આપણે માનીએ કે ન માનીએ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર કઈંક અંશે સાચું તો હોય જ છે. ઘરની દિશા, ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં જે કંઈ પણ કરીએ છીએ, તેની આપણા જીવન પર ઘણી અસર પડે છે. પછી ભલે તે સકારાત્મક અસર હોય કે નકારાત્મક.
આજે અમે તમને આ લેખમાં વાસ્તુ અનુસાર જમતી વખતે ધ્યાનમાં રાખવા માટે જરૂરી બાબતો વિશે જણાવીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ આપણે જમીએ, ત્યારે ભોજનની શુદ્ધતા તેમજ મનની શુદ્ધતા અને ઘરના સારા વાતાવરણનું ધ્યાન રાખવું જોઈએ. આપણા આહાર પર આ તમામ બાબતોની અસર પડતી હોય છે. તો ચાલો જાણીએ કે જમતી વખતે અને જમ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જમતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું :
– પલંગ પર કે પથારીમાં બેસીને ક્યારેય ખોરાક ન લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ પ્રકારે જમાવને સારું માનવામાં આવતું નથી. પલંગ પર જમવાથી વ્યક્તિની અંદર નકારાત્મકતા વધે છે.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજનની થાળીને ક્યારેય સીધી જમીન પર ન રાખવી જોઈએ અને જમીન પર બેસીને ભોજન પણ ન કરવું જોઈએ. જમવા બેસતી વખતે નીચે કોઈ આસન કે ચટ્ટાઈ પાથરવી જોઈએ અને શક્ય હોય તો થાળીને પાટલા પર રાખો.
– કોઈને ભોજન પીરસતી વખતે ક્યારેય એક હાથથી થાળી પકડી ન રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન પીરસતી વખતે બંને હાથથી ભોજનની થાળી પકડવી જોઈએ. તેનાથી અન્ય લોકો સાથે તમારા સંબંધો સારા રહે છે અને પરસ્પર પ્રેમ વધે છે.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભોજન કરતી સમયે પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં મુખ રાખવું જોઈએ. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જમવાથી વ્યક્તિને પાચન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા કે ગંદા વાસણોમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ, તેનાથી દુર્ભાગ્યમાં વધારો થાય છે. આ ઉપરાંત તે વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)