ઘરને સુંદર બનાવવા માટે લોકો ઘણા અલગ અલગ પ્રકારના છોડ ઘરમાં લગાવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એક છોડ એવો પણ છે કે જે ઘરને સુંદર અને આકર્ષક બનાવવાની સાથે ઘરની આર્થિક સ્થિતિને પણ સમૃદ્ધ કરે છે. આ છોડ ઘરમાં સકારાત્મકતા લાવવાની સાથે ધનમાં પણ વૃદ્ધિ કરે છે ! આ છોડ એટલે મની પ્લાન્ટ !
મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્રમાં ધનવૃદ્ધિનો છોડ માનવામાં આવે છે.
તમે લોકોના ઘરમાં મની પ્લાન્ટનો છોડ જોયો જ હશે. આજે તો મની પ્લાન્ટનો છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. કારણ કે, આ મની પ્લાન્ટ દેખાવમાં તો સુંદર છે જ પણ, સાથે જ તે ઘરમાં રહેલ કેટલાક વાસ્તુદોષનું નિવારણ પણ કરે છે.
કહે છે કે તેનાથી ઘરમાં ધનના આગમનના માર્ગો ખૂલી જાય છે. પણ, શું તમે એ જાણો છો કે આ મની પ્લાન્ટમાં એક ખાસ વસ્તુ ઉમેરવાથી તેના દ્વારા પ્રાપ્ત થનારા લાભ બમણાં થઈ જાય છે ? આવો, આજે તે ખાસ વસ્તુ વિશે જ જાણીએ.
ધનલાભ કરાવશે મની પ્લાન્ટ !
મની પ્લાન્ટને સમૃદ્ધિનો છોડ માનવામાં આવે છે. કહે છે કે જેમ-જેમ તેના પાન મોટા થાય છે, જેમ-જેમ છોડ વૃદ્ધિ કરે છે, તેમ-તેમ ઘરમાં પણ ધનની વૃદ્ધિ થાય છે અને પરિવારના લોકોનું નસીબ ઉગડી જાય છે. માન્યતા અનુસાર એમાં પણ જ્યારે મની પ્લાન્ટમાં એક ખાસ વસ્તુને ઉમેરવામાં આવે છે, ત્યારે તે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવે છે.
આ ખાસ વસ્તુ છે દૂધ ! જો આપ જીવનમાં સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા હોવ, તો આપે જરૂરથી આ ઉપાય અજમાવવો જોઈએ. આ ઉપાય આપને કાર્યમાં સફળતા અપાવશે, ધંધા-રોજગારમાં પણ પ્રગતિના માર્ગ ખોલશે તેમજ ધનલાભ પણ કરાવશે !
મની પ્લાન્ટમાં આ રીતે ઉમેરો દૂધ !
⦁ દૂધને અમૃત માનવામાં આવે છે અને માતા લક્ષ્મીને દૂધ તેમજ દૂધથી બનેલ વસ્તુઓનો ભોગ અર્પણ કરવામાં આવે છે. આપણે ઉત્સવોના અવસરે કે શુભ પ્રસંગે ખીરનો પ્રસાદ બનાવીએ છીએ. કારણ કે, ધનની દાત્રી માતા લક્ષ્મીને દૂધ ખૂબ જ પ્રિય છે ! એ જ રીતે ધનદાયી મની પ્લાન્ટને પણ દૂધ પ્રિય મનાય છે.
⦁ કહે છે કે જો તમે મની પ્લાન્ટમાં પાણીની સાથે થોડું કાચું દૂધ પણ અર્પણ કરી દો છો, તો આપના નસીબનું ચક્કર ફરી જાય છે. આપના જીવનમાં સમૃદ્ધિનું આગમન થવા લાગે છે.
⦁ માન્યતા અનુસાર મની પ્લાન્ટમાં દૂધ અર્પણ કરવાથી તે ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેની સાથે સાથે આપના ધનમાં પણ વૃદ્ધિ થાય છે. કહે છે કે આ પ્રકારના ઘરમાં સદૈવ માતા લક્ષ્મી બિરાજમાન રહે છે.
⦁ મની પ્લાન્ટમાં સંપૂર્ણ દૂધ ન ઉમેરવું જોઈએ. જ્યારે પણ તમે તેમાં પાણી ઉમેરો ત્યારે તેમાં થોડા ટીપા દૂધના ઉમેરીને જળનું સિંચન કરવું જોઇએ. તેનાથી મની પ્લાન્ટના છોડની વૃદ્ધિ થાય છે અને આપના પરિવારને નસીબનો સાથ મળે છે.
⦁ જો કે એમ પણ કહેવાય છે કે મની પ્લાન્ટના સંપૂર્ણ વિકાસ માટે તેમજ તેની વૃદ્ધિ માટે તેમાં ગાયનું કાચું દૂધ ઉમેરવાથી તેને વધુ સારી માત્રામાં પોષણ મળે છે. તેમજ આપના ધનની પણ વૃદ્ધિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)