અક્ષય ફળદાયી મનાતી અક્ષય તૃતીયાનો અવસર આ વખતે 22 એપ્રિલ, શનિવારે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જ દિવસે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનું મેષ રાશિમાં પરિવર્તન થશે. અક્ષય તૃતીયાના દિવસે જ થનારું આ પરિવર્તન અત્યંત શુભ મનાઈ રહ્યું છે. તેનાથી શુભ યોગ સર્જાઈ રહ્યા છે. ગુરુના મેષ રાશિમાં પ્રવેશથી 5 ગ્રહ એક સાથે જ મેષ રાશિમાં આવી જશે !
ગ્રહોની આ પંચાયતથી આ વખતે અક્ષય તૃતીયા પર મેષ સહિત 5 રાશિઓને અઢળક લાભની પ્રાપ્તિ થશે. તો આવો જાણીએ, કે કઈ છે તે 5 રાશિ અને કેવી રીતે ચમકવાના છે તેમના સિતારા !
મેષ રાશિમાં પંચગ્રહી યોગ
અક્ષય તૃતીયા પર મેષ રાશિમાં ગુરુના પ્રવેશની સાથે જ મેષ રાશિમાં એક સાથે 5 ગ્રહ આવી જશે. કારણ કે, 4 ગ્રહ અહીં પહેલેથી જ હાજર છે. જેને લીધે પંચગ્રહી યોગ સર્જાશે. મેષ રાશિમાં 5 ગ્રહ સૂર્ય, ગુરુ, બુધ, રાહુ અને યુરેનસનો અનોખો સંયોગ સર્જાશે. સાથે જ આ દિવસે ચંદ્રમા અને શુક્ર બંને વૃષભ રાશિમાં હોવાથી ખૂબ જ શુભ ફળદાયી સ્થિતિમાં રહેશે. એવામાં અક્ષય તૃતીયા આ વખતે 5 રાશિઓ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.
મેષ રાશિ માટે અત્યંત લાભદાયી !
મેષ રાશિમાં અક્ષય તૃતીયાના અવસરે અનેક શુભ યોગ બની રહ્યા છે. જેના કારણે આ વખતે અક્ષય તૃતીયા પર મેષ રાશિના જાતકને ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થશે. આપના પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આપ ધર્મ-કર્મ સંબંધી કાર્ય કરશો. દાન અને શુભ કાર્યમાં સહભાગી બની શકશો. તેનો લાભ આપને ન માત્ર આ જન્મમાં, પરંતુ, આવતા જન્મ સુધી પ્રાપ્ત થતો રહેશે. ધન અને સુવર્ણની પ્રાપ્તિના સંયોગ પણ જોવા મળી રહ્યા છે !
વૃષભ રાશિ માટે રાજયોગ !
અક્ષય તૃતીયા પર વૃષભ રાશિનો સ્વામી શુક્ર સ્વરાશિ વૃષભમાં જ રહેશે. જે આપને રાજયોગનો લાભ અપાવશે. આ રાશિના જાતકો આ અક્ષય તૃતીયા પર વસ્ત્ર, આભૂષણ અને ભૌતિક સુખના લાભ પ્રાપ્ત કરશે. કલા અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો પોતાની કલાથી પ્રશંસા અને લાભ પ્રાપ્ત કરી શકશે. પારિવારિક જીવનમાં સ્નેહ અને પ્રેમ જળવાયેલો રહેશે. આપને આ સમયમાં કોઇ ભેટ પણ મળી શકે છે.
કર્ક રાશિ માટે સમૃદ્ધિના યોગ
કર્ક રાશિનો સ્વામી અગિયારમા ઘરમાં શુક્રની સાથે રહેશે અને રાશિના દસમા ઘરમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. આના લીધે આપને પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવાના અવસર પ્રાપ્ત થશે. આર્થિક લાભ પ્રાપ્ત થવાથી મન આનંદિત થશે. આપને આભૂષણોની પ્રાપ્તિ થઇ શકે છે. ચાંદી અને હીરો આપના માટે વિશેષ રીતે લાભકારી રહેશે.
સિંહ રાશિ માટે ફળદાયી
સિંહ રાશિનો સ્વામી સૂર્ય અક્ષય તૃતીયા પર પોતાની ઉચ્ચ રાશિ મેષમાં થઇને રાશિના પાંચમા ભાવમાં સંચાર કરશે. આ સંજોગોમાં અક્ષય તૃતીયા આ વખતે આપના માટે શુભ ફળદાયી રહેશે. આપને ઘરના વડીલોનો સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. સમાજ અને પરિવારમાં આપનો પ્રભાવ વધશે. સુવર્ણ અથવા તાંબાની વસ્તુઓની ખરીદી કરીને આપ અક્ષય તૃતીયાને વિશેષ રીતે શુભ અને મંગળકારી બનાવી શકો છો. અક્ષય તૃતીયાનો આ અવસર સિંહ રાશિના જાતકોને ધંધામાં આપની ઇચ્છા કરતાં પણ વધુ કમાણી કરી બતાવશે !
વૃશ્ચિક રાશિને લાભના યોગ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અક્ષય તૃતીયા લાભદાયી સાબિત થશે. જે લોકો વાહનની ખરીદી કરવા પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયાસ સફળ થશે. ઘર અને જમીનમાં રોકાણ કરવાની ઇચ્છા હશે તો આપના માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ લાભદાયી સાબિત થશે. આપની રાશિમાં ચંદ્રમા અને શુક્રની શુભ દૃષ્ટિ થવાથી ધંધામાં આપને સારો નફો મળી શકશે. માતૃપક્ષ તરફથી સુખ અને સહકાર પ્રાપ્ત થશે. યાત્રાના શુભ સંયોગ પણ બની રહ્યા છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)