હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન એવાં કેટલાંક દિવસો આવે છે કે જે અત્યંત શુભ મનાય છે. અખાત્રીજનો દિવસ પણ તેમાંથી જ એક મનાય છે. 22 એપ્રિલ, શનિવારે સમગ્ર દેશમાં અક્ષય તૃતીયા પર ખરીદી તેમજ માતા લક્ષ્મીની પૂજા થશે. એમાં પણ આ વખતે શુભ સંયોગ સાથે અખાત્રીજ હોઈ તેનું મહત્વ અનેકગણું વધી જાય છે.
વાસ્તવમાં આ દિવસ એ માતા લક્ષ્મીનું ઘરમાં આગમન કરાવતો દિવસ છે.
ધન તેરસ અને દિવાળીની જેમ જ તે માતા લક્ષ્મીની અપાર કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર છે. પણ કહે છે કે માતા લક્ષ્મીની કૃપા ત્યારે જ પ્રાપ્ત થઈ શકે કે જ્યારે તમે ઘર સંબંધિત, વાસ્તુ શાસ્ત્ર સંબંધિત કેટલાંક ખાસ નિયમોનું પાલન કર્યું હોય. ત્યારે આવો જાણીએ કે અક્ષય તૃતીયાએ વાસ્તુ સંબંધિત કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે, કે જેના લીધે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય. આવો, તે નિયમો જાણીએ.
ઘરની સફાઇનું ધ્યાન રાખો
અક્ષય તૃતીયાના દિવસે દિવાળીની જેમ જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એટલે આ પવિત્ર દિવસે ઘરની સાફ સફાઇનું પણ વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. ધ્યાન રાખો, કે આ દિવસે ભૂલથી પણ ઘરમાં કરોળિયાના જાળા ન દેખાવા જોઈએ. એટલે કે, તેની સફાઈ કરી લો. તેમજ એંઠા વાસણ પણ ઘરમાં ન રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારની ગંદકી ઘરમાં ધનના આગમનમાં અવરોધ લાવે છે. એટલે, અક્ષય તૃતીયાના દિવસે આખા ઘરની સાફ સફાઇ રાખવી અનિવાર્ય મનાય છે.
ખાસ આ વસ્તુની ચકાસણી કરાવો
જો આપના ઘરના નળમાંથી પાણી સતત ટપકતું રહેતું હોય તો તેને અક્ષય તૃતીયાના દિવસે ખાસ રીપેર કરાવી લો. વાસ્તુ અનુસાર નળમાંથી સતત પાણીનું ટપકવું અત્યંત અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે જે રીતે પાણી સતત વહીને બગડી રહ્યું છે, તે જ રીતે આપના ધનની પણ હાની થવાની છે ! એટલે, ઘરના દરેક નળને ખાસ રીપેર કરાવી દો.
આ દિશામાં રાખો ધન !
અક્ષય તૃતીયાના દિવસે ઘર કે દુકાનમાં ધન રાખવા માટે ઉત્તર કે પૂર્વ દિશાને પસંદ કરો. આ દિશા ધન અને વૈભવને આકર્ષિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિશામાં ધન રાખવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
પ્રગતિ કરાવશે એક તસવીર !
આપ જે પણ વસ્તુનો ધંધો કરી રહ્યા હોવ કે નોકરી કરી રહ્યા હોવ, તો તેની સાથે સંકળાયેલ કોઇ ચિત્રને ઘરમાં લગાવો. આ ઉપાય કરવાથી આપને નોકરી કે ધંધામાં ઉન્નતિની પ્રાપ્તિ થશે. તેમજ સમાજમાં યોગ્ય સ્થાનની પ્રાપ્તિ થશે.
આ દિશામાં રાખો અરીસો !
અક્ષય તૃતીયાના દિવસે ઉત્તર દિશામાં અરીસો રાખવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં અરીસો રાખવાથી સકારાત્મક ઊર્જા ઘરમાં જળવાઈ રહે છે. કહે છે કે તેનાથી આયુષ્ય અને ધનની વૃદ્ધિ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં અરીસો રાખવાથી ઘરના લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે છે અને તેમનું મન કાર્યમાં એકાગ્ર રહે છે !
આ દિશામાં રાખો જળ ભરેલું પાત્ર !
અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ઘરના ઇશાન ખૂણાને એકદમ સ્વચ્છ રાખવો જોઈએ. તેમજ અહીં જળ ભરેલું એક પાત્ર રાખવું જોઈએ. સાથે જ તેની આસપાસ થોડી સજાવટ કરવી જોઈએ. કહે છે કે આ દિશામાં જળનું પાત્ર ભરીને રાખવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તેને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. ઇશાન ખૂણાને દેવસ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર જળ ભરેલ પાત્ર રાખવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
મુખ્યદ્વાર પર દીવો પ્રજવલિત કરવો
અક્ષય તૃતીયાના દિવસે સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર બંને તરફ દીવા પ્રજવલિત કરવા જોઈએ. તેમાંથી એક દીવો દક્ષિણ દિશા તરફ વાટ રહે તેમ ગોઠવવો જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દીવો પ્રજવલિત કરવાથી કેટલાય પ્રકારના દુઃખોનો નાશ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)