fbpx
Saturday, October 26, 2024

વરુથિની એકાદશીથી મળશે આર્થિક સમસ્યાઓથી છુટકારો! જાણો, કેવી રીતે થશે લક્ષ્મીનારાયણની કૃપા?

વરુથિની એકાદશીનું વ્રત 16 એપ્રિલ 2023, રવિવારના દિવસે રાખવામાં આવશે. ચૈત્ર માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. કહે છે કે આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જતું હોય છે. વ્યક્તિને કારકિર્દીમાં સફળતાના આશિષ પ્રાપ્ત થાય છે તેમજ તેની તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ પણ ટળી જાય છે.

આવો, આજે કેટલાંક આવા જ ફળદાયી ઉપાયો વિશે જાણીએ.

વાસ્તુદોષ મુક્તિ અર્થે

વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવવા વરુથિની એકાદશીના અવસરે એક ખાસ ઉપાય અજમાવો. એકાદશીએ સવારે શુભ મુહૂર્તમાં દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને તેનો શ્રીવિષ્ણુની પ્રતિમા પર અભિષેક કરો. યાદ રાખો, આ જળમાં ગંગાજળ જરૂરથી ઉમેરવું. પૂજા પૂર્ણ થાય એટલે તે પવિત્ર જળનો ઘરમાં છંટકાવ કરવો. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલ તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને પરિવારમાં શાંતિનું આગમન થાય છે.

આર્થિક સંકટોથી મુક્તિ અર્થે

આર્થિક સંકટોથી મુક્તિ મેળવવા માટે વરુથિની એકાદશીએ 11 કન્યાઓને કેરી ભેટમાં આપવી જોઈએ. સાથે જ ઘરની બહાર પાણીની પરબ રાખવી જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી.

કારકિર્દીમાં પ્રગતિ અર્થે

ઓફિસ કે કાર્યસ્થળ પર મહેનત કર્યા બાદ પણ જો શુભ ફળની પ્રાપ્તિ ન થઇ રહી હોય, એટલે કે પ્રગતિ ન મળી રહી હોય તો વરુથિની એકાદશીના દિવસે એક ખાસ ઉપાય અજમાવો. એકાક્ષી નારિયેળને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરી દો. ત્યારબાદ તે પોટલીને તમારા કાર્યસ્થળ પર કોઈ સુરક્ષિત અને સ્વચ્છ સ્થાન પર રાખી દો. પ્રચલિત માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે કારકિર્દીમાં પ્રગતિ થશે અને તમને કાર્યોમાં સફળતા મળશે.

પ્રેમલગ્ન માટે

મનપસંદ પાત્ર સાથે જો લગ્નમાં અવરોધ સર્જાઈ રહ્યા હોય તો વરુથિની એકાદશીએ શ્રીવિષ્ણુને તુલસીની માળા અર્પિત કરવી. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી ઝડપથી વિવાહના યોગ સર્જાશે.

ફળદાયી મંત્ર

“દેવી ત્વં નિર્મિતા પૂર્વમર્ચિતાસિ મુનીશ્વરૈઃ નમો નમસ્તે તુલસી પાપં હર હરિપ્રિયે ।”

લક્ષ્‍મીનારાયણના આશીર્વાદ

કહેવાય છે કે વરુથિની એકાદશીના દિવસે સત્તુનું દાન કરવાથી તમામ બીમારીમાંથી મુક્તિ મળે છે. એટલે આ દિવસે કોઇ જરૂરિયાતમંદને સત્તુ અને જળનું દાન જરૂરથી કરવું જોઇએ. સાથે જ પશુ પક્ષીઓને પાણી પીવડાવવું જોઇએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્‍મીના આશીર્વાદની પણ આપને પ્રાપ્તિ થશે ! તેમજ ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles