વૈદિક જ્યોતિષના જાણકારોના મતે 31 માર્ચ, શુક્રવારે બુધ ગ્રહનું મેષ રાશિમાં ગોચર થશે. પોતાની નીચની રાશિ મીનમાંથી નીકળીને બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહનું આ ગોચર 6 રાશિના જાતકોને સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવશે. તો ચાલો જાણીએ કે કઈ છે આ રાશિઓ અને તેમને કેવાં લાભની થવાની છે પ્રાપ્તિ ?
મેષ રાશિ
આ રાશિના જાતકો માટે બુધનું ગોચર લગ્નમાં જ થશે. બુધના આ ગોચરના કારણે આપના સાહસમાં વૃદ્ધિ થશે. આપનું વ્યક્તિત્વ નિખરે તેવી શક્યતા છે. આ સમયે આપ પોતાની હાસ્યવૃત્તિથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. મીડિયા અને બેંકિંગ સાથે જોડાયેલ જાતકોને આ સમયે ધનની પ્રાપ્તિની શક્યતા છે. જો તમે નોકરી બદલવા ઇચ્છતા હોવ તો આ સમયે આપને સફળતાના સંપૂર્ણ યોગ છે. તમને ભાઇ અને મિત્રોની પણ સંપૂર્ણ મદદ મળી રહેશે.
મિથુન રાશિ
બુધ આપની રાશિના 11માં ભાવમાં પ્રવેશ કરશે. આ ભાવ આર્થિક લાભ અને મોટા ભાઇ-બહેનો સાથે સંબંધિત છે. આ ગોચરથી શુભ પ્રભાવ થશે અને આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આપ પહેલા કરતાં વધુ નાણાંની બચત કરી શકશો. તમારી મહેનત સફળ થશે અને આપને ધનલાભના શુભ અવસર પ્રાપ્ત થશે. આપની ઘણાં વર્ષોની મનોકામનાની પૂર્તિ થશે. આ સમય દરમ્યાન આપ જમીન, સંપત્તિની ખરીદી પણ કરી શકો છો. પરિવારમાં દરેક સાથે સંબંધો મજબૂત થશે અને વિદ્યાપ્રાપ્તિ માટે પણ આ સમય ખૂબ જ સારો છે. આ સમય દરમ્યાન બુધવારે પન્નાનું રત્ન સુવર્ણની વીંટીમાં બનાવડાવીને ધારણ કરવું જોઇએ. તે તમને વિશેષ લાભ કરાવશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે બુધનું ગોચર દશમ ભાવથી થશે એટલે કે કર્મ ભાવ છે. આ ભાવમાં બુધનું ગોચર સારા પરિણામ અપાવશે. કાર્યસ્થળ પર આપના કામની પ્રશંસા થશે. સાથે જ આપને નવી જવાબદારી પણ આપવામાં આવશે. આ સમયે પરિવારમાં માંગલિક કાર્યનું આયોજન પણ થઇ શકે છે. આ સમય દરમ્યાન આપની માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપને તેમના તરફથી આર્થિક મદદ પણ મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે બુધ પોતાની રાશિના નવમાં ભાવમાં ગોચર કરશે. આ ભાવ ભાગ્ય, પિતા, ધર્મ અને લાંબાગાળની યાત્રા દર્શાવે છે. ગોચરના પ્રભાવથી આ સમયે ભાગ્ય આપનો ખૂબ સાથે આપશે. વર્તમાન સમયમાં જે પ્રોજેક્ટ પર આપ કાર્ય કરો છો તેમાં આપને સફળતાના યોગ છે અને આપ ભવિષ્યમાં ધનનો સંચય પણ કરી શકશો. આપની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. આ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ આપનો લગાવ વધશે. દાન-પુણ્યના કાર્યમાં આપનો રસ વધશે. ક્યાંક યાત્રા માટે તમે ખર્ચ કરી શકો છો. જે લોકો દાર્શનિક, લેખક, સલાહકાર કે પછી શિક્ષક છે તેમને તેમના જ ક્ષેત્રમાં સારી તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને આગળ વધવાની તક પ્રાપ્ત થશે. પિતા અને ગુરુનું સંપૂર્ણ માર્ગદર્શન આપને મળશે અને એ આપના માટે મદદરૂપ સાબિત થશે. નાના ભાઇ-બહેનો સાથે આપનો સંબંધ સારો રહેશે અને દરેક પ્રકારની સમસ્યામાં તેમનો સહયોગ મળશે. આ સમય દરમ્યાન આપે બુધવારે મગની દાળ ખાવી જોઇએ.
ધન રાશિ
બુધનું ગોચર ધન રાશિના પંચમ ભાવમાં પ્રવેશ કરશે. જે શિક્ષણ, પ્રેમ સંબંધ અને સંતાન ભાવ સાથે જોડાયેલ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકદમ શાનદાર સાબિત થશે. આપન માટે ઉચ્ચ અભ્યાસમાં નવા માર્ગ ખૂલશે. નોકરી શોધી રહ્યા હોય તેમના માટે પણ આ સમય ખૂબ સરસ છે. અંગત જીવનની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં શાંતિની પ્રાપ્તિ થશે અને જીવનસાથી સાથે આપના સંબંધો વધુ ગાઢ બનશે. જે લોકો લવ રિલેશનશીપમાં છે અને લગ્નનો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સારો સાબિત થશે. ભાગીદારીના ધંધા માટે પણ સારો સમય છે, જે સારો લાભ કરાવશે. આ સમય દરમ્યાન કન્યાઓને પેન, પેન્સિલ, નોકબુકનું દાન કરવું જોઇએ.
કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે બુધનું ગોચર ત્રીજા ભાવથી થશે જે પરાક્રમનો ભાવ છે. આ ભાવમાં વિરાજમાન બુધની કૃપાથી મીડિયા અને લેખન સાથે જોડાયેલ જાતકો માટે સારા પ્રદર્શનનો સમય છે. આપ આ સમયે કોઇ ધાર્મિક યાત્રા પર પણ જઇ શકો છો, જે તમને મદદરૂપ સાબિત થશે. ભાગ્ય પર બુધની દૃષ્ટિથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપારી વર્ગને આ સમયે ખૂબ જ મહેનત બાદ ધનની પ્રાપ્તિ થશે. અલબત્, આપને સારું રોકાણ કર્યા બાદ લાભની પ્રાપ્તિના યોગ સર્જાઈ રહ્યા છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)