વર્ષની દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વર્ણન શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. આ એકાદશીને ખૂબ શુભ માનવામાં આવે છે. આ એકાદશી કામદા એકાદશીના નામે ઓળખાય છે. આ વ્રત ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશીએ આવે છે. માન્યતા છે કે કામદા એકાદશીનું વ્રત કરવાથી અને આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપનો નાશ થાય છે.
તો ચાલો જાણીએ કામદા એકાદશીની વ્રત અને પૂજા વિધિ.
કામદા એકાદશી વ્રતપૂજા
⦁ સવારે બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો.
⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે ભગવાન કૃષ્ણની આરાધના કરો. તેમને પીળા રંગના પુષ્પ, પંચામૃત , તુલસીદળ અને ફળ અર્પણ કરો.
⦁ ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરો.
⦁ મંત્ર જાપ પછી વ્રતનો સંકલ્પ લેવો.
⦁ સમગ્ર દિવસ દરમ્યાન ફળાહાર કરવું.
⦁ ફળાહાર જો સંભવ ન થાય તો સાંજે એકટાણું કરવું. એકટાણામાં બને તો સાત્વિક ભોજન જ લેવું.
⦁ વ્રતના બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કે ભોજન કરાવવું.
સંતાન પ્રાપ્તિ અર્થે
કામદા એકાદશીના દિવસે પતિ-પત્નીએ સાથે બેસીને પૂજા કરવી અને ભગવાન કૃષ્ણને પીળા રંગના ફળ અને પીળા રંગના પુષ્પ અર્પિત કરવા. પછી સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્રની ઓછામાં ઓછી 11 માળાનો જાપ કરવો જોઇએ. ત્યારબાદ પત્નીએ પૂજામાં રાખેલ પીળા રંગના ફળને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઇએ. આ ઉપાય કરવાથી આપને સંતાનની પ્રાપ્તિ થશે
ધન પ્રાપ્તિ અર્થે
પૂજામાં ભગવાન વિષ્ણુને પીળા રંગના પુષ્પોની માળા અવશ્ય અર્પણ કરવી.
‘ૐ હ્રીં શ્રીં લક્ષ્મીવાસુદેવાય નમઃ’ મંત્રની ઓછામાં ઓછી 11 માળા કરવી. આ ઉપાય કરવાથી આપને આર્થિક લાભની પ્રાપ્તિ થશે.
પાપ નાશ અર્થે
ભગવાન શ્રીવિષ્ણુને ચંદનની માળા અર્પિત કરવી અને ત્યારબાદ
‘ૐ ક્લીં કૃષ્ણાય નમઃ’ આ મંત્રની 11 માળાનો જાપ કરવો. ભગવાનને અર્પણ કરેલ ચંદનની માળાને પોતાની પાસે રાખી લો. આ ઉપાયથી આપના પાપોનું પ્રાયશ્ચિત થશે તેમજ પાપવૃત્તિથી આપને છૂટકારો મળશે અને આપની નામના તેમજ યશમાં વૃદ્ધિ થશે.
પિતૃઓની આત્માની શાંતિ અર્થે
એકાદશીની સાંજે કે રાત્રે ભગવાન શ્રીવિષ્ણુ સમક્ષ બેસવું. તેમને પીળા રંગના પુષ્પ અને ચંદન અર્પણ કરો. ત્યારબાદ ભગવદ ગીતાના 11માં અધ્યાયનો પાઠ કરો. આ ઉપાય કરીને આપના પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)