fbpx
Saturday, October 26, 2024

ભૂલથી પણ આ દાન ન કરવું જોઈએ! નહીં તો લાભને બદલે મુશ્કેલી સર્જાશે!

સનાતન ધર્મમાં દાનનું ખૂબ જ મહત્વ છે. કહે છે કે, દાનકર્મનું પુણ્ય આ જન્મમાં તો વ્યક્તિને તારે જ છે, સાથે જ, તે મૃત્યુ બાદ વ્યક્તિને પરલોકમાં સહજતાથી ગતિ કરવામાં પણ મદદરૂપ બને છે. સામાન્ય રીતે લોકો શુભ તિથિ પર દાન કરતા હોય છે. તો વાર અનુસાર દાનકર્મ કરવાનો પણ મહિમા છે. પણ, શું તમે એ જાણો છો કે કેટલાંક દાન કરવાનું ટાળવું પણ જરૂરી છે ?

એટલે કે એક વ્યક્તિ માટે જે દાન પુણ્યદાયી હોય, તે અન્ય વ્યક્તિ માટે પણ ફળદાયી બને જ તે જરૂરી નથી ! ખાસ તો આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર કેટલાંક દાન કરવાના ટાળવા જોઈએ ! જો આપ ગ્રહ સ્થિતિની વિરુદ્ધમાં દાન કરો છો તો તે લાભને બદલે નુકસાન પણ કરાવી શકે છે. આવો, આજે એ જ માહિતી મેળવીએ કે ગ્રહ અનુસાર કયા દાન કરવાનું ટાળવું જોઈએ.

સૂર્ય ગ્રહ

કહે છે કે કુંડળીમાં જો સૂર્ય સપ્તમ કે અષ્ટમ ભાવમાં હોય તો તાંબાનું દાન ન કરવું જોઈએ. તેમજ સવારે કે સાંજે કોઈપણ પ્રકારનું દાન કરવાનું ટાળવું જોઈએ. એ જ રીતે જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો સૂર્યની વસ્તુઓ જેમ કે, સુવર્ણ, ગોળ, ઘઉં તેમજ તાંબાનું દાન ન કરવું જોઈએ.

ચંદ્ર ગ્રહ

કુંડળીમાં જો ચંદ્ર છઠ્ઠા ભાવમાં હોય, તો ભૂલથી પણ દૂધ કે પાણીનું દાન ન કરવું જોઈએ. તે જ રીતે ચંદ્ર બળવાન હોય તો ચાંદી, મોતી, ચોખાનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ. કુંડળીમાં જ્યારે ચંદ્ર બારમા ભાવમાં હોય તો ભિખારીને અન્નનું દાન ન કરવું જોઈએ.

મંગળ ગ્રહ

કુંડળીમાં જ્યારે મંગળ ગ્રહ ચોથા ભાવમાં બેઠો હોય તો વસ્ત્રનું દાન ન કરવું જોઈએ. તે જ રીતે જો મંગળ કુંડળીમાં બળવાન હોય તો મીઠાઇ, ગોળ કે મધ જેવી મંગળની વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ.

બુધ ગ્રહ

જે જાતકોનો બુધ ગ્રહ બળવાન હોય, તેમણે ક્યારેય કલમનું દાન ન કરવું જોઈએ.

ગુરુ ગ્રહ

ગુરુ ગ્રહ જ્યારે કુંડળીના સપ્તમ ભાવમાં હોય તો વસ્ત્રનું દાન ન કરવું જોઈએ. જ્યારે તે નવમા ભાવમાં હોય તો મંદિરમાં દાન ન કરવું. એ જ રીતે જ્યારે તે પંચમ ભાવમાં હોય તો ધનનું દાન ન કરવું. ગુરુ ગ્રહ જ્યારે બળવાન હોય ત્યારે કોઈને પણ પુસ્તકો ભેટમાં ન આપવા.

શુક્ર ગ્રહ

જ્યારે કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન હોય, ત્યારે વ્યક્તિએ સીવેલા સુંદર વસ્ત્ર, અત્તર અને આભૂષણ કોઈને પણ ઉપહારમાં ન આપવા. શુક્ર ભાગ્ય ભાવમાં હોય તો અભ્યાસ માટે શિષ્યવૃત્તિ, પુસ્તકો કે દવાનું દાન ન કરવું જોઈએ.

શનિ ગ્રહ

શનિ આઠમા ભાવમાં હોય તો કોઇના પણ માટે નિશુલ્ક આવાસનું નિર્માણ ન કરાવવું. શનિ લગ્નમાં અને ગુરુ પંચમ સ્થાનમાં હોય તો તાંબાનું દાન ન કરવું. શનિ બળવાન હોય તો શનિ સંબંધિત વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ. શનિ આઠમા ભાવમાં હોય તો ભોજન, વસ્ત્ર કે ચંપલનું દાન ન કરવું. શનિ પ્રથમ તથા ગુરુ પંચમ ભાવમાં હોય તો તાંબાનું દાન કરવાનું ટાળવું જોઈએ.

રાહુ ગ્રહ

રાહુ ગ્રહ જ્યારે કુંડળીના બીજા ભાવમાં હોય તો તેલ કે ચીકણી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.

કેતુ ગ્રહ

કેતુ ગ્રહ જ્યારે કુંડળીના સાતમા ભાવમા હોય તો લોખંડનું દાન કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles