ઘરનું નિર્માણ કરાવવાના તેમજ ઘરમાં કોઈપણ વસ્તુને રાખવાના પણ નિયમો છે. જેનો નિર્દેશ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્રના આ સિદ્ધાંતોનું પાલન કરવું અત્યંત જરૂરી મનાય છે. આપણું સમગ્ર ઘર પંચતત્વોથી મળીને બનેલું છે. જેમાં દરેક વસ્તુ માટે એક યોગ્ય દિશા દર્શાવવામાં આવી છે. પરંતુ, જો ઘરનું નિર્માણ કરાવવામાં કેટલીક ખામી રહી ગઇ હોય, તો તેના કારણે ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
એ જ રીતે જ્યારે વસ્તુઓને એની નિર્ધારિત દિશામાં ન રાખવામાં આવે તો પણ ઘરમાં અમુક પ્રકારના વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આ દોષો દૂર કરવા કેટલાક સરળ અને સચોટ ઉપાયો પણ વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. ત્યારે આજે કેટલાંક એવાં જ સરળ ઉપાયોને જાણીએ કે જે ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદરૂપ બનશે.
ઇશાન ખૂણામાં કળશ સ્થાપના
જો ઘરમાં સતત નકારાત્મક ઊર્જાનો અનુભવ થતો હોય તો ઘરના ઇશાન ખૂણામાં હંમેશા કળશની સ્થાપના કરેલી રાખવી જોઈએ. કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. કહે છે કે આ કળશ સ્થાપનથી વ્યક્તિને ભગવાન ગણેશના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ આપના ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.
સમુદ્રી મીઠાનો ઉપયોગ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠામાં ઘરની નકારાત્મક ઊર્જાને પોતાની અંદર ખેંચવાનો ગુણ હોય છે. એટલે ઘરમાં પોતું કરતી વખતે તેના પાણીમાં સમુદ્રી મીઠું ઉમેરી દેવું જોઇએ. ખાસ એક વાતનું ધ્યાન રાખવું કે ગુરુવારના દિવસે આ ઉપાય ન અજમાવવો જોઈએ. એ જ રીતે કાચના પાત્રમાં સમુદ્રી મીઠું રાખવાથી ઘરની તમામ નકારાત્મકતા દૂર થતી હોવાની માન્યતા પણ પ્રચલિત છે.
પંચમુખી હનુમાનની છબી
જો આપના ઘરનો પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય તો આપના ઘરના પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનજીની છબી જરૂરીથી રાખવી જોઈએ. આ ઉપાય ખૂબ જ શુભ અને ફળદાયી મનાય છે. પંચમુખી હનુમાનજીની છબી આપને શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. માન્યતા અનુસાર આ છબીના પ્રતાપે કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતા પહેલાં જ અટકી જશે.
કપૂરનો પ્રયોગ !
ઘરમાં જે પણ સ્થાન પર વાસ્તુદોષ હોય તે સ્થાન પર થોડું કપૂર રાખી દેવું જોઈએ અને જો આ કપૂર પૂરું થઇ ગયુ હોય તો ફરી ત્યાં બીજુ કપૂર મૂકી દેવું જોઈએ. આ ઉપાયથી આપને ખૂબ લાભ થશે. તેમજ આપના ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થશે.
ઘડિયાળને આ દિશામાં લગાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળ દિશાને ઉર્જાવાન બનાવે છે. એટલે જ આપના ઘરમાં જેટલી પણ ઘડિયાળો હોય તે ચાલતી હોવી જોઇએ. એવી કોઇપણ ઘડિયાળ ઘરમાં ન રાખવી કે જે બંધ પડી હોય. કારણ કે, તેનાથી આપના કાર્યોમાં અવરોધો આવશે. આપના ઘરમાં રહેલી દરેક ઘડિયાળ ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવેલી હોવી જોઈએ.
પરિવારની તસવીર લગાવો
ડ્રોઇંગરૂમમાં પોતાના પરિવારની તસવીર લગાવવાથી સંબંધોમાં મજબૂતી અને સકારાત્મકતા આવે છે. આ પ્રકારના ફોટા ઘરમાં સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ખાસ તો મહેમાનોને આ ફોટો દેખાય તેવી રીતે રાખવો જોઇએ. તેનાથી આપના ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાયેલી રહેશે અને પરિવાર સાથેના સંબંધો પણ વધુ ગાઢ બનશે.
ફળદાયી તુલસીનો છોડ
નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ઘરની પૂર્વ દિશામાં આપે તુલસીનો છોડ જરૂરથી લગાવવો જોઇએ. તેનાથી આપને સકારાત્મક ઊર્જા ઘરમાં લાવવામાં ઘણી રાહત રહેશે. કારણ કે તુલસી સતત સકારાત્મક ઊર્જાનો સંચાર કરતો છોડ મનાય છે.
સુગંધિત ધૂપબત્તી
ઘરના દરેક રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આપ ઘરમાં સુગંધિત ધૂપબત્તી પ્રજવલિત કરી શકો છો. તેના કારણે આપને રાત્રે સારી ઊંઘ આવશે અને આપની સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થશે.
ઘોડાની નાળ લગાવવી
ઘોડાની નાળને ઉપરની તરફ પોઇન્ટ કરીને લગાવવી જોઇએ. કારણ કે, એવું માનવામાં આવે છે કે ઘોડાની નાળ દરેક પ્રકારની સારી ઉર્જાને આકર્ષિત કરે છે અને તેને પોતાનામાં સમાવી લે છે. ઘરના પ્રવેશદ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે અને દરેક પ્રકારની નકારાત્મક ઊર્જામાંથી મુક્તિ મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)