ભારતની ભૂમિ પર એવાં તો અનેક સ્થાન આવેલાં છે કે જે રામાયણકાળના સાક્ષીસ્થાન મનાય છે. પણ, અમારે આજે હનુમાન જયંતીના અવસરે એ સ્થાનકની વાત કરવી છે કે જ્યાં રામાયણકાળની સાબિતીઓ આજે પણ મળી રહી છે. અને આ સ્થાન એટલે ત્રેતાયુગીન કિષ્કિંધા. એ કિષ્કિંધા કે જ્યાં હનુમાનજીના હાજરાહજૂરપણાંની સાબિતીઓ આજે પણ મળી રહી છે !
આખરે ક્યાં વસી છે આ રામાયણકાળની કિષ્કિંધા નગરી ? અને રામભક્ત હનુમાનના જન્મ સાથે આ સ્થાનકનો શું છે નાતો ? આવો, તે વિશે આજે માહિતી મેળવીએ.
અદ્વિતીય હમ્પી !
કર્ણાટકના રાજ્યના વિજયનગર જિલ્લામાં આવેલું હમ્પી શહેર એટલે તો ઐતિહાસિક ધરોહર. એક સમયે દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ એવાં વિજયનગર સામ્રાજ્યની રાજધાની રહેલું હમ્પી શહેર તેના ઐતિહાસિક વારસા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીંના તો ખંડેરોનું સૌંદર્ય પણ એટલું અદભુત છે કે તેને યુનેસ્કો દ્વારા રક્ષિત જાહેર કરાયા છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ છે કે આ હમ્પી શહેરની આસપાસ જ ત્રેતાયુગની સાબિતીઓ આજે પણ અકબંધપણે સચવાયેલી છે. કારણ કે, આ સ્થાન જ રામાયણકાળનું કિષ્કિંધા મનાય છે !
રામાયણકાળની કિષ્કિંધા નગરી !
રામાયણ અનુસાર કિષ્કિંધા નગરી એ વાનરરાજ વાલીનું આધિપત્ય ધરાવતી નગરી હતી. અને વાલીના મૃત્યુ બાદ કિષ્કિંધા પર તેના ભાઈ સુગ્રીવે રાજ કર્યું. સીતાને શોધતા શ્રીરામ આ કિષ્કિંધા નગરીમાં જ પહોંચ્યા હતા ! એ કિષ્કિંધા જ હતું કે જ્યાં રાવણ વિરુદ્ધ રણનીતિઓ ઘડાઈ હતી. અને કિષ્કિંધાથી જ વાનરસેનાએ લંકાયુદ્ધ માટે પ્રસ્થાન કર્યું હતું. પણ, એક માન્યતા અનુસાર આ કિષ્કિંધામાં જ અંજનીસુતનું પ્રાગટ્ય થયું હતું. અને તે જન્મસ્થાન આજે પણ અહીં હયાત છે.
હમ્પીના હનુમાન !
કર્ણાટકનું હમ્પી આમ તો મંદિરોની નગરી તરીકે જ ખ્યાત છે. પણ, શ્રદ્ધાળુઓને મન અહીં આવેલાં એક હનુમાન મંદિરના દર્શનનો સવિશેષ મહિમા છે. રુદ્રાવતાર હનુમાનનું પ્રાગટ્ય વાનરરાજ કેસરીને ત્યાં માતા અંજનીના ગર્ભથી થયું હોવાની કથા પ્રચલિત છે. અલબત્ મારુતિના જન્મ સ્થાનને લઈને અનેક મતમતાંતર પ્રવર્તમાન છે. એક દ્રઢ માન્યતા અનુસાર પવનપુત્રનો જન્મ કિષ્કિંધામાં આવેલ અંજના પર્વત પર થયો હતો ! આ પર્વત રામાયણમાં વર્ણિત પંપા સરોવરની સમીપે અસ્તિત્વમાં હતો ! અને કહે છે કે રામાયણમાં વર્ણિત તે પર્વત એટલે જ હમ્પીનો અંજના પર્વત. અંજના પર્વત એ અંજનાદ્રી પર્વતના નામે પણ ખ્યાત છે.
અંજનાદ્રીના અંજનીસુત !
દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંજનીસુતના જન્મસ્થાનના દર્શન માટે અંજનાદ્રી પર્વત પર પહોંચે છે. પર્વતની સમીપે પહોંચતા જ મારુતિના દર્શનની ભક્તોની આતુરતા અનેકગણી વધી જાય છે. પણ, આ દર્શન બિલ્કુલ પણ સહેલા નથી. ભક્તોએ લગભગ 575 પગથિયા ચઢીને આ પર્વત પર પહોંચવાનું રહે છે. મુશ્કેલ યાત્રાને પાર કરી ભક્તો અંજનાદ્રીના શિખરે પહોંચે છે. અહીં શ્વેત મંદિરમાં અંજનીસુતનું સિંદૂરી સ્વરૂપ બિરાજમાન થયું છે. અહીં સ્થાપિત પત્થરમાંથી કંડારાયેલી હનુમંત પ્રતિમા સ્વયંભૂ જ મનાય છે. જેના દર્શન માત્ર શ્રદ્ધાળુઓને પરમશાંતિનો અહેસાસ કરાવે છે.
માતા અંજનીની તપોભૂમિ !
પ્રચલિત માન્યતા અનુસાર આ એ જ ભૂમિ છે કે જ્યાં દેવી અંજનીએ 700 વર્ષ વર્ષ તપસ્યા કરી હતી. અને એ તપસ્યાના ફળ સ્વરૂપે જ તેમણે હનુમાનજીની પુત્ર રૂપે પ્રાપ્તિ કરી હતી. ત્યારે માતા અંજનીની તપોભૂમિ પર કષ્ટભંજનના આ દિવ્ય રૂપનું દર્શન જાણે ભક્તોના સમગ્ર કષ્ટને પણ હરી દે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)