય અને સારા જીવનસાથીની કામના માટે કરે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. 16 દિવસ ચાલતા આ પર્વનું સમાપન ચૈત્ર માસની સુદ પક્ષની ત્રીજના દિવસે થાય છે. આ દિવસે કુંવારીકાઓ, વિવાહિત અને નવવિવાહિત મહિલાઓ નદી, તળાવ પર જઇને પૂજા વિધિ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની માટીથી બનેલી પ્રતિમાને જળમાં વિસર્જિત કરે છે. આ વ્રત મહિલાઓ પોતાના સૌભાગ્યમાં વૃદ્ધિ માટે કરે છે.
ગણગૌર વ્રતના ઉપાયો
ગણગૌર પર્વ પર કેટલાય જ્યોતિશીય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેને અજમાવવાથી આપના દાંપત્યજીવનમાં મિઠાસની પ્રાપ્તિ થશે. સાથે જ આ ઉપાયો અજમાવવાથી વ્યક્તિની દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે. તો ચાલો જાણીએ એવા કેટલાક સરળ ઉપાયો વિશે.
શિવમહાપુરાણ અનુસાર ગણગૌર પર્વમાં શિવને સફેદ આંકડાના પુષ્પ અર્પિત કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.
ગણગૌર ત્રીજ પર માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધના કરતાં સમયે દેવીને સૌભાગ્યની સામગ્રીઓ અર્પણ કરવી અને ભગવાન શિવને સફેદ વસ્ત્ર અર્પણ કરવા.
ગણગૌર પર્વના દિવસે માતા પાર્વતીને દૂધ અર્પણ કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
પરિવારમાં ખુશહાલી અને સુખી જીવન માટે આ દિવસે માતા પાર્વતીને કેળાનો ભોગ અર્પણ કરવો અને ગરીબોમાં તે કેળાને વહેંચી દેવા.
ગણગૌર ત્રીજના દિવસે જો માતા પાર્વતીને માલપુઆનો ભોગ અર્પણ કરીએ અને તે માલપુઆને દાન કરવામાં આવે તો દરેક પ્રકારની સમસ્યા આપમેળે જ દૂર થઇ જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)