સ્કંદમાતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે. એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે ! જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પર પુત્રની જેમ જ કૃપાદૃષ્ટિ રાખે છે. રૂડા નવરાત્રી મહોત્સવનું આજે પાંચમું નોરતું પણ આવી પહોંચ્યું. આસો નવરાત્રી એ વિશ્વનો સૌથી લાંબો નૃત્યોત્સવ મનાય છે. અને તે જ રીતે નવદુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ નવરાત્રીનો અવસર શ્રેષ્ઠત્તમ મનાય છે. એમાં પણ પાંચમું નોરતું એટલે દેવી દ્વારા અપાર વાત્સલ્યને પ્રાપ્ત કરવાનો દિવસ ! તેમના ભક્તો પર પુત્ર સરીખો સ્નેહ વરસાવતી મા સ્કંદમાતાના પૂજન અર્ચનનો દિવસ.
સ્કંદમાતા મહિમા
પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કન્દમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે. જેમનું એક નામ છે સ્કંદ. અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. નવરાત્રીના પાંચમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે. જેને લીધે તેમને ‘પદ્માસના દેવી’ પણ કહેવાય છે. દેવીનો વર્ણ શુભ્ર, સફેદ છે.
સ્કંદમાતાની પૂજન વિધિ
⦁ સ્કંદમાતાના પૂજન સમયે પીળા રંગના પુષ્પથી દેવીની ઉપાસના કરવી જોઇએ.
⦁ માતાને નૈવેદ્યમાં કેળા અર્પણ કરવા જોઇએ.
⦁ માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે આજે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. લીલા રંગના વસ્ત્ર ધારણ કરવાથી સાધકને શાંતિ અને સ્થિરતાની ભાવનાની અનુભૂતિ થાય છે.
ફળદાયી મંત્ર
| ૐ એં હ્રીં ક્લીં સ્કંદમાતાયૈ નમ : ||
સ્કંદમાતાની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
ફળપ્રાપ્તિ
સ્કંદમાતાના રૂપમાં દેવી તેમના પુત્ર કાર્તિકેયની સાથે છે. એટલે કે આ રૂપમાં દેવી સંપૂર્ણપણે મમતા વરસાવતા જોવા મળે છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામની સાથેનું સંબોધન સારું લાગે છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે. એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન આસ્થા સાથે સ્કંદમાતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સાધકને બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)