fbpx
Monday, December 23, 2024

સરળ ઉપાયથી થશે ઘણી સમસ્યાઓનું નિરાકરણ, ભૂલ્યા વિના આજે જ કરો આ ઉપાય!

આજે કામદા એકાદશીનો રૂડો અવસર છે. કામદા એકાદશી અર્થાત્ અનેકવિધ કામનાઓને પરિપૂર્ણ કરનારી એકાદશી. આ એ દિવસ છે કે જે દિવસે સરળ ઉપાયો થકી આપ આપની મનોકામનાઓને સિદ્ધ કરી શકો છો. કહે છે કે આજના દિવસે શ્રીહરિનું સ્મરણ કરીને જે આ સરળ ઉપાયો અજમાવે છે તેના અનેકવિધ સંતાપો ટળી જાય છે. અને ભૌતિક સુખ-સગવડની તેને પ્રાપ્તિ થાય છે.

ત્યારે આવો, આજે આપણે પણ તે ઉપાયો વિશે જાણીએ.

ઋણ મુક્તિ અર્થે

આજે કામદા એકાદશીએ પીપળાના વૃક્ષમાં જરૂરથી જળ અર્પણ કરવું. ત્યારબાદ તેની 11 વખત પરિક્રમા કરવી અને તે સમયે વૃક્ષને સુતરનો દોરો બાંધતા જવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને ઋણ મુક્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલે કે તેના પરથી દેવાનો બોજ ઉતરી જાય છે ! ઉલ્લેખનીય છે કે આ દિવસે કોઈ મંદિરની 11 પ્રદક્ષિણા કરવાનો પણ સવિશેષ મહિમા છે.

ધંધામાં વૃદ્ધિ અર્થે

ધંધામાં વૃદ્ધિ થાય, દિવસને દિવસે પ્રગતિ થાય તેવી મનશા ભલાં કોને ન હોય ! આ માટે આજના દિવસે ખાસ ઉપાય અજમાવો. પીપળના પાંચ પાન લો અને તેની ઉપર હળદરથી સ્વસ્તિક બનાવો. ત્યારબાદ તે પાંચ પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો. કહે છે કે તેનાથી સમગ્ર વર્ષ આપના વેપાર-ધંધામાં વૃદ્ધિ થશે અને આપને ઝડપથી ધનલાભની પ્રાપ્તિ થશે.

નોકરીમાં પ્રગતિ અર્થે

કામદા એકાદશી પર ભગવાન વિષ્ણુના “ૐ નમો ભગવતે નારાયણાય” મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. મંત્ર એકવાર પતે એટલે ગલગોટાનું એક પુષ્પ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવું જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી નોકરીમાં આવી રહેલ દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે. અને પ્રગતિના માર્ગ ખુલી જાય છે.

સમૃદ્ધિ અર્થે

સમૃદ્ધિ અર્થે આજે એક ખાસ ઉપાય અજમાવો. પીળા રંગના વસ્ત્રમાં સાત હળદરની ગાંઠ બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. પછી તે ગાંઠવાળા કાપડને આપની તિજોરીમાં રાખી દો. કહે છે કે તેનાથી આપની આર્થિક સ્થિતિ સુધરશે અને પરિવારમાં ધનની વૃદ્ધિના યોગ મજબૂત બનશે.

ગૃહ કલેશથી મુક્તિ અર્થે

આજે વિષ્ણુ પૂજા દરમિયાન ઘરના મંદિરમાં રહેલ શંખમાં જળ ભરીને રાખવું. સાથે જ તેમાં તુલસીપત્ર પણ મૂકવું. પૂજા પૂર્ણ થાય એટલે શ્રીહરિના સ્મરણ સાથે તે જળનો ઘરમાં છંટકાવ કરવો. કહે છે કે તેનાથી તમામ પ્રકારના પારિવારિક કલેશ દૂર થાય છે.

વિવાહના યોગ !

તુલસીના છોડને દેવી લક્ષ્‍મીનું જ રૂપ માનવામાં આવે છે. એવામાં તુલસીના છોડને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી જોઈએ. અને તેમની વિષ્ણુ ભગવાનની પત્નીના રૂપમાં પૂજા કરવી જોઈએ. કહે છે કે વ્યક્તિના વિવાહ આડે આવી રહેલા વિઘ્ન કે અવરોધ આ ઉપાયથી દૂર થઈ જાય છે અને તેના જીવનમાં ઝડપથી વિવાહના યોગ સર્જાય છે.

સકારાત્મક ઊર્જા અર્થે

આજે તમે ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરો ત્યારે તેમાં તુલસીદળ જરૂરથી ઉમેરવું જોઈએ. સાથે જ સાંજના સમયે તુલસીના છોડ સમક્ષ દીવો પ્રજવલિત કરવો. એકાદશીની સંધ્યાએ ઘરમાં દીવો પ્રજવલિત કરવાનું પણ વિશેષ મહત્વ છે. કહે છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થઈ જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles