રામ નવમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. રામનવમી આ વર્ષે 30 માર્ચે છે. પંચાંગ અનુસાર, રામ નવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે કારણ કે ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં બપોરે થયો હતો. તેમનો જન્મ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે સૂર્યવંશમાં થયો હતો. આ વર્ષે રામ નવમી વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ વખતે રામનવમી પર 8 શુભ યોગ બની રહ્યા છે. બુધાદિત્ય યોગ, કેદાર યોગ, ગુરુ આદિત્ય યોગ આ દિવસે રચાય છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય યોગ, રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ રચાઇ રહ્યો છે. એટલું જ નહીં આ સાથે ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ ગુરુવારનો પણ સંયોગ છે.
રામનવમી : તિથિ અને મુહૂર્ત
રામનવમી 30 માર્ચે ઉદયતિથિ અને મધ્યાહન જન્મોત્સવ મુહૂર્તના આધારે ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ 29મી માર્ચ બુધવારના રોજ રાત્રે 09:07 વાગ્યાથી 30મી માર્ચના રોજ રાત્રે 11:30 વાગ્યા સુધી છે.
રામ નવમીની પૂજાની રીત
30 માર્ચે સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થાન પર રામ દરબારની મૂર્તિ અથવા ચિત્ર અથવા રામલલાની મૂર્તિ સ્થાપિત કરો. તે પછી ગંગાજળથી તેનો અભિષેક કરો. તેમને કપડાં અર્પણ કરો. અક્ષત, ચંદન, કમળનું ફૂલ, તુલસીના પાન, પંચામૃત, ધૂપ, દીવો, નૈવેદ્ય, ફળ, ફૂલ, માળા વગેરે અર્પણ કરો. શ્રદ્ધાપૂર્વક ત્યાર પછી રામચરિતમાનસનો પાઠ કરો. જો તમારી પાસે સમય ઓછો હોય તો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. ત્યાર બાદ રામ દરબારની આરતી કરો. આ રીતે પુજા કરી તમે ભગવાન રામને પ્રસન્ન કરી શકો છો.
રામ નવમી 8 શુભ યોગોમાં છે
કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટના જણાવ્યા અનુસાર 30 માર્ચે રામ નવમીના દિવસે મીન રાશિમાં ગુરુ, સૂર્ય અને બુધની હાજરીને કારણે બુધાદિત્ય યોગ અને ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે. આ સિવાય આ જ દિવસે મિથુન રાશિમાં ચંદ્ર અને મંગળની હાજરી પણ હશે. કુંભ રાશિમાં શનિ અને મેષ રાશિમાં શુક્ર હોવાના કારણે કેદાર યોગ પણ બની રહ્યો છે. આ ત્રણ શુભ યોગની સાથે સાથે રામ નવમી પર દિવસભર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે, જ્યારે ગુરુ પુષ્ય યોગ અને અમૃત સિદ્ધિ યોગ રાત્રે 10.59 થી રચાય છે, જે 31 માર્ચે સવારે 06.13 સુધી છે. આ સિવાય ગુરુવારનો દિવસ પણ શુભ સંયોગ માનવમાં આવે છે.
રામ નવમી 2023: પૂજા અને મુહૂર્ત
આ વર્ષે 30 માર્ચે, રામ નવમીના દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે 11:11 થી બપોરે 01:40 સુધીનો રહેશે. આ દિવસે પુનર્વસુ નક્ષત્ર રાત્રે 10.59 સુધી છે. રામ ભગવાનના પૂજા મુહૂર્તના સમયમાં લાભ-ઉન્નતિ મુહૂર્ત પણ બપોરે 12:26 થી 01:59 સુધી છે. આ મુહૂર્તમાં પૂજા કરવાથી પ્રગતિ થશે. આ દિવસે બપોરે રામલલાની જન્મજયંતિ માટે લગભગ અઢી કલાકનો શુભ સમય રહેશે.
રામ નવમી પર શિવવાસ સંયોગ
આ વખતે રામ નવમીના દિવસે શિવવાસનો સંયોગ પણ બની ગયો છે. આ દિવસે ભગવાન શિવ રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ગૌરી પાર્વતી સાથે રહે છે. આ દિવસે રૂદ્રાભિષેક કરવા ઇચ્છતા લોકો માટે રામ નવમીનો દિવસ શુભ છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)