આપણા શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં પાણીની ઉણપ હોય તો શરીર બરાબર કામ કરી શકતું નથી. જો તમે પાણી બરાબર માત્રામાં પીવો છો તો શરીર હાઈડ્રેટ રહે છે અને બધા જ અંગ બરાબર કામ કરે છે. પરંતુ જો તમે પાણી ઓછું પીતા હોય તો તેના કારણે તમને ડીહાઇડ્રેશન થઈ શકે છે. ડીહાઇડ્રેશન થાય ત્યારે શરીરમાં થાક, નબળાઈ, ચક્કર આવવા જેવી સમસ્યા થવા લાગે છે. ઉનાળામાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવી સ્થિતિમાં આજે તમને જણાવીએ કે તમે શરીરની પાણીની જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરી શકો છો અને ડીહાઈડ્રેશનથી બચી શકો છો.
છાશ પીવાનું રાખો
ઉનાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે તેની સાથે જ શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે છાશ પીવાનું રાખવું જોઈએ. છાશમાં કુદરતી પ્રોબાયોટિક હોય છે જેની મદદથી શરીરને એનર્જી મળે છે. દિવસમાં ત્રણ વખત છાશ પીવાથી તમે ડીહાઇડ્રેશનથી બચી શકો છો. છાશમાં જીરાનો પાવડર ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે.
જવનું પાણી
શરીરમાં પાણીની ખામી હોય તો પાણી પીવાની સાથે જવનું પાણી પીવું પણ ફાયદાકારક છે. જવના પાણીમાં એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન્સ હોય છે. તેનું સેવન કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જ ઉમેરી બરાબર ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળી અને લીંબુનો રસ અને મધ ઉમેરી પી જવું. દિવસમાં ચાર વખત આ રીતે પાણી પી શકાય છે.
લીંબુ પાણી
શરીરમાં પાણીની ઉણપ હોય તો લીંબુ પાણી પણ પી શકાય છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ, ફુદીનાનો રસ મીઠું અને મધ ઉમેરી દિવસમાં ત્રણ વખત પીવું.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)