fbpx
Thursday, October 31, 2024

નારદ મુનિની આરાધનાથી નોકરીમાં સફળતા મળશે! આજે ભગવાન વિષ્ણુના પરમ ભક્તની પૂજા કરો

હિન્દુ ધર્મમાં મહર્ષિ નારદને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું છે. નારદજીને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે.

કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર નારદજીને આ બ્રહ્માંડના સર્વ પ્રથમ પત્રકાર પણ માનવામાં આવે છે. નારદજી સમસ્ત વેદોના જ્ઞાતા છે. આજે વૈશાખ વદ એકમનો અવસર છે અને ગુજરાતી પંચાંગ અનુસાર આ જ દિવસ નારદજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. ત્યારે આવો જાણીએ કે નારદ જયંતીનું મહત્વ શું છે ? અને આ દિવસે નારદ કુંડમાં સ્નાન કરવાથી વ્યક્તિને કેવાં પુણ્યની થાય છે પ્રાપ્તિ ?

નારદ જયંતીનો મહિમા

સનાતન પરંપરામાં નારદજીના જન્મોત્સવને નારદ જયંતીના રૂપે ઉજવવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. અને વૈશાખ વદ એકમના દિવસે તેમનું પ્રાગટ્ય થયું હતું. નારદ મુનિએ હજારો વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની પ્રાપ્તિ કરી હતી. ભક્તોના હૃદયમાં અને સ્વયં શ્રીહરિના હૃદયમાં તેમનું આગવું સ્થાન છે. ભગવદ્ ગીતામાં એટલે જ તો શ્રીકૃષ્ણ કહે છે કે “દેવર્ષીઓમાં હું નારદ છું !”

વિશેષ પૂજાથી સફળતાના આશીર્વાદ !

માન્યતા અનુસાર નારદ જયંતીના દિવસે દેવર્ષિ નારદની પૂજા કરવાથી કે તેમના નામનું સ્મરણ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ દિવસે નારદજીના મંત્રનો જાપ કરવાથી અનેકવિધ લાભની પ્રાપ્તિ થાય છે. કહે છે કે તેનાથી નોકરીમાં સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલી જાય છે. કાર્ય સ્થળ પર માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિની આવકમાં વૃદ્ધિ થાય છે તેમજ તેને ઉચ્ચ સ્થાનની પણ પ્રાપ્તિ થાય છે. નોકરી આડે આવનારા તમામ અવરોધો આજના પૂજનના પ્રતાપે દૂર થઈ જતા હોવાની માન્યતા પ્રચલિત છે. નારદ મુનિની કૃપા પ્રાપ્ત કરાવતો સરળ મંત્ર છે “ૐ નારદાય નમઃ” આજના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ જરૂરથી કરવો જોઈએ.

નારદ કુંડમાં સ્નાન કરવાના લાભ

એવી માન્યતા છે કે નારદ જયંતીએ વ્રજ મંડળમાં સ્થિત નારદ કુંડમાં નારદજીનું નામ સ્મરણ કરતાં કરતાં કે નારદજીના મંત્રનો જાપ કરતાં કરતાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમજ વ્યક્તિને પોતાની કૃપાને પાત્ર બનાવે છે. ધર્મ ગ્રંથોમાં વર્ણન છે તે અનુસાર નારદ જયંતીના દિવસે નારદજીનું નામ સ્મરણ કરીને નારદ કુંડમાં સ્નાન કરવાથી વ્યક્તિને બુદ્ધિનું વરદાન મળે છે. સાથે જ શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles