fbpx
Monday, December 23, 2024

કંકુ કે ચંદન નહીં, આ છે હળદરના તિલકના ફાયદા! જાણો હલ્દી તિલક કરવાથી કેવી રીતે કામમાં સફળતા મળશે?

સનાતન ધર્મમાં મસ્તક પર તિલક લગાવવાની પરંપરા સદીઓ જૂની છે. દરેક માંગલિક કાર્ય અને શુભ કાર્યના અવસર પર તિલક કરવાની પ્રથા રહેલી છે. કંકુ અને ચંદનના તિલકનું તો એક આગવું મહત્વ છે જ, પણ, શું તમે હળદરના તિલકના લાભ વિશે જાણો છો ? લલાટ પર તિલક કરવાના અનેક લાભ છે. એમાં પણ હળદરનું તિલક અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારું મનાય છે.

આવો, આજે આપણે હળદરના તિલકના લાભ વિશે જાણીએ.

યાત્રામાં સફળતા અર્થે

ઘરેથી જ્યારે દીકરી અને જમાઇ કે કોઇપણ વ્યક્તિ બહાર જાય છે, તો તેમને વિદાય કરવા માટે હળદરનું તિલક લગાવવામાં આવે છે. આ તિલક પાછળની માન્યતા એવી છે કે તેનાથી તેમની યાત્રા શુભ રહે અને તેમને દરેક કાર્યમાં સફળતા મળે ! એટલે કે જો આપ પણ કોઈ યાત્રાએ જઈ રહ્યા હોવ તો તેમાં સફળતા મેળવવા હળદરનું તિલક લગાવવું જોઈએ.

અવરોધ દૂર કરવા અર્થે

શુભ કે મહત્વના કાર્ય માટે બહાર નીકળતા સમયે હળદરનું તિલક લગાવવું જોઇએ. તેનાથી આપને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આપના કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે અને નસીબનો સાથ આપને મળે છે.

ગુરુ ગ્રહના દુષ્પ્રભાવ દૂર કરવા

જો કોઇ વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ એટલે કે ગુરુ ગ્રહ અશુભ ફળ પ્રદાન કરી રહ્યો હોય, તો તેમાંથી મુક્તિ અર્થે જરૂરથી આ પ્રયોગ કરવો જોઈએ. નિત્ય સવારે સ્નાન કર્યા બાદ હળદરનું તિલક લગાવવું જોઇએ. માન્યતા અનુસાર આ તિલકના પ્રભાવથી ગુરુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરવા લાગશે. સાથે જ તેના દુષ્પ્રભાવોથી મુક્તિ મળી જશે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

મસ્તકની વચ્ચે લગાવેલું હળદરનું તિલક શરીરમાં ઊર્જાનું સ્તર વધારે છે. જેનાથી આપની વિચારસરણીની સકારાત્મકતામાં વૃદ્ધિ થાય છે. આપને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આપની આર્થિક સ્થિતિ વધુ સમૃદ્ધ બને છે.

માંગલિક કાર્યોની સફળતા અર્થે

હળદરનું તિલક લગાવવાથી માંગલિક કાર્યો સફળ બને છે. એટલે કે કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે અને આપને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આત્મવિશ્વાસની વૃદ્ધિ અર્થે

મસ્તક પર હળદરનું તિલક લગાવવાથી વ્યક્તિની ઊર્જાનું સ્તર તો વધે જ છે, સાથે સાથે તેનું મગજ પણ શાંત થાય છે. તેનાથી તે દરેક કામમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. તેનાથી આપના આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થાય છે. આપ દરેક પડકારોનો નીડરતાથી સામનો કરીને સફળતાની પ્રાપ્તિ કરી શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles