સનાતન ધર્મમાં તિલક લગાવવાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં તેને ખૂબ શુભ માનવામાં આવ્યું છે. માન્યતા તો એવી છે કે તિલક એ આજ્ઞા ચક્રનું દ્વાર ગણાય છે. પ્રાચીન સમયમાં તિલકનો પ્રયોગ આજ્ઞા ચક્રને જાગૃત કરવા માટે કરવામાં આવતો હતો. તિલકના કેટલાય આધ્યાત્મિક અને ધાર્મિક પાસા છે.
આપણાં પૌરાણિક શાસ્ત્રોમાં આપને તિલક વિશે ખૂબ જ રસપ્રદ માહિતી જાણવા મળશે. કોઇપણ સાધુ કે સંતને જ્યારે તમે જુઓ છો તો તેમના મસ્તક પર તિલક તમને અવશ્ય જોવા મળશે. તિલક ઘણા પ્રકારના હોય છે જેમ કે ગોળ તિલક, આડી લાઇનવાળું તિલક, લાંબુ તિલક, શિવ ભક્ત ત્રિપુંડનું તિલક લગાવે છે.
હિન્દુ માન્યતા અનુસાર તિલક વિના કરવામાં આવેલ પૂજા અપૂર્ણ માનવામાં આવે છે. અને એટલે જ આપણી પરંપરામાં તિલક લગાવવાનું વિધાન જણાવાયું છે. ત્યારે આવો, આજે આપને તિલક લગાવવાના કેટલાંક નિયમો જણાવીએ.
તિલકનો મહિમા
ધર્મ અનુસાર તિલક લગાવવાનું અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કેટલાક લોકો તિલકને ભગવાન સાથે જોડીને તેનું મહત્વ જણાવે છે. તો, કેટલાક લોકો મન અને મસ્તકને જોડીને આ વાત કરે છે. પરંતુ, તમે એ મુદ્દે ભાગ્યે જ ધ્યાનથી વિચાર્યું હશે કે અલગ અલગ પ્રસંગ પર અલગ અલગ આંગળીથી તિલક કરવામાં આવે છે. જેમ કે, એક વીર જ્યારે પોતાના કાર્ય માટે જાય છે ત્યારે તેને અંગૂઠા વડે તિલક કરવામાં આવે છે. બાળકો અને બીજા લોકોને અનામિકા આંગળીથી તિલક કરવામાં આવે છે. તેની પાછળ અલગ અલગ તર્ક છુપાયેલા છે.
અનામિકાથી તિલકનો મહિમા
મસ્તક પર તિલક લગાવવા માટે મુખ્ય રીતે અનામિકા આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેની પાછળ ત્રણ તર્ક છે. પહેલું તો એ કે આ આંગળીને શુભ માનવામાં આવે છે. બીજુ એ કે આ આંગળીમાં શુક્ર ગ્રહનો વાસ હોય છે જે સફળતાનું પ્રતિક છે. એટલે કે, અનામિકા દ્વારા કરવામાં આવેલ કાર્ય લાંબાગાળા સુધી ટકેલા રહે છે. સાથે જ આ આંગળી સૂર્ય પર્વતવાળી આંગળી પણ કહેવાય છે. એટલે કે, જ્યારે તમે અનામિકા આંગળીથી કોઇ વ્યક્તિને તિલક કરો છો તો તે સૂર્યની જેમ ચમકે છે અને ક્યારેય પૂર્ણ ન થનાર સફળતા તેમજ ઉચ્ચ માનસિક શક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
તિલક લગાવવાના નિયમો
⦁ તિલક લગાવવાના કેટલાક સરળ નિયમો અહીં જણાવ્યા છે જેનું આપ પાલન કરશો તો આપને જીવનમાં દરેક પ્રકારની સફળતા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
⦁ હંમેશા તિલક લગાવતા પહેલા સ્નાન કરવું ખૂબ જરૂરી છે.
⦁ તિલક લગાવતા સમયે ચહેરો હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઇએ.
⦁ તિલક લગાવતી વખતે તિલક કરાવનારનો હાથ માથા પર રાખેલો હોવો જોઇએ. જેથી શરીરમાં એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય.
⦁ બીમાર વ્યક્તિને મસ્તકની વચ્ચે તિલક લગાવવું જોઇએ.
⦁ બીમાર વ્યક્તિને ચંદનનું તિલક લગાવવું જોઇએ અને એ પણ અંગૂઠા દ્વારા.
⦁ જો કોઇ મૃત વ્યક્તિના ચિત્રને તિલક લગાવવાનું હોય તો નાની આંગળીથી તિલક કરી શકાય છે.
⦁ જો તમે પોતાની જાતને તિલક લગાવો છો તો મસ્તકની વચ્ચે ભ્રમરના મધ્ય ભાગમાં તિલક લગાવો.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)