નજર દોષથી બચવાનો સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે કાળો દોરો મનાય છે ! ખાસ તો નાના બાળકોને નજર ન લાગે તે માટે તેના હાથ, પગ કે ગળામાં કાળો દોરો બાંધવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે તેમજ શનિ દોષથી રક્ષણ મેળવવા માટે કાળો દોરો બાંધવામાં આવે છે. લાલ કિતાબ અને જ્યોતિષ શાસ્ત્રમાં કાળા દોરા સંબંધિત અનેક ઉપાયો અને તેના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે.
પણ, એવું નથી કે તેના માત્ર ફાયદા જ છે. આ કાળો દોરો કેટલીક રાશિના જાતકોને નુકસાન પણ કરાવી શકે છે. આવો, આજે આપણે એ જાણીએ કે આ રાશિઓ કઈ છે ? અને કાળો દોરો બાંધવાના નિયમો શું છે ?
કાળા દોરાના લાભ !
⦁ મંગળવારના દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે. તેના પ્રભાવથી વ્યક્તિના આર્થિક સંકટો ટળી જાય છે અને ઘરમાં ધન-સમૃદ્ધિનું આગમન થાય છે.
⦁ માન્યતા અનુસાર કાળો દોરો બાંધવાથી શનિદોષ પણ દૂર થઈ જાય છે ! તે કુંડળીમાં શનિની સ્થિતિને મજબૂત બનાવે છે.
⦁ માન્યતા અનુસાર પગમાં કાળો દોરો બાંધવાથી પગની ઇજા મટી જાય છે.
⦁ કહે છે કે પેટની તકલીફથી પીડિત વ્યક્તિ જો તેના પગના અંગૂઠામાં કાળો દોરો બાંધી લે તો તેને પેટના દુઃખાવામાં રાહતનો અનુભવ થાય છે.
⦁ નાના બાળકો કે જેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે તેમને જરૂરથી કાળો દોરો બાંધવો જોઈએ. માન્યતા અનુસાર આ પ્રયોગથી બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે !
⦁ ઘરને નજર દોષથી બચાવવા માટે પણ કાળા દોરાનો ઉપાય અજમાવો જોઈએ. આ માટે કાળા દોરોમાં લીંબુ-મરચા બાંધીને તેને ઘરના મુખ્ય દરવાજે લટકાવું જોઈએ.
કાળો દોરો બાંધવાના નિયમ !
⦁ કાળા દોરાને હંમેશા અભિમંત્રિત કરીને જ બાંધવો જોઈએ. આ માટે કોઈ જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.
⦁ કાળો દોરો બાંધનાર વ્યક્તિએ રુદ્ર ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. આ મંત્ર છે, “ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ।”
⦁ કાળો દોરો બાંધવા માટે મંગળવાર કે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ. આ દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ મનાય છે. આ દિવસોમાં કાળો દોરો બાંધવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સુખ-સમૃદ્ધિનું આગમન થતું હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ યાદ રાખો, શરીરના જે પણ ભાગમાં કાળો દોરો બાંધી રહ્યા હોવ તે ભાગમાં બીજા કોઈપણ રંગનો દોરો ન બાંધો.
કોણે ન બાંધવો જોઈએ કાળો દોરો ?
કાળો દોરો આમ તો અત્યંત લાભદાયી મનાય છે. અલબત્, માન્યતા અનુસાર કેટલીક રાશિએ આ કાળા દોરાથી દૂર જ રહેવું જોઈએ. કારણ કે, કાળો દોરો તેમને લાભની બદલે નુકસાન પણ કરાવી શકે છે ! આ રાશિ છે મેષ અને વૃશ્ચિક ! વાસ્તવમાં મેષ અને વૃશ્ચિક બંન્ને રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. માન્યતા અનુસાર મંગળ ગ્રહને કાળો રંગ અપ્રિય છે. એટલે જ કેટલાંક જ્યોતિષાચાર્યોનું માનવું છે કે આ બંન્ને રાશિના જાતકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ. તેનાથી ધન, માન-સન્માન અને સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)