આજે ચૈત્ર સુદ નવમીનો અવસર છે. આ નવમી એટલે તો રામનવમી. મર્યાદાપુરુષોત્તમ શ્રીરામચંદ્રજીનો જન્મદિવસ. કહે છે કે આ જ તિથિ પર શ્રીવિષ્ણુના રામાવતારનું આ ધરતી પર પ્રાગટ્ય થયું હતું. તો, આજે ચૈત્રી નવરાત્રીની પણ પૂર્ણાહુતિ થશે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ તથા ગુરુ પુષ્ય યોગનો સંયોગ બની રહ્યો છે.
આ યોગમાં કરવામાં આવતા કાર્યમાં વિશેષ સફળતાની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો આજે આપને એ જણાવીએ કે આજે શેનું પઠન કરવાથી તમને પ્રભુ રામચંદ્રજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે. તમારા જીવનના તમામ સંકટ દૂર થશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે.
“રામ” નામ જાપનો મહિમા
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામનું પૂજન કરતા સમયે રામ નામનો જાપ જરૂરથી કરવો જોઈએ. કહે છે કે તેનાથી જીવનમાં સુખ અને ખુશહાલીનું આગમન થાય છે.
હનુમાન ચાલીસાનો પાઠ
કહે છે કે હનુમાનજીના હૃદયમાં શ્રીરામ છે, તો રામચંદ્રજીના હૃદયમાં હનુમાનજી છે. એટલે આજે રામનવમીના દિવસે હનુમાનજીના ગુણગાન કરવા જોઈએ અને હનુમાન ચાલીસાનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ. માન્યતા અુસાર તેનાથી જાતક પર શ્રીરામ અને હનુમાનજી બંન્નેવની કૃપા સદૈવ વરસતી જ રહે છે.
રામ રક્ષા સ્તોત્રના પઠનથી સંકટ મુક્તિ
રામનવમીના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ જરૂરથી કરવો જોઇએ. તેના પઠનથી જીવનના દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. તેમજ આપની અને આપના પરિવારની શ્રીરામચંદ્રજી રક્ષા કરે છે.
રામચરિતમાનસનો પાઠ કરો
રામનવમીના દિવસે રામાયણનો અથવા તો રામચરિતમાનસનો પાઠ કરવો જોઈએ. તમે તેનું પઠન ન કરી શકો તો તેનું શ્રવણ કરવું જોઈએ. કહે છે કે આ પઠનથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપના જીવનના તમામ દુઃખનો નાશ થાય છે.
સુંદરકાંડનું પઠન કરો
રામનવમીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અથવા તો કરાવવો જોઈએ. માન્યતા અનુસાર સુંદરકાંડનો પાઠ વ્યક્તિના જીવનને પણ સુંદર બનાવી દે છે. તેનાથી જીવનમાં મંગળ જ મંગળ થાય છે. સુંદરકાંડ એ શ્રીરામના હૃદયની સૌથી વધુ નજીક મનાય છે. કારણ કે, તેના દ્વારા જ તેમને સીતાજીના લંકામાં હોવાની જાણકારી મળી હતી.
આર્થિક સંકટને હરશે રામાષ્ટક !
જો આપ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો આપે આજે વિધિપૂર્વક રામાષ્ટકનો પાઠ કરવો જોઈએ. રામાષ્ટકને રામાષ્ટકમ્ પણ કહે છે. આ પાઠ કરવાથી અચાનક જ ધનપ્રાપ્તિના યોગ સર્જાતા હોવાની માન્યતા પ્રચલિત છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)