ઉનાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે અને ઘણા શહેરોમાં તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. ગરમી ધીરેધીરે તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરુ કરશે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના શરીરને ઠંડુ રાખવું જરૂરી થઈ જાય છે. જો આમ ન કરવામાં આવે તો ગરમી આપણા શરીર પર ખરાબ અસર કરી શકે છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશન, થાક અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેવામાં શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવા અને શરીરને ઠંડક મળે તે માટે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને ઠંડક આપે. તો આજે તમને આવા જ 5 સમર ડ્રિંક્સ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમને ગરમીમાં પણ ઠંડક મળશે.
લીંબુ પાણી
લેમોનેડ અથવા તો લીંબુ પાણીએ ઉનાળા માટે ઉત્તમ પીણું છે. તે ફટાફટ બની જાય છે અને શરીરને તુરંત તાજગી આપે છે અને હાઈડ્રેટ રાખે છે. તે વિટામિન સીથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
તરબૂચનો રસ
તરબૂચ પાણીથી સમૃદ્ધ હોય છે અને તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ભરપુર પ્રમાણમાં હોય છે, જેનાથી તે ઉનાળા માટે બેસ્ટ સાબિત થાય છે. તરબૂચમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે જે રોગ સામે લડવામાં મદદ કરે છે.
નાળિયેર પાણી
નાળિયેર પાણી એ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ પીણું છે જે શરીરમાં પ્રવાહી સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તે પોટેશિયમથી સમૃદ્ધ હોય છે અને તે એન્ટી ઓકિસડન્ટોનો સારો સ્ત્રોત છે.
કાચી કેરીનું જ્યુસ
આમ પન્ના તરીકે ફેમસ કાચી કેરીમાંથી બનેલું આ જ્યુસ ઉનાળામાં સૌથી વધુ લાભ કરે છે. તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
છાશ
છાશ એ ઉનાળાનું પરંપરાગત પીણું છે જે શરીરને ઠંડુ રાખે છે અને પાચનમાં મદદ કરે છે. તેમાં કેલેરી ઓછી હોય છે અને કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન B12 જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)