fbpx
Saturday, October 26, 2024

શ્રીફળ કેવી રીતે કરાવશે ધનની પ્રાપ્તિ? જાણો શ્રીફળના અસરકારક ઉપાયો!

હિન્દુ ધર્મમાં નારિયેળનો ઉપયોગ દરેક પૂજા દરમિયાન કરવામાં આવે છે. તેના આ મહત્વને લીધે જ આપણે તેને શ્રીફળ કહીએ છીએ. માન્યતા અનુસાર આ શ્રીફળ દેવી લક્ષ્‍મીને અત્યંત પ્રિય છે. કહે છે કે આ નારિયેળમાં તો ત્રિદેવનો વાસ છે અને એટલે જ તેનો દરેક માંગલિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. પણ, શું આપ જાણો છો કે આ જ નારિયેળમાં આપની અનેક સમસ્યાને દૂર કરવાનું સામર્થ્ય પણ છે ?

આ શ્રીફળ આપના જીવનમાંથી તમામ પ્રકારની નકારાત્મકતાનું શમન કરી શકે છે. સાથે જ, ધનપ્રાપ્તિની નવીન તક પણ સર્જી શકે છે! તો ચાલો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે જાણીએ.

ધનદાયી નારિયેળ !

જો આપને એવું લાગતું હોય કે અનેક પ્રયત્નો બાદ પણ આપના ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ નથી થઇ રહ્યો, સાથે જ આપને કોઇપણ પ્રકારની બચત પણ ન થઇ રહી હોય તો આપે એક ખાસ ઉપાય અજમાવો જોઈએ. પાણીવાળું એક નારિયેળ ગુરુવારના દિવસે લેવું. ધ્યાન રાખવું કે નારિયેળ દીકરી, પત્ની, બહેન કે માતાના હાથેથી જ લાલ વસ્ત્રમાં મૂકાવવું. શ્રીફળને તે લાલ વસ્ત્રમાં લપેટીને નાડાછડી વડે બાંધી દો. ત્યારબાદ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં અક્ષત ભરેલી એક વાટકી મૂકો અને તેની ઉપર તે નારિયેળ મૂકો. 11 દિવસ પછીનો જે ગુરુવાર આવે, તે દિવસે આ નારિયેળને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવું. યાદ રાખો, પાછળ વળીને જોવું નહીં. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી આપના ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ધનની વૃદ્ધિના યોગ સર્જાય છે અને બચત થવાનું પણ શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, આપના નાણાં ક્યાંય અટવાયેલા હોય તો તે પણ પરત મળી જાય છે.

નકારાત્મક ઊર્જામાંથી મુક્તિ અર્થે

જો આપને લાગતું હોય કે આપના ઘર પર નકારાત્મક ઊર્જાનો વાસ છે, સાથે જ ઘરમાં દરિદ્રતા રહેતી હોય તો નારિયેળનો એક ખાસ ઉપાય બુધવારના દિવસે અજમાવો જોઈએ. આપે એક નારિયેળ લઈ તેની ઉપર કાજળથી તિલક કરવું. ત્યારબાદ આ નારિયેળને લઇને આખા ઘરમાં પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા બાદ આ નારિયેળને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવું. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના ઘરની નકારાત્મકતા દૂર થાય છે તેમજ ભાગ્યોદયના યોગ સર્જાય છે.

રાહુ-કેતુ અને શનિદોષથી મુક્તિ અર્થે

રાહુ, કેતુ અને શનિ ગ્રહની ગણના ક્રૂર ગ્રહોમાં કરવામાં આવે છે. એટલે કે, જે જાતકની કુંડળીમાં આ ગ્રહો દોષ સર્જતા હોય, તે જાતકનું જીવન અનેકવિધ મુશ્કેલીઓથી ભરાઈ જતું હોય છે. આ સંજોગોમાં આ ગ્રહોના દોષોમાંથી મુક્તિ અર્થે શનિવારના દિવસે ખાસ ઉપાય અજમાવો. નારિયેળના બે ભાગ કરીને તેમાં ખાંડ ભરી દો. ત્યારબાદ તેને કોઇ નિર્જન જગ્યા પર જઇને ખાડો ખોદીને દાટી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના જીવનમાંથી રાહુ-કેતુ અને શનિદોષ દૂર થાય છે. તેમજ આપના જીવનમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles