fbpx
Monday, December 23, 2024

રામનવમીનો આ સરળ ઉપાય વિવાહિત જીવનની પરેશાનીઓ દૂર કરશે, જાણો કેવી રીતે મળશે સિયારામની કૃપા?

રામનવમી એટલે એ અવસર કે જે દિવસે શ્રીવિષ્ણુના મર્યાદાપુરુષોત્તમ રૂપનું આ ધરતી પર પ્રાગટ્ય થયું હતું. આ વખતે 30 માર્ચ, ગુરુવારના રોજ રામનવમીની ઉજવણી થશે. ચૈત્ર માસના સુદ પક્ષની આ નવમી તિથિ અત્યંત કલ્યાણકારી મનાય છે. અને તેની સાથે જ તે અનેકવિધ કામનાઓની પૂર્તિ કરનારી પણ છે. રામનવમીના અવસરે તમે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને વિવિધ મનોરથોને સિદ્ધ કરી શકો છો.

અને સાથે જ તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ પણ મેળવી શકો છો. ત્યારે આવો જાણીએ કે આ રામનવમીના અવસરે તમારે કયા કયા કાર્ય જરૂરથી કરવા જોઈએ.

મંદિરમાં સીતા-રામની પૂજા કરો

રામનવમીના દિવસે મંદિરમાં જઇને માતા સીતા અને પ્રભુ શ્રીરામની એકસાથે પૂજા કરવી જોઇએ. આ ઉપાયથી આપની ઇચ્છા જરૂર પૂર્ણ થશે. એટલું જ નહીં, આપને ધન લાભની પ્રાપ્તિ પણ થશે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે. જો આપ મંદિર ન જઇ શકો તો આ દિવસે ઘરમાં જ સીતામાતા અને શ્રીરામનું એકસાથે પૂજન કરવું અને તેમને પીળા રંગની વસ્તુઓનો ભોગ અર્પણ કરવો.

પીળા ચંદનનું તિલક લગાવો

રામનવમીના દિવસે શ્રીરામનું પૂજન કરતાં સમયે તેમની છબી કે ચિત્રને પીળા ચંદનનું તિલક લગાવવું જોઇએ અને પછી એ તિલકથી જ આપના મસ્તક પર તિલક કરવું. આ ઉપાયથી આપના જીવનના દરેક કષ્ટ દૂર થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહેશે.

પીળા રંગના વસ્ત્રોનું દાન કરો

કહે છે કે શ્રીહરિ વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે અને શ્રીરામ પણ તો શ્રીવિષ્ણુનો જ અવતાર છે. એ જ કારણ છે કે રામનવમીના અવસરે પીળા રંગના વસ્ત્રનું દાન કરવાનો મહિમા છે. શક્ય હોય તો તમારે પણ આ દિવસે પીળા રંગના વસ્ત્રનું દાન કરવુ જોઈએ. આ દિવસે કોઈ મંદિરમાં ભગવાન શ્રીરામ માટે પીળા વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી પ્રભુ આપની તમામ ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે.

રામચરિત માનસના પાઠ કરો

જો આપ રામનવમીના દિવસે રામચરિત માનસનો પાઠ સમગ્ર પરિવાર સાથે બેસીને પૂર્ણ શ્રદ્ધા સાથે કરશો અને તેનો પ્રસાદ દરેક લોકોને વહેંચશો તો આપને શ્રીરામના આશીર્વાદની પ્રાપ્તિ થશે ! એટલું જ નહીં, આપની આર્થિક સ્થિતિ પણ સારી બની રહેશે.

સુંદરકાંડનું પઠન કરો

જો આપ સમગ્ર રામચરિત માનસનો પાઠ ન કરી શકો તો આપે રામનવમીના દિવસે સુંદરકાંડનું પઠન તો જરૂરથી કરવું જોઈએ. કહે છે કે આ પાઠ કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે.

ગરીબોને ભોજન કરાવો

જો આપ રામનવમીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદને ભોજન કરાવશો તો તે આપના માટે સવિશેષ ફળદાયી બની રહેશે અને આપની આર્થિક પ્રગતિ અને ઉન્નતિ થશે. આ દિવસે આપ કોઇ ગરીબને પોતાના સામર્થ્ય અનુસાર જરૂરિયાતની વસ્તુઓ દાન પણ કરી શકો છો. તેનાથી આપને શ્રીરામની વિશેષ કૃપા મળશે અને આપની મનોકામનાની પૂર્તિ થશે.

ગાયને ઘીવાળી રોટલી ખવડાવો

એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુને ગાય અત્યંત પ્રિય છે. એટલે રામનવમીના દિવસે ગાયને ઘી અને ગોળ લગાવેલી રોટલી ખવડાવવી જોઈએ. તેનાથી પણ કામનાપૂર્તિના આશીર્વાદ મળે છે. આ વખતે રામનવમી ગુરુવારે છે. માન્યતા અનુસાર સળંગ 11 ગુરુવાર સુધી આ પ્રયોગ કરવાથી તમને શ્રીવિષ્ણુના શુભ આશિષની પ્રાપ્તિ થાય છે.

માતા સીતાના ચરણોમાં સિંદૂર લગાવો

જો તમારે જીવનસાથી સાથે સતત મતભેદ સર્જાઈ રહ્યા હોય તો રામનવમીએ જરૂરથી આ ઉપાય કરો. રામનવમીએ પતિ અને પત્ની બંન્નેવે સાથે મળીને રામ અને સીતાજીનું પૂજન કરવું. ત્યારબાદ માતા સીતાના ચરણોમાં સિંદૂર અર્પણ કરવું. અને પછી પત્નીએ તે જ સિંદૂરને પોતાના સેંથામાં પૂરવું. આ વિધિ બાદ સિયારામ સમક્ષ પ્રાર્થના કરવી કે દાંપત્યજીવનમાં મીઠાશ રહે. કહે છે કે આ ઉપાય કરવાથી દાંપત્યજીવનના મતભેદો દૂર થાય છે અને લગ્નજીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles